કોરોના હળવો થતા જ વિરોધની મોસમ ખીલી, પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ‘દેખાવો’

કોરોનાની મહામારીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ  આસમાને પહોચ્યા છે. સતત વધી રહેલા ઈંધણના ભાવ વધારા સામે આખરે કોંગ્રેસે  આળસ ખંખેરીને રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન કરવાનું નક્કી કર્યુ છે. કોંગ્રસે આજે  “અબકી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર” ના સૂત્ર સાથે દેખાવો યોજ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક નેતાઓની આગેવાનીમાં કોંગ્રેસે સવારે દેખાવો કર્યા છે.

કોરોનાકાળમાં ગાયબ થયેલી કોંગ્રેસે અંતે આળસ ખંખેરી પ્રજાપ્રશ્ને વિરોધ શરૂ કર્યો

ગુજરાત કોંગ્રેસનું કહેવુ છે કે, કોરોના રોગચાળમાં પ્રજા હેરાન થઈ રહી છે. તેને રાહત આપવાની જગ્યાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં રાહત આપતી નથી. છેલ્લા 3 મહિનામાં કેન્દ્રની મોદી સરકારના સત્તાકાળમાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 25.72 અને ડીઝલના ભાવમાં રૂપિયા 23.93 ધરખમ વધારો કર્યો છે. માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં 43 વખત ભાવ વધારો કરાયો છે.

રાજકોટમાં પણ કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ વેળાએ અનેક કોંગી આગેવાનોની ઉપસ્થિતી રહી હતી. પ્રદર્શનમાં પોલીસે પહોંચીને વિઘ્ન પાડ્યું હતું અને કોંગ્રેસી આગેવાનોને ઉઠાવી લીધા હતા.

લોકપ્રશ્ને કોંગ્રેસ હજુ આકરા આંદોલનો કરશે: અશોક ડાંગર

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું કે સરકાર જે રીતે દિનપ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે ત્યારે આ ભાવ વધારાથી અનેક લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં તે રીતે વધારો નોંધાય છે તેવી જ રીતે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને અટકાવવું અતિ આવશ્યક છે. ઉપરાંત સરકાર દ્વારા કોરોના બાદની સ્થિતિને પહોંચી વળવા ભાવ વધારો લાદવામાં આવ્યો છે તેવું કહેવામાં આવે છે. પરંતુ આ વાતમાં બિલકુલ નથી.

આ ઉપરાંત પોતાને સમાજના સેવક ગણાવતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોરોના કાળમાં ઘર જાલીને બેસી ગયા હતા. ત્યારે આ સરકારને એટલું જ કહેવાનું કે માત્ર લોકોની સેવાનો ડોળ કર્યાને બદલે ક્યારેક પ્રજાલક્ષી કાર્યો પણ કરે. ખાસ તો આજથી મંદિરો ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી છે પરંતુ રાજકોટની આન-બાન અને શાન ગણાતો રામનાથ મહાદેવ મંદિર કે જે રિવરફ્રન્ટની વાતો થાય છે તે હજુ લટકતી તલવાર સમાન છે.

આ ઉપરાંત ચોમાસુ પણ આવી ગયું છે અને દર વર્ષે રામનાથ મહાદેવને ગટરના પાણીથી અભિષેક થાય છે જેનાથી અનેક ધાર્મિક લોકોની લાગણીઓ દુભાય છે ત્યારે આ સરકારને એટલું જ કહેવાનું કે ઝડપથી મહાદેવનું અભિષેક શુદ્ધ નદીના જળથી થાય તેવી વ્યવસ્થા કરાય. આ ઉપરાંત ચોમાસુ આવતા અનેક રોગચાળો ફેલાય છે. જેમાંનું એક એટલે મેલેરીયા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયાને લઈને પણ હજુ કોઈ કામગીરી શરૂ કરાઇ નથી. આજી-2 ની ગાંડી વેલ તેનું જીવંત ઉદાહરણ. ત્યારે સરકાર જો નબળી પડતી હોય તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ અને ઝડપથી આ તમામ બાબતો અંગે પગલાં લેવામાં આવે નહીં તો કોંગ્રેસ દ્વારા હજુ પણ આંકરા આંદોલન કરવામાં આવશે.