Abtak Media Google News
  • માણસની એકલતા અને તણાવનો શું એક જ છે રસ્તો?… ઈશ્વરની આપેલી અમૂલ્ય જિંદગીનો આવો નથી અંત સસ્તો….
  • રાજકોટ, ગોંડલ, મોરબી, અમરેલી, જામનગર, પોરબંદરમાં સાવ સામાન્ય બાબતમાં જિંદગી ટૂંકાવી લીધાના બનાવો

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ કારણોસર કુલ 10 જેટલાં લોકોએ આપઘાત કરી લીધાના અહેવાલ સામે આવ્યા છે. આ બનાવો રાજકોટ શહેર, ગોંડલ, અમરેલી, પોરબંદર, મોરબી, જામનગરમાં બન્યા છે. સાવ સામાન્ય બાબતોમાં જયારે લોકો મોત વ્હાલું કરી રહ્યા છે ત્યારે પંક્તિ “માણસની એકલતા અને તણાવનો શું એક જ છે રસ્તો?… ઈશ્વરની આપેલી અમૂલ્ય જિંદગીનો આવો નથી અંત સસ્તો….” યાદ રાખવાની તાતી જરૂરિયાત છે.

Advertisement

મેટોડામાં બાપા સિતારામ ભજીયાથી જાણીતી બનેલી પેઢીના માલિક કૃણાલ સુરેશભાઈ વિષ્ણુસ્વામી નામના બાવાજી યુવાને ન્યારી ડેમ પાસે ઝેરી દવા પી લેતા મોત નીપજયું છે. મળતી માહિતી મુજબ કૃણાલે રાજકોટના બે વ્યાજના ધંધાર્થી પાસેથી વ્યાજે લીધેલી રકમની પઠાણી ઉઘરાણી કરતા ઝેરી દવા પી આપઘાત કર્યાર્ના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બાવાજી પરિવારના આધારસ્તંભ વ્યાજખોરના ત્રાસથી કરેલા આપઘાતના કારણે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ નિકાવાના વતની અને વર્ષોથી મેટોડા ખાતે સ્થાયી થઇ બાપા સિતારામ ભજીયાનો વ્યવસાય કરતા કૃણાલ સુરેશભાઇ નામના બાવાજી યુવાને ન્યારી ડેમ પાસે જઈ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કૃણાલએ રાજકોટના બે વ્યાજના ધંધાર્થી પાસેથી થોડા સમય પૂર્વે મોટી રકમ લીધી હોવાનું અને બંને વ્યાજના ધંધાર્થી વ્યાજ વસુલ કરવા પઠાણી ઉઘરાણી કરતા હોવાથી કૃણાલ ગુમસુમ રહેતો હોવાનું તેના મામા વલ્લભભાઇએ જણાવ્યું હતું. મેટોડામાં આસ્થા સોસાસટીના ગેઇટ પાસે બાપા સિતારામ ભજીયાના નામે જાણીતા કૃણાલના પિતા સુરેશભાઈનું પાંચેક વર્ષ પહેલાં અવસાન થયા બાદ પરિવારમાં માતા અને નાના ભાઈ કૌશિકની સાથે ભજીયાનો વ્યવસાય કરતો હતો. તેને રાજકોટમાં વ્યાજના ક્યાં ધંધાર્થી પાસેથી કેટલી રકમ વ્યાજે લીધી હતી તે અંગેની વિગતો મેળવવા તાલુકા પોલીસ સ્ટાફે તપાસ હાથધરી છે.

રાજકોટ શહેરના અન્ય એક બનાવની જો વાત કરવામાં આવે તો જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતાં ભાનુબેન રાજુભાઈ મહેતાં (ઉ.વ.૫૦)એ ગઈ તા.૨૮નાં ઘરે ઝેરી દવા પી લેતા સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. હાલ ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાગળો કરી બનાવ પાછળનું કારણ જાણવા વધુ તપાસ જારી રાખી છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

વતન જવાની ના પાડતા ગોંડલમાં સગર્ભાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : આર્થિક ભીંસમાં યુવાનનો આપઘાત

અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
ગોંડલ તાલુકાનાં કંટોલીયા ગામની રાવળીધાર દુધીયા વોંકળા પાસે પરીવાર સાથે રહી ખેતમજુરી કરતી આદીવાસી પરિણીતા ધન્નાબેન પર્વત દિનેશ બારીયાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા તેના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ મૃતક ધન્નાબેન મુળ દાહોદનાં ધાનાપુરનાં ખજુરીનાં અને હાલ કંટોલીયા રહી ખેતમજુરી કરી પતિ સહિતનાં પરિવાર સાથે રહેતી હતી. તેના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા અને હાલ પેટમાં આઠ માસનો ગર્ભ હતો.

ધન્નાબેનને વતન જવું હતું પણ તેના પતિએ હાલ વતન જવાની ના પાડતા ધન્નાબેને ગળાફાંસો ખાઈ લીધાનું પોલીસે જણાવ્યું હતું. અન્ય બનાવમાં આઈ.ટી.આઈ. પાસે આવેલી સાટોડીયા સોસાયટીમાં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે ઓનેસ્ટ મોબાઈલ નામની પાર્ટનરમાં દુકાન ધરાવતા પરિણીત યુવક કિશન મનસુખભાઈ વેકરિયા( ઉ.વ.૨૮)એ ગત સવારના પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી હતી. ત્યાર બાદ કિશનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગત રાત્રીના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કિશનના મૃતદેહને પી.એમ. અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને ગોડલ શહેર બી. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કિશનના ૨ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેના પિતા કારખાનામાં નોકરી કરે છે. એકના એક પુત્રનું મોત થતા પરિવાર શોક મગ્ન થયો છે.

અમરેલીમાં પતિ-પત્નીના સંબંધો ખાટા થતાં મહિલા સહીત બેનો આપઘાત

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામે રહેતા હીતેષભાઈ મનહરભાઈ વોરા(ઉ. વ ૫૫)ને પત્ની આશાબેનને કોઈ પણ બીજા પુરૂષ સાથે અનૈતિક સંબંધ હોવાની આશંકા હતી. જે બાબતે તેને અવાર-નવાર વિચારો આવતા હતા. તેમજ મનમા લાગી આવતાં ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બીજી ઘટના સાવરકુંડલાના થોરડી ગામે રહેતી પરપ્રાંતીય ભીકલીબેન સીરદાર મહેડા (ઉ. વ ૩૧) જે નનુભાઈ બરવાળીયાની વાડીએ રહી ખેત મજુરી કરતી હતી .તેને પતી સાથે અઠવાડિયા પહેલા મજુરી કામ કરવા બાબતે બોલાચાલી થઈ હતી. એ પછી આ બાબતનું મનદુ:ખ રાખી લીમંડાના ઝાડ સાથે ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બન્ને ઘટનાની જાણ પોલીસમા થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જામનગરમાં બેરોજગારીથી કંટાળી યુવાનનો આપઘાત

જામનગરના નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટીમાં રહેતો કેતન ઈશ્વરભાઈ મકવાણા નામનો ૨૪ વર્ષનો યુવાન કે જેને છેલ્લા કેટલાક સમયથી સરખું કામ મળતું ન હોવાથી તેની સતત ચિંતામાં રહેતો હતો અને પોતાની બેકારીના કારણે તેણે ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમા ચાદર બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

બહેનના લગ્ન માટે લીધેલા પૈસા ભરપાઈ કરવાના બાકી હોય પરિજનોએ વતન પરત ફરવાની ના પાડતા મોરબીના નીચી માંડલ ગામે યુવાને મોત વ્હાલું કરી લીઘું

મૂળ એમપીના વતની અને હાલ નીચી માંડલ નજીક રહીને મજુરી કરતા પ્રદીપ શિવપ્રસાદ ગડારી (ઉ.વ.૨૪) નામના યુવાને પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો. બનાવ મામલે તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક ૨૦૨૩ના જુન મહિનાથી વતન ગયો ન હતો. જેથી ઘરવાળાઓ સમક્ષ ઘરે આવવા માટે વાત કરતા બહેનની શાદી કરવા લીધેલ રૂપિયા ભરપાઈ કરવાના બાકી હોય. જેથી પરિવારે ઘરે આવવાની ના પાડતા હોય અને યુવાનને લાગી આવતા આપઘાત કરી લીધાનું ખુલ્યું છે. મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે તપાસ હાથ ધરી છે

પોરબંદરના જાંબુસર ગામે ઝેરી દવા પી લેતા પરિણીતાનું સારવાર દરમ્યાન મોત

પોરબંદરના બરડા પંથકના બખરલા ગામે રહેતી એક પરપ્રાંતીય પરણીતા તેમના માતા પિતાના ઘરે પતિ અને સાસુ સાથે હોળીનો તહેવાર ઉજવવા ગઈ હતી. ત્યારે અગમ્ય કારણોસર આ પરણીતાએ જાબુસર ગામે તેમના માતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

મોરબીમાં એકલતાથી કંટાળી પ્રૌઢે જીવ ટૂંકાવ્યો

મોરબીના લાયન્સનગરમાં રહેતા પ્રૌઢે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ડ્રાઈવિંગનો ધંધો કરતા શંકરભાઇ ઉર્ફે રાજુભાઇ જેઠાભાઇ પરમાર નામના પ્રૌઢ એકલા રહેતા હોય અને એકલતાથી કંટાળી પોતાના ઘરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકોએ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આ અંગેની વધુ તપાસ પી.એસ.આઈ. સોનારા ચલાવી રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ મૃતક અપરણિત હોય અને લગ્ન માટે પાત્ર ન મળતા નાસીપાસ થઇ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.