Abtak Media Google News

શેત્રુંજી, સાપુતારા, ઉકાઈ અને ધરોઈ ડેમને પ્રવાસન કેન્દ્ર બનાવવા સી પ્લેન સર્વિસ શરૂ કરાશે

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં એરસ્ટ્રીપ્સ વિકસાવવા માટે રૂ. ૯૩.૭૪ કરોડનો ખર્ચ કર્યો હતો તેવું વિધાનસભામાં જણાવવામાં આવ્યું છે. સાથોસાથ અનેક નાના શહેરોમાં એરસ્ટ્રીપ બનાવવાની કામગીરી પુરજોશમાં છે તેમજ અનેક સ્થળોને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકાસવવા સી પ્લેન સર્વિસ પણ શરૂ કરવામાં આવનાર છે તેવી માહિતી પણ વિધાનસભામાં આપવામાં આવી છે.

Advertisement

વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ગુરુવારે ગૃહને જણાવ્યું હતું કે, એરસ્ટ્રીપ નિર્માણ માટે  કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં સરકારે ૯૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા અને ૨૦૨૨માં સરકારે ૩.૬૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. માંડવીની હવાઈપટ્ટીનું કામ પૂર્ણ થઈ ગયું છે, એમ વિધાનસભાને જણાવવામાં આવ્યું હતું. મોરબી હવાઈપટ્ટી અંગે સરકારે જણાવ્યું હતું કે, બાઉન્ડ્રી વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

વિધાનસભામાં રજૂ કરાયેલા જવાબ મુજબ અંબાજી, ધોળાવીરા, પરસોલી અને બગોદરા ખાતે એરસ્ટ્રીપ માટે જમીન સંપાદન ચાલી રહ્યું છે.સરકારે વધુ જવાબ આપ્યો હતો કે, દહેજ અને પાલિતાણા ખાતે એરસ્ટ્રીપ્સ માટે પ્રી-ફિઝિબિલિટી સ્ટડી કરવામાં આવી રહી છે.

વણોદ (બેચરાજી), અંકલેશ્વર અને રાજપીપળા હવાઈ પટ્ટીઓનું કામ ચાલી રહ્યું હતું અને રાજકોટના હિરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકસાવવાનું કામ પણ પ્રગતિમાં છે.

ખંભાતના ધારાસભ્ય ચિરાગકુમાર પટેલના અન્ય એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમ, દક્ષિણ ગુજરાતમાં સાપુતારા તળાવ, સુરતમાં ઉકાઈ ડેમ અને ઉત્તરમાં ધરોઈ ડેમ જેવા વિવિધ પ્રવાસન સ્થળોને જોડવા માટે સી પ્લેન સેવા શરૂ કરવાની યોજના ચાલી રહી છે.  જો કે, આ સ્થળોએ સી પ્લેન સેવા વિકસાવવામાં કોઈ પ્રગતિ હજુ સુધી થઈ નથી. સરકારે કહ્યું કે ધરોઈ ખાતે સી પ્લેન સેવા શરૂ કરવા માટે જમીન સંપાદનનું કામ ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.