Abtak Media Google News

ચોમાસુ સત્રમાં મોંઘવારી મુદ્દે તોફાન ન મચે તેની તૈયારીઓના ભાગરૂપે આજની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાય તો નવાઈ નહિ

અર્થતંત્રને વેગ આપવા અને સામાન્ય લોકોને રાજી રાખવા પેટ્રોલ- ડીઝલ ઉપરનું ટેક્ષનું ભારણ ઘટાડવાનો નિર્ણય લેવાઈ તેવી શકયતા

કોરોનાના કારણે એક વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ઓફલાઇન કેબિનેટ બેઠક મળવાની છે. આ બેઠકમાં ચોમાસુ સત્રમાં મોંઘવારી મુદ્દે તોફાન ન મચે તેની તૈયારીઓના ભાગ રૂપે મહત્વના નિર્ણય લેવાય તેવી સંભાવના જણાઈ રહી છે. આ ઉપરાંત અર્થતંત્રને વેગ આપવા અને સામાન્ય લોકોને રાજી રાખવા પેટ્રોલ- ડીઝલ ઉપરનું ટેક્ષનું ભારણ ઘટાડવાનો નિર્ણય લેવાઈ તેવી પણ શકયતા સેવાઇ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાના આજે સવારે 11 વાગ્યે એક વર્ષ બાદ કેબિનેટની ઓફલાઇન બેઠક યોજાવા જઈ રહી છે. છેલ્લે ગત વર્ષે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ઓફલાઇન બેઠક યોજાઇ હતી. બાદમાં કોરોનાનું જોર વધતા ઓફલાઇન બેઠક યોજવાનું માંડી વાળવામાં આવ્યું હતું. જોકે કેન્દ્રીય મંત્રીમંડળ, લોકડાઉન દરમિયાન લગભગ દરેક અઠવાડિયામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિયમિત મીટિંગ કરતું હતું.

આજ રોજ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક વર્ષ જેટલા લાંબા સમય બાદ કેબિનેટ મળવા જઈ રહી છે. ઉપરાંત બીજી બાજુ આગામી તા.19મીથી સંસદનું ચોમાસુ સત્ર યોજાવા જઈ રહ્યું છે. આ સત્રમાં વિપક્ષ તોફાન મચાવવાનું છે તે નક્કી છે. મોંઘવારીનો મુખ્ય મુદ્દો ધરીને વિપક્ષ ભારે વિરોધ દર્શાવવાનું છે. જેને ધ્યાને લઈને આ કેબિનેટ બેઠકમાં આગવી રીતે વ્યૂહરચના ઘડવામાં આવનાર છે.

વિપક્ષ સંસદમાં મોંઘવારીનો મુદ્દે ઉઠાવે એટલે બચાવ કરવા માટે આજની કેબિનેટમાં કોઈ મહત્વના નિર્ણય લેવાય તેવી શકયતા જોવા મળી રહી છે. આ ઉપરાંત આજની કેબિનેટમાં અર્થતંત્રને વેગ આપવા અને સામાન્ય લોકોને રાજી રાખવા માટે પેટ્રોલ ડીઝલ ઉપરના ટેક્સમાં રાહત આપવામાં આવે તેવી શકયતા પણ જણાઈ રહી છે. ટૂંકમાં આજની કેબિનેટમાં આગામી ચોમાસુ સત્રને ધ્યાને લઈને જ નિર્ણયો લેવાય તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.