Abtak Media Google News

સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થઇ ચૂક્યું છે. સત્રની કાર્યવાહી દરમિયાન કુલ 18 બીલો પસાર કરવામાં આવ્યા છે જેમાં ફોજદારી સંહિતા સહિતના 6 મહત્વપૂર્ણ બીલોનો સમાવેશ થાય છે. સંસદના શિયાળુ સત્રની પ્રોડક્ટિવિટી 74% નોંધાઈ છે. જયારે સત્ર દરમિયાન કુલ 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Advertisement

146 સાંસદો સત્ર દરમિયાન સસ્પેન્ડ: ગૃહની પ્રોડક્ટિવિટી 74%

સુરક્ષાના મોટા ભંગ અને વિક્રમી સંખ્યામાં સાંસદ સસ્પેન્શનને કારણે શિયાળુ સત્રમાં ભારે હંગામો થયો હતો. છ મોટા બિલને સંસદની મંજૂરી મળ્યા પછી બંને ગૃહોને નિર્ધારિત સમયના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે સ્થગિત કરવામાં આવ્યા હતા.

જ્યારે રાજ્યસભાએ ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારો કરવા માટેના ત્રણ બિલને મંજૂરી આપી હતી. ત્યારે લોકસભાએ મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરોની નિમણૂક પરના બિલને મંજૂરી આપી હતી. લોકસભાએ પણ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં સરકારને ટેલિકોમ સેવાઓ અસ્થાયી રૂપે હાથમાં લેવાની મંજૂરી આપતું બિલ પસાર કર્યું હતું. એકંદરે લોકસભાએ 18 બિલ પાસ કર્યા અને 74% ઉત્પાદકતા નોંધાવી છે.

શિયાળુ સત્રના નિર્ધારિત અંતના એક દિવસ પહેલા સંસદના બંને ગૃહોને ગુરુવારે સ્થગિત કરવામાં આવે તે પહેલાં વધુ ત્રણ લોકસભા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સત્ર દરમિયાન વિરોધ પક્ષોના 146 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સત્રમાં ’કેશ ફોર ક્વેરી’ કેસમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની હકાલપટ્ટી પણ જોવા મળી હતી.

સસ્પેન્ડ કરાયેલા સભ્યોની કુલ સંખ્યા 146 થઈ ગઈ, જેમાં લોકસભાના 100નો સમાવેશ થાય છે. સાંસદમાં વિરોધ પક્ષોએ સુરક્ષા ભંગ સામે તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને આ મુદ્દે ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગણી કરી હતી જે મામલે હોબાળો સતત ચાલુ રહેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ગુરુવારે કોંગ્રેસના ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગૃહમાં વિરોધ કરવા બદલ ડીકે સુરેશ, દીપક બૈજ અને નકુલ નાથને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહીની સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ – સંસ્થાનવાદી યુગના ફોજદારી કાયદાઓને બદલવાની માંગ કરતા ત્રણ બિલ પસાર કર્યા પછી રાજ્યસભા સ્થગિત કરવામાં આવી હતી.

નવું બિલ અખબારની નોંધણી સરળ બનાવી દેશે

સંસદે ગુરુવારે અખબારી જગતને સંચાલિત કરતા બ્રિટિશ યુગના કાયદાને બદલવા અને સામયિકોની નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવા માટેનું બિલ પસાર કર્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પીરિયડિકલ બિલ, 2023 જે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું, તે સામયિકોની નોંધણીને એક-પગલાની પ્રક્રિયા બનાવશે, કારણ કે અગાઉના કાયદામાં આ આઠ-પગલાની પ્રક્રિયા હતી. આ બિલ સરળ અને સ્માર્ટ પ્રક્રિયા છે. અગાઉ અખબારો અથવા સામયિકોને આઠ-પગલાની નોંધણી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું.

હવે આ એક બટનના ક્લિક પર થઈ શકે છે, તેવું તેમણે કહ્યું હતું. ઠાકુરે ઉમેર્યું હતું કે, ખરડો ખરેખર “ભારતીય” છે અને મીડિયા ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરે છે. નવું બિલ કોઈપણ ભૌતિક ઈન્ટરફેસની જરૂરિયાત વિના ઓનલાઈન સિસ્ટમ દ્વારા સામયિકોના શીર્ષકની ફાળવણી અને નોંધણીની પ્રક્રિયાને સરળ અને એકસાથે બનાવે છે. આ બિલમાં સૌથી અગત્યનું એ છે કે, પ્રકાશકોએ હવે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સ્થાનિક સત્તાવાળાઓ પાસે કોઈ પણ પૂર્વ ખુલાસા ફાઇલ કરવાની અને આવી ઘોષણાઓને પ્રમાણિત કરાવવાની જરૂર રહેશે નહીં. વધુમાં પ્રિન્ટીંગ પ્રેસને પણ આવી કોઈપણ ઘોષણા રજૂ કરવાની જરૂર રહેશે નહીં. હવે અખબારનું લાયસન્સ 60 દિવસમાં મળી જશે તેવું ઠાકુરે જણાવ્યું હતું.

ડમી સીમકાર્ડ બદલ 3 વર્ષની સજા અને રૂ.50 લાખનો દંડ: ટેલિકોમ બિલ અને તેની 10 અસરો

લોકસભામાં ટેલિકોમ બિલ પસાર કરવામાં આવ્યું છે જેની હવે મુખ્ય 10 અસરો પડવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્વની બાબત છે કે, ડમી સીમકાર્ડ લેવા બદલ 3 વર્ષની સજા અને રૂ. 50 લાખનો દંડ ફટકારવામાં આવશે. તેં ઉપરાંત હવે સીમકાર્ડ સ્પુફિંગ કરવું શિક્ષાને પાત્ર બની ગયું છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈની સતાઓ ઘટાડી દેવામાં આવી છે. હવે નવા બિલ હેઠળ કંપની જો પોતાનું લાયસન્સ સરેન્ડર કરે તો ફી રિફંડની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. હવે પ્રમોશનલ મેસેજ મોકલવા માટે પૂર્વ મંજૂરી લેવી જરૂરી હશે. હવે સેટેલાઇટ બ્રોડબેન્ડના સ્પેક્ટ્રમ વહીવટી પ્રક્રિયાથી આપવામાં આવશે. અગાઉ ટેલિકોમ ઇન્ડસ્ટ્રી માટે પેનલ્ટીની ન્યુન્તમ રકમ 50 કરોડ હતી જે ઘટાડીને રૂ. 5 કરોડ કરી દેવામાં આવી છે. નવા બિલમાં સૌથી મહત્વની જોગવાઈઓ પૈકી એક એ પણ છે કે, સરકાર માન્ય પત્રકારોના કોઈ પણ મેસેજને અટકાવી શકાશે નહિ અને તેની ગુપ્તતા જાળવી રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.