Abtak Media Google News
  • 135 લોકોના જીવ લેનારી ગોઝારી દુર્ઘટનાને આજે પાંચ દિવસ થયા, છતાં હતભાગી પરિવારોને સંતોષ મળે તેવી કોઈ કાર્યવાહી નહિ
  • ઓરેવા કંપની, કલેક્ટર તંત્ર અને પાલિકા તંત્ર આ ત્રણ સામે પહેલા કાર્યવાહી જરૂરી, માછલાં ભલે પકડ્યા પણ મગરમચ્છોને ખુલ્લા કેમ મુક્યા?
  • જો રીનોવેશનનો કોન્ટ્રાક્ટ લેનાર આરોપી હોય તો, તેનું કામ બરાબર છે કે નહીં તે ચેક કરવાની ઓથોરિટી ધરાવતું પાલિકા તંત્ર અને કલેક્ટર તંત્ર આરોપી ન ગણાય?

મોરબીની ગોઝારી દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. જો કે આ મુલાકાતમાં વડાપ્રધાને હતભાગી પરિવારોના આંસુ લૂછયા છે પણ હજુ તેઓના ઘા રૂઝાયા નથી. સરકાર તરફથી સંતોષકારક કોઈ પગલાં લેવાયા નથી.

મોરબીમાં ગત રવિવારના રોજ ઝૂલતો પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટનામાં 135  લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. દુર્ઘટના બાદ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન ઇજાગ્રસ્તોને તેમજ હતભાગી પરિવારોને મળ્યા હતા. તેઓને સાંત્વના પાઠવી હતી.

જો કે બીજી તરફ 135 લોકોના જીવ લેનારી ગોઝારી દુર્ઘટનાને આજે 5 દિવસ થયા, છતાં હતભાગી પરિવારોને સંતોષ મળે તેવી કોઈ કાર્યવાહી થઈ નથી. ઓરેવા કંપની, કલેક્ટર તંત્ર અને પાલિકા તંત્ર આ ત્રણ સામે પહેલા કાર્યવાહી જરૂરી, માછલાં ભલે પકડ્યા પણ મગરમચ્છોને ખુલ્લા કેમ મુક્યા ? તેવા સો મણના પ્રશ્ન હાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે. જો રીનોવેશનનો કોન્ટ્રાક્ટ લેનાર આરોપી હોય તો, તેનું કામ બરાબર છે કે નહીં તે ચેક કરવાની ઓથોરિટી ધરાવતું પાલિકા તંત્ર અને કલેક્ટર તંત્ર આરોપી ન ગણાય? તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

એક તરફ ચૂંટણી માથે છે બીજી તરફ હજુ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી. એટલે નિષ્ણાંતોના મતે સરકારને ડેમેજ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

  • વધાપ્રધાનને ઝુલતા પુલના સ્થળનું કર્યું નિરીક્ષણ 

Modi12

મોરબીની મુલાકાતમાં પહેલા વડાપ્રધાને દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને  પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી. વડાપ્રધાને આ હોનારત જ્યાં બની હતી તે પુલની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત લઈ નેવી, આર્મી, એરફોર્સ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર વિભાગ દ્વારા થઈ રહેલી રાહત-બચાવ અને શોધખોળની કામગીરીનું નિરિક્ષણ દરબારગઢ મહેલમાંથી કર્યું હતું તેમજ આ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી હતી.

  • સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાને ઘાયલોના ખબર અંતર પૂછયા

Modi 34

અબતક, ઋષી મહેતા, મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિવિલમાં ઇજાગ્રસ્ત પાંચ યુવકો તેમજ એક યુવતીના હાલચાલ પૂછ્યા હતા અને તેમની સારવાર વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.  મહેશ દિનેશભાઈ ચાવડા (ઉ.18), અશ્વિન અરજણભાઈ હડિયલ (ઉ.36), રવિ કિશોરભાઈ પાટડિયા (ઉ.30), સિદ્દીક મોહમ્મદ મોવાર (ઉ.27), નઈમ નૌશાદ શેખ (ઉ.18) તથા સવિતા અનિલભાઈ બારોટ (ઉ.23) – આ તમામ દર્દીઓની હાલત સામાન્ય છે આ દર્દીઓ સાથે વડાપ્રધાને વાતચીત કરી વિગતો જાણી હતી.

  • રાજયવ્યાપી શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ: ગામે ગામ પ્રાર્થના સભા
  • મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુ:ખદ ઘટનામાં મોતને ભેટેલા હતભાગીઓને શ્રઘ્ધાંજલી અર્પતુ ગુજરાત

Dsc 8988 1

મોરબીમાં ઐતિહાસિક ઝુલતો પુલ ધરાશાયી થવાની દુ:ખદ ઘટનામાં 13પ વ્યકિતઓએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાથી સમગ્ર ગુજરાતથી નહી પરંતુ દેશને હચમચાવી દીધો છે. આજે શોક મગ્ન ગુજરાત રાજયવ્યાપી શોક પાળી રહ્યું છે. મૃતાત્માઓને ચીર શાંતિ મળે તે માટે ગામે ગામ પ્રાર્થનાસભા અને શ્રઘ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં ગત રવિવારે ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 13પ નિર્દોષ નાગરીકોના મોત નિપજયા હતા. આ દુ:ખદ ઘટનાથી સમગ્ર રાજયમાં હજી શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજય સરકાર દ્વારા આજે રાજય વ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે રાષ્ટ્રઘ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. રાજકીય કાર્યક્રમો, મેળાવડા, સરકારી કાર્યક્રમો, મનોરંજક કાર્યક્રમો પર મનાઇ ફરમાવી દેવામાં આવી છે. દરમિયાન આજે ગામે ગામે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ભાજપ દ્વારા તમામ 18 વોર્ડમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં પણ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

  • ઝુલતા પુલનું રીનોવેશન કરનાર અનક્વોલિફાઇડ નીકળ્યો, કેબલ અને મેઈન ફ્રેમ કટાઈ ગયા’તા
  • રીનોવેશનમાં મુખ્ય કેબલ નહિ, ફ્લોરીંગ જ બદલાયું હતું: અનક્વોલિફાઇડ કોન્ટ્રાક્ટરને જ અગાઉ 2007માં પણ કામ અપાયું હતું
  • ઓરેવાના મેનેજરે માથે ઓઢી લીધું, પુલના મેનેજમેન્ટ અને રીનોવેશનની જવાબદારી કંપનીએ તેને સોંપી હોવાનું ચિત્ર ઉપસાવ્યું

મોરબીની ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં પ્રાથમિક તપાસમાં મોટો ધડાકો થયો છે. જેમાં રીનોવેશન કરનાર કોન્ટ્રાક્ટ અનક્વોલિફાઇડ નીકળ્યો છે અને રીનોવેશનમાં કેબલ જૂનો જ રખાયો હોવાનું અને માત્ર ફ્લોરીંગ જ બદલ્યું હોવાનું જાણવા મળ્યું છે.  આ સાથે કેબલ અને મેઈન ફ્રેમ કટાઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. મોરબી કોર્ટમાં આજે પોલીસ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે કોર્ટ ખાતે સરકારી વકીલ હરસેન્દુ પંચાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાર મુખ્ય આરોપીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. 8 મુદાઓ હતા જેને આધારે રિમાન્ડ મંગાયા હતા. જેમાંથી અમૂક મુદાઓ અત્યંત મહત્વના હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઓરેવા કંપનીના મેનેજરને પુલના રીનોવેશન અને મેનેજમેન્ટની જવાબદારી સોપાવામાં આવી હતી. મેનેજરે પુલના રીનોવેશન માટે ફેબ્રિકેશન કામ જે બે લોકોને સોપ્યું હતું તે અનક્વોલીફાઈડ હોવાનું તપાસમાં ખુલ્યું છે.

જેની આ મામલે અન્ય કોણ કોણ જવાબદાર છે તે જાણવા રિમાન્ડ મંગાયા છે. તેઓએ ઉમેર્યું કે તપાસ દરમીયાન બેદરકારીમાં કોણ કોણ સામેલ છે ? કોના કહેવાથી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા તે દિશામાં તપાસ ચાલી રહી છે. વધુમાં અગાઉ વર્ષ 2007માં પણ આ જ બે અનક્વોલિફાઇડ લોકોને રીનોવેશનના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સરકારી વકીલે કહ્યું કે એફએસએલ દ્વારા તેનો રીપોર્ટ બંધ કવરમાં કોર્ટને સોપ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ કોર્ટમાં ક્યાંય ઓરેવા કંપનીમાં માલિક જયસુખ પટેલ અંગે ચર્ચા થઈ નથી.  તેમજ રીનોવેશન કામગીરીમાં પુલના મુખ્ય કેબલ બદલવામાં ના હોવાનું અને માત્ર પુલનું ફલોરિંગ જ બદલવામાં આવ્યું હોવાનું પણ ડીવાયએસપીની તપાસમાં સામે આવ્યાનું સરકારી વકીલે જણાવ્યું હતું.

  • આબરૂ બચાવવા સિવિલમાં હવે મીડિયાને નો-એન્ટ્રી!!!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે આ ગોઝારી દુર્ઘટના થી તંત્ર જરા પણ શોકમાં ન હોય તેમ સિવિલ હોસ્પિટલમાં રંગ રોગાન અને રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. સિવિલને સુવિધાયુક્ત બતાવવા રાતોરાત બેડ, ગાદલા, ઓછાળ વોટર કુલર નવા મુકવામાં આવ્યા હતા. જેના વીડિયો મીડિયા અને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા તંત્રની આબરૂના લીરા ઉડયા હતા. હવે વધુ આબરૂ ન જાય તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા સિવિલ બહાર પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. અને કોઈ મીડિયાને અંદર જવા દેવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હોવાની સુત્રોમાંથી વિગતો જાણવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.