Abtak Media Google News

કોરોના વાયરસની બીજી લહેર ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અતિ ખતરનાક અને બિહામણી સાબિત થઈ છે. જેની સામે બચવા રાજ્યભરમાં “મીની લોકડાઉન” લદાયું છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રી કરફ્યૂ લાગુ છે. પરંતુ હાલ કોરોનાની ગતિ મંદ પડતાં સ્થિતિ થાળે પડતાં રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય જારી કર્યો છે. જે મુજબ હવે રાત્રીના 9 વાગ્યા સુધી લટાર મારી શકાશે. જી. હા, રાત્રી કરફ્યુમાં 1 કલાકનો ઘટાડો કરવાની સરકારે જાહેરાત કરી છે આ નવો નિયમ આવતીકાલથી લાગુ થશે.

દિવસ દરમિયાનના કડક પ્રતિબંધોમાં આંશિક રાહત આપી સરકારે હવે રાત્રી કર્ફ્યુમાં પણ લોકોને રાહત આપી છે. અત્યાર સુધી સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી બહાર નીકળવાની છૂટ હતી. જેવા 8 વાગતા કે તરત જ ગમે ત્યાંથી ઘેર ભેગાં થઈ જવું પડતું હતું. પરંતુ હવે 9 વાગ્યા સુધીની છૂટ અપાઈ છે. ઉલ્લેખનીય છે ત્યાં થોડા દિવસ અગાઉ સરકારે સવારના ૯ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી બજારો દુકાનો ખુલ્લી રાખવાનો પણ નિર્ણય કર્યો છે. ત્યારે હવે રાત્રી કર્ફ્યુમાં એક કલાકનો ઘટાડો થતાં નાના વેપારીઓને મોટી રાહત થશે.

ઉલ્લેખનીય છે કે ખતરનાક સાબિત થયેલી કોરોના વાયરસની બીજી લહેરમાંથી ગુજરાત બહાર નીકળવા તરફ છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. તો સામે રિકવરી રેટ પણ નોંધનીય દરે વધી રહ્યો છે. પરંતુ આ વચ્ચે હજુ કોરોનાની આવનારી ત્રીજી લહેરનું જોખમ વધ્યું છે. જેના પગલે હજુ સાવચેતી રાખવાની ખુબ જરૂર છે. ગુજરાતમાં આવનારી આ ત્રીજી લહેરથી બચાવવા રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ છે. 4 મેના રોજ રાજ્યના 29 ઉપરાંત સાત અન્ય શહેરો એમ કુલ 36 શહેરોમાં જે રાત્રી કર્ફ્યૂ ઉપરાત દિવસ દરમિયાનના પ્રતિબંધો લાગુ કરાયા હતા.

Screenshot 4 19

રાજકોટ સહિત 36 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ હતો જે હવે 9 વાગ્યાથી લાગુ થશે. કોરોના સંક્રમણ સંપૂર્ણપણે કાબુમાં કરવા અને ત્રીજી લહેર સામે અડીખમ ઉભું રહેવા માટે કડક નિયમોની જરૂર છે. ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી,  વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લાગુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.