Abtak Media Google News

16મી એપ્રિલથી રાજ્યમાં જંત્રીના નવા દરની અમલવારી: વિસંગતતાઓ દુર કરવાના મૂડમાં પટેલ સરકાર

રાજ્યમાં આગામી 16મી એપ્રિલથી જમીનના દરમાં નવી જંત્રીની અમલવારી થઇ જશે. જૂની જંત્રી હવે માત્ર સાત દિવસ જ અમલમાં રહેશે. જૂની જંત્રી મુજબ દસ્તાવેજો કરવા છેલ્લા કેટલાક દિવસથી સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. જૂની જંત્રીની મુદ્તમાં હવે વધારો કરવામાં આવે તેવી શક્યતા ખૂબ જ નહિવત છે પરંતુ જંત્રીના દર બમણા કરવા સહિતની જે વિસંગતતાઓ છે. તેને દૂર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

રાજ્યમાં છેલ્લા 12 વર્ષથી જંત્રીના દરમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન હોય રાજ્યની ભાજપ સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં જંત્રીના હયાત દરોને બમણા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની સામે રાજ્યભરમાં રોષ ફાટી નિકળ્યો હતો. બિલ્ડરોની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા 15મી એપ્રિલ સુધી જંત્રીના નવા દરોની અમલવારી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જૂની જંત્રી હવે માત્ર સાત દિવસ જ અમલમાં રહેશે. આગામી 16મી એપ્રિલથી દસ્તાવેજ નોંધણી માટે નવી જંત્રી અમલમાં આવી જશે. દરમિયાન મિલકત ખરીદનાર અને વેચનાર વ્યક્તિએ 15મી એપ્રિલ સુધીમાં સ્ટેમ્પની ખરીદી કરી લીધી હશે અને આ સ્ટેમ્પ પર બન્નેની સહી હશે તો અને દસ્તાવેજ નોંધણી માટેની ફી પેટેનો એક ટકો રકમ ભરપાય કરી દીધી હશે તે 31મી મે સુધીમાં જૂની જંત્રી મુજબ દસ્તાવેજ કરાવી શકશે.

જંત્રીના દરને લઇને કેટલીક વિસંગતતાઓ છે. જેમાં એક જ વિસ્તારમાં નજીવા અંતરે આવેલા બે મિલકતોની જંત્રીમાં ઘણો ફેરફાર છે. આ ઉપરાંત અનેક ગામોમાં જંત્રીના દર પહેલેથી જ વધારે છે. અહિં જંત્રીના દર બમણા કરી દેવામાં મિલકતની બજાર કિંમત કરતા જંત્રીના દર વધારે છે. રાજ્યભરમાં જસદણ શહેરમાં જંત્રીના સૌથી ઉંચા દર છે. આ અંગે બિલ્ડરો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર જૂની જંત્રીની મુદ્ત વધારવાના મૂડમાં નથી પરંતુ જંત્રીનો દર જે બમણો કરવામાં આવ્યો છે. તેમાં છૂટછાટ આપવામાં આવશે.

100 ટકા વધારો કરવાના બદલે 70 થી 80 ટકા સુધીનો વધારો કરાશે. આ ઉપરાંત જે વિસંગતતાઓ છે તે પણ દુર કરવામાં આવશે. જૂની જંત્રી હવે માત્ર સાત દિવસ જ અમલમાં હોય રજાના દિવસોમાં પણ દસ્તાવેજ નોંધણી માટે કચેરીઓ ચાલુ રાખવામાં આવે છે.

ગુજરાતમાં 2008થી જંત્રી મુજબ દસ્તાવેજની નોંધણીની પધ્ધતિ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન વર્ષ-2011માં જંત્રીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. છેલ્લા 12 વર્ષથી જંત્રીના દરમાં કોઇ ફેરફાર કરાયો નથી. બીજી તરફ આ સમય ગાળામાં મિલકતોની બજાર કિંમતો ત્રણથી ચાર ગણી વધી જવા પામી હતી. જંત્રીના દરમાં વધારો કરવામાં આવતા રાજ્ય સરકારની તિજોરી પર મોટી અસર પડતી હતી. ડિસેમ્બરમાં નવી સરકાર રચાયા બાદ ફેબ્રુઆરીમાં એક ઝાટકે જંત્રીના દર બમણા કરી દેવામાં આવ્યા હતા. જો કે રજૂઆત અને રોષને પારખી રાજ્ય સરકાર દ્વારા 15મી એપ્રિલ સુધી નવી જંત્રીની અમલવારી 15મી એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી હતી. આ મુદ્ત પૂર્ણ થવાના આડે હવે માત્ર એક સપ્તાહનો સમય બચ્યો છે.d

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.