Abtak Media Google News

દેશમાં નીકળતા કુલ પ્લાસ્ટિકના કચરામાંથી છઠ્ઠા ભાગનો કચરો દિલ્હી, ચેન્નાઈ, કોલકતા, મુંબઈ જેવા ૬૦ મહાનગરોમાંથી નીકળે છે

ભારતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સતત વધતો જાય છે. પરંતુ લોકજાગૃતિના અભાવે આ મોટાભાગનું પ્લાસ્ટિક કચરામાં જાય છે. પ્લાસ્ટિકનો નાશ થતો ન હોય આવા કચરાના કારણે પાણી, હવા સહિતના કુદરતી તત્વોમાં પ્રદુષણ ફેલાય છે. પ્લાસ્ટિક સરળતાથી સળગતુ હોય તેના કચરામાં સમયાંતરે આગ લાગવાના બનાવો બને છે. દેશમાં દરરોજ નીકળતા પ્લાસ્ટિકના કચરામાંથી ૪૦ ટકા કચરાનો નિકાલ જ થતો ન હોય ભારત પ્લાસ્ટિક કચરાના બોમ્બ પર બેઠુ હોવા જેવો ઘાટ ઘડાયો છે.

કેન્દ્રીય પ્રદુષણ નિવારણ બોર્ડ (સીપીસીબી) દ્વારા હાથ ધરાયેલા એક સર્વેમાં જણાવાયું છે કે ભારતમાં દરરોજ ૨૫૯૪૦ ટન પ્લાસ્ટિક કચરો નીકળે છે. જેમાંથી ૪૦ ટકા પ્લાસ્ટિક કચરાતો નદીઓ, ગટરોમાં ફસાઈ જવાના કારણે નિકાલ થઈ શકતો નથી. આવા ફસાયેલા પ્લાસ્ટિક કચરાના કારણે ડ્રેનેજ સિસ્ટમ ખોરવાઈ જવાની સાથે પાણી અને હવામાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. જેનાથી માનવ આરોગ્ય પર ખતરો ઉભો થવા પામ્યો છે. જે પ્લાસ્ટિક રીસાયકેબલ કે બાયોગ્રેડેબલ નથી તેના કારણે આ સમસ્યા અતિ વિકરાળ બનવા પામી છે.

આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છેકે દેશભરનાં કુલ પ્લાસ્ટિક કચરાનો છઠ્ઠો ભાગ દિલ્હી, ચેન્નઈ, કોલકતા, મુંબઈ, બેંગલુ‚ સહિતના ૬૦ શહેરો-દ્વારા પેદા થાય છે. આ શહેરોમાંથી નીકળતા કચરામાંથી ૫૦ ટકા કચરો પ્લાસ્ટિકનો હોય છે. દિલ્હીમાં દરરોજ ૬૮૯ ટન, ચેન્નઈમાં ૪૨૯ ટન, કોલકતામાં ૪૨૫ ટન, મુંબઈમાં ૪૦૮ ટન, બેંગ્લુ‚માં ૩૧૩ ટન, અમદાવાદમાં ૨૪૧ ટન, હૈદરાબાદમાં ૧૯૯ ટન, સુરતમાં ૧૪૯ ટન, કાનપૂરમાં ૧૦૬ ટન, પુનામાં ૧૦૧ ટન પ્લાસ્ટિકનો કચરો દરરોજ નીકળે છે. દેશભરનાં દરરોજ નીકળતા કુલ પ્લાસ્ટિકના કચરામાંથી ૪૦ ટકા એટલે કે ૧૦,૩૭૬ ટન કચરાનો યોગ્ય નિકાલ થતો નથી.

દેશમાં સતત વધતા જતા પ્લાસ્ટિકના કચરાના જોખમને ધ્યાનમાં રાખીને ભારતે વર્ષ ૨૦૨૨ સુધીમાં એક જ વખત વાપરી શકાતા પ્લાસ્ટિકનો ઉપયોગ પર સાવ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પર્યાવરણ સચિવ સી.કે. મિશ્રાએ જણાવ્યું હતુ કે, પરમદિવસે આ અંગે દરેક રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે.અને આ સમસ્યાને પહોચી વળવા પ્રતિબંધાત્મક પગલા લેવા તાકીદ કરીને વર્ષ ૨૦૨૨ સુધીમાં એક જ વખત વાપરી શકાતા પ્લાસ્ટિક વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જણાવાયું છે.

જાણીતી એનજીઓ સંસ્થા ટોકસિક વોચએલાયન્સના ગોપાલ કૃષ્ણએ આ અંગે જણાવાયું હતુ કે સરકારનું આ યોગ્ય દિશામાં પગલુ છે. પરંતુ એક વખત વાપરી શકાતા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા, માટે આ પગલુ પૂરતુ નથી. આ ઝુંબેશ માટે એક વખત વાપરી શકાતા પ્લાસ્ટિક સુધી સીમિત રાખવાના બદલેક તમામ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે.સરકારે પ્લાસ્ટિક કચરાની આયાત પર તાત્કાલીક પ્રતિબંધ મૂકવો જોઈએ ચીન અને મલેશિયાએ આવો પ્રતિબંધ મૂકયો છે. તો ભારત શા માટે આવો પ્રતિબંધ નથી મૂકતુ? પ્લાસ્ટિકનો કચરો લાંબા સમય સુધી નાશ થતો ન હોય તે જોખમી સાબિત થઈ શકે તેમ છે.

વર્ષ ૨૦૧૫માં ભારતે પીઈટી બોટલ સહિતના પ્લાસ્ટિક કચરાની આયાત પર પ્રતિબંધ મૂકયો હતો. પરંતુ વિદેશી અને ઘરેલું પ્લાસ્ટિક કચરાના વેપારીઓને સેઝમાં આયાત કરવા માટે વષૅ ૨૦૧૬માં મંજૂરી આપવામાંવી હતી. કેન્દ્રીય પ્રદુષણ નિવારણ બોર્ડના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશના કુલ એમએસડબલ્યુમાંથી પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન ૬.૯૨ ટકા છે. તે ૩.૧ ટકા ચંદીગઢથી ૧૨.૪ ટકા સુરતમાંથી બદલાય છે. પ્લાસ્ટિક કચરો દિલ્હીમાં કુલ એમએસ ડબલ્યુંના ૧૦ ટકાથી વધુ ચેન્નઈમાં ૯ ટકાથી વધુ અને મુંબઈમાં ૬ ટકાથી વધુ છે.

આ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે કુલ પ્લાસ્ટિકના કચરાના ૯૪ ટકા ભાગમાં ‘થર્મોપ્લાસ્ટિક’ સામગ્રી સામેલ છે. પીઈટી અને પીવીસી જેવા ફરીથી ઉપયોગમાં લેવાય છે. બાકીના ૬ ટકા ‘થર્મોફોટ’ અને પ્લાસ્ટિકની અન્ય કેટેગરી સાથે સંકળાયેલા છે. જેનું રીસાયકલીંગ થઈ શકતુ નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.