પાવાગઢ અને વડોદરા દિવ્ય અને ભવ્ય સ્મારકોનો વારસો ધરાવે છે

પાવાગઢમાં ૧૨મી સદીનો શિલાલેખ શોધાયો

ભાઉ તાંબેકરની હવેલી મુલાકાત લેતા પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલ

ભારત સરકારના પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલે ે ધર્મ અને ઇતિહાસ તીર્થ પાવાગઢની અને વડોદરાની મધ્યમાં,રાવપુરા વિસ્તારમાં આવેલી અને ખૂબ કલાત્મક અને બેનમૂન ભીંતચિત્રો અને નકશીકામ ધરાવતી ભાઉ તાંબેકરની હવેલીની મુલાકાત,સાંસદ મતી રંજનબહેન ભટ્ટ સાથે લીધી હતી તથા આ સ્મારકો ના ભવ્ય ઇતિહાસ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેમની જાળવણી ના પ્રયાસોની જાણકારી મેળવી હતી. તેમણે પાવાગઢની ટોચ પર બિરાજતા જગત જનની માં મહાકાળીના પ્રથમવાર દર્શનની મળેલી તક માટે અહોભાવની લાગણી વ્યક્ત કરી હતી.

હું મારા પ્રવાસ દરમિયાન ઇતિહાસની ઝાંખી કરાવતા સ્મારકોની મુલાકાત અવશ્ય લઉં છું એવી લાગણી વ્યક્ત કરતાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી એ જણાવ્યું કે પાવાગઢ અને વડોદરા દિવ્ય અને ભવ્ય સ્મારકોનો વારસો ધરાવે છે.સ્મારકોની દ્રષ્ટિએ આ બંને ખૂબ મહત્વપૂર્ણ સ્થળો છે અને અહીંના ૬૦ થી ૭૦ ટકા સ્મારકો એ.એસ.આઇ.ના સંરક્ષણ હેઠળ છે અને તેમની સારી રીતે જાળવણી કરવામાં આવી રહી છે.

તેમણે પાવાગઢમાં પૃથ્વીરાજ ચૌહાણની વંશાવળી સાથે સંબંધિત ૧૨ મી સદીનો શિલાલેખ શોધી કાઢવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, વડોદરા વર્તુળને અભિનંદન આપવાની સાથે,અહી વધુ ઉત્ખનન અને વિકાસના સંકેત આપ્યાં હતાં.

તેમણે ભાઉ તામ્બેકર ની હવેલીના ભીંતચિત્રો ને વડોદરાની આગવી અને સમૃદ્ધ ધરોહર ગણાવતા ,તેની જાળવણીમાં વડોદરા મહાનગર પાલિકા સહભાગી બને એવી અપેક્ષા વ્યક્ત કરવાની સાથે સાંસદ  સાથે પરામર્શ કર્યો હતો.સાંસદ  એ જણાવ્યું કે આ હવેલી ચિત્રકારી ના માધ્યમ થી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાના દર્શન કરાવે છે અને ગાયકવાડી શાસન નો અમૂલ્ય વારસો છે.

એ.એસ.આઇ., વડોદરાના  રાજેશ જૌહરીએ જણાવ્યું કે આ હવેલીના પહેલા અને બીજા મજલે ચિત્રકલાની ભવ્ય ધરોહર જોઈ શકાય છે જે ૧૭ મી સદી પછીની છે.પહેલા માળે કલાત્મક ભીંતચિત્રો છે જેમાં રાસ લીલા,મરાઠા કાલીન યુદ્ધો, સુદામાનો અને ગજરાજ મોક્ષના પ્રસંગો અતિ સુંદર રીતે આલેખીત છે.

બીજા માળની વિશેષતા ગોલ્ડ પ્લેટેડ ચિત્રકારી છે.અહીંના લાકડાના દરવાજાઓ પર ખૂબ સુંદર નક્શીકામ માં પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે.આ ચિત્ર અને કલા વારસો એ.એસ. આઇ.ના સંરક્ષણ હેઠળ છે.

મંત્રીએ પાવાગઢ ખાતે સ્મારકો નિહાળવાની સાથે વૃક્ષારોપણ કર્યું હતું.આ સમગ્ર મુલાકાત દરમિયાન વડોદરા વર્તુળના અધિક્ષક પુરાતત્વીદ  હરિઓમ શરણ,અર્ચના કૌલ, રાજેશ જૌહરી તેમની સાથે રહ્યા હતા.