Abtak Media Google News

એસ.જી. હાઈવે પર ૪૦ એકર જમીન ઉપર મંદિર નિર્માણ કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મીટીંગમાં રૂપિયાનો વરસાદ

રૂ.૧ હજાર કરોડના આ પ્રોજેકટ અંતર્ગત મંદિરમાં હોસ્પિટલ, હેલ્થ કેરની સુવિધા, રમત-ગમત અને સાંસ્કૃતિક સંકુલ, શિક્ષણ સંસ્થા સહિતની સુવિધાઓ

અમદાવાદના એસ.જી. હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ નજીક ૪૦ એકર વિશાળ જમીનમાં ઉમિયા માતાનું મંદિર બનાવવાની સાથે સાથે હોસ્ટેલ, રમત-ગમત સંકુલ, હેલ્થ કેર સહિતની સુવિધા વિકસાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેકટ અંતર્ગત રવિવારે મળેલી બેઠકમાં પાટીદારોએ સંકુલ નિર્માણ માટે નાણાનો ધોધ વહાવ્યો હતો અને ત્રણ જ કલાકમાં રૂપિયા ૧૫૦ કરોડનું માતબર ફંડ એકત્રિત કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ અમદાવાદમાં એસ.જી. હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ નજીક જશપુર રોડ ખાતે ૪૦ એકર વિશાળ જમીનમાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ કરવા નકકી કરાયું છે. રૂ.૧ હજાર કરોડના આ પ્રોજેકટ અંતર્ગત મંદિરમાં હોસ્પિટલ, હેલ્થ કેરની સુવિધા, રમત-ગમત અને સાંસ્કૃતિક સંકુલ, શિક્ષણ સંસ્થા અને છોકરા-છોકરીઓને રહેવા માટેની હોસ્ટેલ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ માટે રવિવારે મળેલી ખાસ બેઠકમાં રૂ.૧૫૦ કરોડનું ફંડ એકત્રિત કરવા દાતાઓએ કોલ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની પ્રથમ મળેલી બેઠકમાં મુંબઈના પટેલ પરીવાર દ્વારા રૂ.૫૧ કરોડનું દાન અપાયું હતું તો રીયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલા બે ભાઈઓએ પણ મોટી રકમનું દાન આપી મંદિર નિર્માણ માટે સહયોગ આપ્યો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની આ બેઠકમાં ફકત એક જ મિનિટમાં ૮૪ લાખનું દાન આપવાથી શરૂઆત થઈ હતી અને ત્રણ કલાકમાં ૧૫૦ કરોડનું દાન અપાયું હતું.

રવિવારે અમદાવાદખાતે મળેલી આ બેઠકના પ્રારંભે જ રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા અને ફાઉન્ડેશનના મુખ્ય પ્રબંધક આર.પી.પટેલના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં આ પ્રોજેકટ માટે કુલ ૨૫૦ જેટલા ટ્રસ્ટીઓએ ૨૫ લાખ અથવા તેથી વધુ રકમનું દાન આપવા વચન આપ્યું છે. દરમિયાન વિશ્વ ઉમિયાધામ સંકુલ આગામી ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થવાની ધારણા વચ્ચે કુળદેવી ઉમિયા માતાના સંકુલ માટે દાનનો ધોધ વહેતા કડવા પાટીદાર સમાજમાં હરખની હેલી જોવા મળી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.