Abtak Media Google News
  • ધો.12 પૂરક પરીક્ષાનું પરિણામ આવ્યા પછી પાંચ દિવસ માટે ફરીવાર પોર્ટલ શરૂ કરવામાં આવશે

ધો.12ની પરીક્ષા બાદ આગામી દિવસોમાં કોલેજમાં પ્રવેશ અંગેની કાર્યવાહી માટે કોમન એડમિશન પોર્ટલ પર રજિસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા કેવી રીતે કરવાની રહેશે તેની વિગતો પણ જાહેર કરી દીધી છે. જેમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા બાદ 1લી એપ્રિલથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યમાં પહેલી વખત ધો.12 પછીની તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશન કરાવવાનું નક્કી કરાયું છે. એટલે કે રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓએ કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે 1લી એપ્રિલથી લઇને ધો.12નું પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

ધો.12 પૂરક પરીક્ષાનું પરિણામ આવ્યા પછી પાંચ દિવસ માટે ફરીવાર પોર્ટલ શરૂ કરવામાં આવશે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા અથવા તો અગાઉ રજિસ્ટ્રેશની પ્રક્રિયા બાકી હોય તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે તે યુનિવર્સિટીઓએ પાંચ દિવસમાં આ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કામગીરી કરવાની રહેશે. વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન બાદ દરેક યુનિવર્સિટીઓના લોગ ઇન આઇડી આપવામાં આવશે. યુનિવર્સિટીઓએ પોતાની વિવિધ ડિગ્રી અભ્યાસક્રમોની પ્રક્રિયા સ્વાયત્તાથી કરવાની રહેશે. જેમાં મેરિટ લિસ્ટ તૈયાર કરીને પૂરક પરીક્ષા સિવાયના વિદ્યાર્થીઓની કાર્યવાહી ત્રણ રાઉન્ડમાં પૂરી કરવાની રહેશે.

આમ, શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા પછી દરેક યુનિવર્સિટીઓને ડેટા સુપરત કરાશે તેના મેરિટના આધારે જુદી જુદી કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયા કરવાની રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા રજિસ્ટ્રેશનથી લઇને પ્રવેશ ફાળવણી સુધીની કામગીરી કેવી રીતે અને કેટલા સમયમાં કરવી તેની જાહેરાત કરી દીધી છે. 14 યુનિવર્સિટીએ આ પ્રકારે સમયમર્યાદામાં કામગીરી કરવાની રહેશે. જો કોઇ યુનિવર્સિટી યુજી કોર્સમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હોય તો એક સપ્તાહમાં એન્ટ્રન્સ ટેસ્ટ લઇને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવાની કામગીરી કરવાની રહેશે. બાકીની યુનિવર્સિટીઓએ આ સમય દરમિયાન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.