Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, હજી ચાર દિવસ ભારે વરસાદની આગાહીથી જગતાતના જીવ ઉંચક

એક મહિના પહેલા જ્યાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં હતાં. તેવા સૌરાષ્ટ્ર પર હવે અતિવૃષ્ટિનો ખતરો ઝળુંબી રહ્યો છે. રાજ્યના 190 તાલૂકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. હજી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય જગતાતના જીવ તાળવે ચોંટી ગયા છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 190 તાલૂકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલામાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ સાથે રાજ્યમાં મૌસમનો 85.40 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં 97.29 ટકા વરસાદ પડી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત લખતરમાં બે ઇંચ, સાયલામાં પોણા બે ઇંચ, ધ્રાંગધ્રા અને મુળીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

રાજકોટ શહેરમાં સવા ઇંચ, કોટડા સાંગાણી, ગોંડલ, પડધરી, જામકંડોરણા, વીંછીયા, જેતપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. મોરબી જિલ્લાના હળવદમાં પોણા ત્રણ ઇંચ, મોરબીમાં અઢી ઇંચ, વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારામાં બે ઇંચ, માળીયા મીયાણામાં અર્ધા ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જામનગરમાં ત્રણ ઇંચ, કાલાવડમાં બે ઇંચ, ધ્રોલ અને જામ જોધપુરમાં પોણા બે ઇંચ, જોડીયામાં દોઢ ઇંચ, લાલપુરમાં એક ઇંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સવા ઇંચ ભાણવડમાં એક ઇંચ, કલ્યાણપુરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.

પોરબંદરમાં ત્રણ ઇંચ, રાણાવાવમાં અર્ધો ઇંચ, જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને કેશોદમાં અઢી ઇંચ, વિસાવદરમાં બે ઇંચ, જૂનાગઢમાં પોણો ઇંચ, ભેંસાણ, મેંદરડા, વંથલીમાં અર્ધા ઇંચ, ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડામાં 3 ઇંચ, સુત્રાપાડા અને તાલાલામાં બે ઇંચ, વેરાવળમાં પોણા બે ઇંચ, કોડીનારમાં એક ઇંચ, અમરેલી જિલ્લાના રાજુલામાં સાડા ચાર ઇંચ, બગસરા, બાબરામાં બે ઇંચ, લાઠી, ખાંભા, વડીયા, અમરેલીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવામાં બે ઇંચ, સિંહોરમાં સવા ઇંચ, તળાજામાં પોણો ઇંચ, વલ્લભીપુર,જેસરમાં અર્ધા ઇંચ, બોટાદ જિલ્લાના બળવાળામાં બે ઇંચ, રાણપુરમાં એક ઇંચ અને બોટાદમાં અર્ધા ઇંચ વરસાદ પડ્યો છે.

રાજુલા પંથકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે ખતરોમાં પાણી ભરાણા હતા. જેથી ખેડુતોને ખેતરમાં વાવેલ પાક ને નુકશાન થવાની ચિંતા સતાવી રહી છે અને શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાણા હતા જેના કારણે શહેરમાં પાણી જન્ય રોગ ચાળો ફાટી નીકળવાની સંભાવના વધી ગઈ છે માટે સરકારી તંત્ર દ્વારા આ અંગે તકેદારી રાખવા યોગ્ય પગલાં ભરવા જરૂરી છે. શહેરમાં સાફ-સફાઈ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. ભરાઈ ગયેલ પાણીનો નિકાલ કરવા માટે પગલા ભરવા જરૂરી છે.

રાજુલાના ધાતરવડી નદી પર આવેલા ધાતરવડી-1 ડેમ પહેલે થી જ ઓવરફ્લો હતો. એમા ઉપર વાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવક વધી ગઈ હતી. આ પાણી રાજુલા શહેર પાસે આવેલ ધાતરવડી ડેમ 2 માં આવેલ હોવાથી તેમજ શહેરનું પાણી પાસે અને  ઘાણો નદીમાં આવેલ પાણી આ ડેમમાં આવતા આ ડેમના દરવાજા આજે બે કરતા વધુ વખત ખોલવા પડ્યા હતા.

ભાદર ડેમના 2 દરવાજા હજી ત્રણ ફૂટ ખુલ્લા

સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર ગઈકાલે બપોરે ઓવરફલો થઈ ગયો હતો. ડેમના 29 પૈકી 17 દરવાજાઓ સાંજે ખોલવામાં આવ્યા હતા. દરમિયાન સમી સાંજે મેઘરાજાએ વિરામ લેતા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો હતો. આજે સવારે ડેમના 2 દરવાજા 3 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હોવાનું સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. હાલ ડેમમાં 2783 ક્યુસેક પાણીની આવક સામે 2783 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ભાદર 2 ડેમના પણ બે દરવાજા દોઢ ફૂટ સુધી ખુલ્લા છે. મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા સપ્ટેમ્બર માસમાં સૌરાષ્ટ્રનું જળ સંકટ હલ કરી દીધુ છે. મોટાભાગના જળાશયો ઓવરફલો થઈ ગયા છે.

ભાદરના દરવાજા હજી ખુલ્લા હોય નદીના પટમાં પાણી છોડવામાં આવી રહ્યું હોય 22 ગામોના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર ઉપરાંત ન્યારી-1, ફાડદંગ બેટીમાં 0.82 ફૂટ, ઈશ્ર્વરિયામાં 1.31 ફૂટ, કરમાળમાં 0.33 ફૂટ, કર્ણુકીમાં 2.30 ફૂટ, મચ્છુ-1 ડેમમાં 0.36 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.46 ફૂટ, ડેમી-2માં 0.33 ફૂટ, ઘોડાધ્રોઈ 0.82 ફૂટ, બ્રાહ્મણી-2 0.33 ફૂટ, ડેમી-3માં 0.49 ફૂટ, ડાઈમીણસર 0.52 ફૂટ, ધી માં 0.62 ફૂટ, ગઢકીમાં 0.82 ફૂટ, શેઢા ભાડથરીમાં 0.46 ફૂટ, સિંધણીમાં 0.16 ફૂટ, વઢવાણ ભોગાવોમાં 0.59 ફૂટ, લીંબડી ભોગાવોમાં 0.82 ફૂટ, ફલકુમાં 0.49 ફૂટ અને નિભંણી ડેમમાં 10 ફૂટ જ્યારે સાકરોલીમાં 0.92 ફૂટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.