Abtak Media Google News
  • વસંત પંચમીએ ઉદઘાટન બાદ ભાવિકો માટે રવિવારે મંદિરના કપાટ ખુલતા વેંત જ ભાવિકોની ભીડ

વસંત પંચમીના પવિત્ર દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ સંપન્ન થયા બાદ, ત્યાર પછીના દિવસોમાં અન્ય અનેક વિશિષ્ટ કાર્યક્રમોની હારમાળા યોજાઇ હતી, જેમાં ભારતના   સંતવર્યો, તેમજ અનેકવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ મંદિરના દર્શન બાદ પોતાની હૃદયોર્મીઓ વહાવી હતી.

1 માર્ચ બાદ મંદિરના દ્વાર  જાહેર જનતા માટે ખુલ્લાં મુકાયા હતા અને ત્યારથી હજારોની મેદનીનો પ્રવાહ મંદિર તરફ વહેવા લાગ્યો હતો. 3 માર્ચ, રવિવારના રોજ સવારે 40,000 અને સાંજે 25,000 એમ કુલ 65,000 થી વધુ જનમેદની મંદિરની મુલાકાતે ઉમટી પડી હતી. દર્શનાર્થીઓના ભારે ધસારા વચ્ચે પણ સૌએ 2,000 ના જૂથમાં વહેંચાઈને, અત્યંત શાંતિ, ધીરજ અને શિસ્તપૂર્વક કતારબધ્ધ રીતે મંદિરની દિવ્ય-ભવ્ય સૃષ્ટિને મન ભરીને માણી હતી. આ ભવ્ય-દિવ્ય મંદિરને નિહાળીને મુલાકાતીઓએ અપૂર્વ શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. સૌના હ્રદય અહોભાવ અને અકલ્પ્ય અનુભૂતિથી તરબતર થઈ ગયા હતાં.

અબુ ધાબીના સુમંત રાયે જણાવ્યું,  હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે આવી શિસ્ત અને વ્યવસ્થા મેં હજી સુધી નિહાળી નથી. મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને હું શાંતિથી દર્શન નહિ કરી શકું, પરંતુ અમને અદ્ભુત દર્શન થયા અને અત્યંત સંતુષ્ટિનો અનુભવ થયો. બીએપીએસના સ્વયંસેવકો અને મંદિરના સ્ટાફને ખુબ ધન્યવાદ.

લંડનના પ્રવિણા શાહે બીએપીએસ હિંદુ મંદિર, અબુ ધાબીની તેમની પ્રથમ મુલાકાત વિશે જણાવ્યું,

હજારોની જનમેદનીમાં પણ મારી શારીરિક તકલીફને ધ્યાનમાં રાખીને મંદિર સ્ટાફે જે રીતે મારી કાળજી લીધી, તે અનોખું હતું. આટલા મોટા દર્શનાર્થી સમૂહને એક સ્થળેથી બીજે સ્થળે જે રીતે શાંતિથી, વ્યવસ્થિત રીતે લઈ જવામાં આવી રહ્યા હતા, તે મેં નિહાળ્યું.

કેરળના બાલચંદ્રએ જણાવ્યું, મને લાગી રહ્યું હતું કે અહીં ઉમટી પડેલા આ માનવ મહેરામણમાં હું ખોવાઈ જઈશ,પણ જે રીતે મંદિરની મુલાકાતનું સંચાલન કરવામાં આવ્યું, તે જોતાં મને આશ્ચર્ય થાય છે. હું શાંતિથી દર્શનનો આનંદ માણી શક્યો; હું રાહ જોઈ રહ્યો છું કે મંદિરની બીજી મુલાકાતે ક્યારે આવું!

સૌ દર્શનાર્થીઓએ મંદિરમાં દર્શન અને પ્રાર્થના વ્યક્ત કરી શકવાનો આનંદ અને સંતોષ અનુભવ્યો હતો, તેમાં પણ આરતી અને ભગવાનની મૂર્તિ પર જલાભિષેકની વિધિ દરમિયાન અનેક દર્શનાર્થીઓ ભાવાર્દ્ર થઇ ગયા હતા. મંદિરના અભૂતપૂર્વ સ્થાપત્યને નિહાળીને અનેક અચંબિત હતા. મંદિરમાં ઉમટી પડેલાં દર્શનાર્થીઓને કારણે અનેરા ઉત્સવનો માહોલ સર્જાઈ ગયો હતો. મંદિરના દર્શન કરવાની ઉત્સુકતાથી સભર એવા આ હજારો લોકો ખૂબ દૂર-દૂરથી આવ્યા હતા અને સૌ કોઈને મંદિરના દર્શનથી અનેરી શાંતિ અને આનંદની અનુભૂતિ થઇ રહી હતી.

દુબઈમાં 40 વર્ષથી રહેતા નેહા અને પંકજે કહ્યું,

અમે આ ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને આ મંદિર અમારી સઘળી અપેક્ષાઓથી પણ ઉપર બિરાજે છે! ખરેખર આ એક અજાયબી છે! અમે ધન્યતા અનુભવીએ છીએ કે હવે અમારી પાસે પ્રાર્થના કરવા અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવા માટે આવું સ્થાન છે!

પોર્ટલેન્ડ, યુએસએના પિયુષ જણાવે છે,

આ મંદિર યુ.એ.ઈના વિવિધતા અને સર્વસમાવેશકતા જેવા મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વિવિધ સમુદાયો વચ્ચેની એકતાનું આ મંદિર સુંદર પ્રતિનિધિ છે.

મેક્સિકોના લુઇસે જણાવ્યું,મંદિરનું સ્થાપત્ય અને પત્થરોમાં કંડારાયેલી ઝીણામાં ઝીણી વિગતો અદ્ભુત છે! ભારતના સાંસ્કૃતિક વારસાની પ્રસ્તુતિની હું ખરેખર પ્રશંસા કરું છું. હું લોકોને કહીશ, ‘અહીં આવો’!

યુ.એ.ઈના નેતૃત્વ દ્વારા સહકારની ભાવનાનું વધુ એક ઉદાહરણ અબુ ધાબીથી બી. એ. પી. એસ. હિન્દુ મંદિર સુધી નવા બસ રૂટ (203) ની ઘોષણા છે, જે સપ્તાહના અંતમાં મુલાકાતીઓને મંદિરના દર્શનમાં સહાયતારૂપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.