કર્ણાટકમાં 10મી મેએ મતદાન: 13મી મેએ પરિણામ

224 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે:  9.17 લાખ મતદાર પોતાનો મતાધિકારનો પ્રથમ વખત ઉપયોગ કરશે

ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભાની તારીખો જાહેર કરી દીધી છે. કર્ણાટકમાં એક જ તબક્કામાં મતદાન થશે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે.રાજ્યની 224 વિધાનસભા બેઠકોના પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં 24મી મે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી છે. જો કે કોઈ પક્ષને બહુમતી મળી નથી.

કર્ણાટકમાં 2018માં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. કોંગ્રેસ અને જેડીએસ મળીને સરકાર બનાવી છે. જેડીએસ નેતા કુમારસ્વામી ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ લગભગ 14 મહિના પછી કોંગ્રેસના ઘણા ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા જેના કારણે કુમારસ્વામી સરકાર પડી ગઈ હતી. આ પછી ભાજપે બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. જોકે યેદિયુરપ્પાએ બે વર્ષ બાદ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી બસવરાજ બોમાઈ રાજ્યના સીએમ બન્યા હતા.

કર્ણાટકમાં છેલ્લા 5 વર્ષમાં ઘણી રાજકીય ઉથલપાથલ થઈ છે. 5 વર્ષમાં ત્રણ વખત રાજ્યમાં સીએમ બદલાયા, 23 મે, 2018ના રોજ સીએમ તરીકે શપથ લેનારા સૌપ્રથમ કુમારસ્વામી હતા. તેઓ 23 જુલાઈ 2019 સુધી મુખ્યમંત્રી રહ્યા. આ પછી યેદિયુરપ્પા 26 જુલાઈ 2019 થી 28 જુલાઈ 2021 સુધી મુખ્યમંત્રી રહ્યા. યેદિયુરપ્પાના રાજીનામા પછી, બસવરાજ 28 જુલાઈ 2021ના રોજ મુખ્યમંત્રી બન્યા. તેઓ રાજ્યના હાલના સીએમ છે.કર્ણાટક રાજ્યમાં કુલ 5,21,73,579 મતદારો છે. આ મતદારોમાં 100 વર્ષથી વધુ ઉંમરના 16 હજારથી વધુ મતદારો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે કર્ણાટકમાં 9.17 લાખ નવા મતદારો છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરેથી મતદાન કરી શકશે. આ ઉપરાંત 1 એપ્રિલે 18 વર્ષની ઉંમરના લોકો પણ મતદાન કરી શકશે. 100 બુથ પર દિવ્યાંગ કર્મચારીઓ તૈનાત રહેશે.