Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ એવો આક્ષેપ કર્યો છે કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મહાપાલિકામાં ભાજપ પક્ષનો 68 બેઠક ઉપર વિજય થયેલો છે તેમજ શેડ્યુલ્ડ કાસ્ટ માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કુલ પાંચ બેઠકો અનામત રાખવામાં આવેલ છે અને આ તમામ બેઠકો ઉપર ભાજપ પક્ષના દલિત સમાજના ઉમેદવારોનો વિજય થયો છે.છતાં કોઈ મહત્વનું પદ આપવામાં આવ્યું નથી.

રાજકોટના મતદારોએ ભાજપ પક્ષના દલિત સમાજના ઉમેદવારોને મત આપ્યો છે અને તે વિજેતા બનેલા છે ત્યારે ભાજપપક્ષના આ પાંચ કોર્પોરેટરોને કોઈ જ પદ આપેલું નથી તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન કે અન્ય 15 સમિતિઓના ચેરમેન માં પણ સમાવેશ કર્યો નથી જેથી ભાજપે દલિત સમાજ પ્રત્યે ભેદી નીતિ દાખવી છે
તેમજ આ ગોડસે અને મનુવાદી વિચારધારા વાળા ભાજપના શાસકોએ અનુસુચિત જાતી સાથે આભડછેટ રાખી હોય તેવું પ્રથમ નજરે દેખાય છે.

ભાજપે હર હંમેશ અનુસુચિત જાતીને અન્યાય કર્યો છે તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અનુસુચિત જાતીના 10 લોકોને ટીકીટ ફાળવી ઉમેદવાર બનાવ્યા અને ભાજપે માત્ર 6 લોકોને ટીકીટ ફાળવી હતી આ ઉપરથી અનુસુચીત જાતીના લોકોએ વિચારવું જોઈએ કે તેના હિતેચ્છુ કોણ છે વધુમાં રાજકોટ શહેર કોંગ્રેસે અનામત ન હોવા છતાં વશરામભાઇ સાગઠીયાને બબ્બે વખત વિરોધપક્ષના નેતા બનાવ્યા છે તે પણ સમાજે ન ભૂલવું જોઈએ.

ભાજપે અનુસૂચિતજાતીને રાજકોટ મહાનગરપાલિકામાં પદ વિહોણા કર્યા છે અને સમગ્ર અનુસુચિત જાતિને વિનંતી છે કે આગળના સમયમાં ક્યા પક્ષ દ્વારા સમાજને મહત્વ મળે છે અને ક્યાં પક્ષ સાથે રહેવું એ પણ સમાજે નક્કી કરવું જોઈએ તેવું વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.