Abtak Media Google News

વર્ષ 2022-23 દરમિયાન ગુજરાત રાજયમાં સૌથી વધુ પ્રસુતિ કરાવતી રાજકોટ જિલ્લાની પદ્મકુંવરબા હોસ્પિટલ

ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારની સગર્ભાઓને હુંફ સાથે સારવાર આપી પુણ્યનું ભાથુ બાંધતો સ્ટાફ

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તબીબી સેવા અંતર્ગત ચાલતી જીલ્લા હોસ્પિટલો ખાતે વર્ષ 2022-23માં થયેલી પ્રસુતિ અંગેનો રીપોર્ટ અનુસાર સમગ્ર રાજ્યની જીલ્લા હોસ્પિટલોમાં સૌથી વધુ સફળ અને ગુણવત્તાસભર પ્રસુતિ કરાવનાર હોસ્પિટલ તરીકે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલે ગૌરવપૂર્ણ પ્રથમ સ્થાન મેળવ્યું છે.

Advertisement

આ રીપોર્ટ અનુસાર વર્ષ 2022-23 દરમ્યાન પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે કુલ 466ર સફળ પ્રસુતિઓ થઈ છે. જે મુજબ સરેરાશ માસિક 389 પ્રસુતિ કરવામાં આવે છે. ઉપરાંત, માતૃત્વ અને બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગતની પૂર્વ પ્રસુતિ સેવા, સીઝેરીયન, કુટુંબ નિયોજનના ઓપરેશન,નવજાત શિશુની સારવાર જેવી સેવાઓ પણ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ગુણવત્તાસભર રીતે પૂરી પાડવામાં આવી રહી છે.પદ્મકુંવરબા હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરનાં માપદંડના શ્રેષ્ઠ સ્કોર અને સર્ટીફીકેટ મળ્યું છે. તેમજ માતૃત્વ અને બાળ કલ્યાણ કામગીરી અંગે ખ્યાતિપ્રાપ્ત ’સ્કોચ’ એવોર્ડ પણ મળ્યો છે. આમ, રાજ્ય સરકાર દ્વારા રાજકોટવાસીઓને પદ્મકુંવરબા હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે પદ્મકુંવરબા હોસ્પિટલ વર્ષોથી સરાહનીય કામગીરી કરતું રહ્યું છે.

હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ દર્દીઓને સારવાર સાથે લાગણીસભર વ્યવહાર પણ મળી રહેતો હોય છે. સગર્ભાઓ માટે પદ્મકુંવરબા હોસ્પિટલ શ્રેષ્ઠ કામગીરી કરતું રહ્યું છે. અહિંયા માસિક સરેરાશ 389 પ્રસુતિ કરવામાં આવી રહી છે. એક તરફ મોંઘીઘાટ ખાનગી હોસ્પિટલોમાં સગર્ભાની પ્રસુતિ માટે સીઝેરીયન કરાવવામાં આવતું હોય છે. પરંતુ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે દાખલ થતી સગર્ભાઓને લાગણીસભર સારવાર સાથે બને ત્યાં સુધી નોર્મલ ડિલેવરી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. ગયા વર્ષે પદ્મકુંવરબા હોસ્પિટલના સ્ટાફ દ્વારા 4,662 પ્રસુતિ કરવામાં આવી છે. જે હોસ્પિટલના સ્ટાફ અને તબીબો પર લોકોનું વિશ્ર્વાસ છે તેવું દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.