Abtak Media Google News

દિવાળીના સપરમાં તહેવાર દરમિયાન હાઇવે પર યમદુતે પડાવ નાખ્યો હોય તેમ બગોદરા, જામજોધપુ અને દાહોદના ગરબાળા પાસે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં સાત વ્યક્તિઓએ જીવ ગુમાવતા ગોજારો ગુરુવાર બની રહ્યો હતો. બગોદરા નજીક રાયકા ચોકડી પાસે કાર અજાણ્યા વાહન સાથે અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે યુવાનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને બે યુવાન ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.,

Advertisement

બગોદરા પાસે કારને ગમખ્વાર અકસ્માત નડયો: બે યુવાનના મોત: બે ઘવાયા: જામજોધપુરના પાસે બેકાબુ આઇસરે એક સાથે ત્રણ યુવાનને કચડતા બેના મોત: દાહોદના ગરબાળા બોલેરો અને બાઇક અથડાતા એક જ પરિવારના ત્રણના મોત

જામજોધપુરના ગીંગણી રોડ પર ડીવાયડર પર બેઠેલા ત્રણ યુવાન પર પુર ઝડપે ઘસી આવેલા આઇસર નીચે કચડાતા બે યુવાને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા. જ્યારે દાહોદ નજીક આવેલા ગરબાળા પાસે બોલેરો અને બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારની ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે.

બગોદરા પાસે અકસ્માતમાં બે યુવાનના મોત

દિવાળીના પર્વ પૂર્વે માર્ગ અકસ્માતમાં સાત વ્યક્તિઓએ જીવ ગુમાવતા હસી ખુશીનો તહેવાર શોકમાં પલ્યો છે. બગોદરા નજીકના ગ્રામ્ય વિસ્તારના ચાર મિત્રો ગતરાતે કાર લઇને જમવા માટે જઇ રહ્યા હતા ત્યારે તેમની કાર સાથે અજાણ્યું વાહન અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે યુવાનના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જ્યારે બે યુવાન ઘવાતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કારને ગમખ્વાર અકસ્માત નડયાની બગોદરા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને બંને મૃતકના પોસ્ટમોર્ટ માટે મૃતદેહને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડી છે. અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો છે.

ગરબાડા નજીક બોલેરો અને બાઇકં અથડાતા દંપતી અને પુત્રનું મોત

ગરબાડા તાલુકાના છરછોડા ગામના સિમોડા ભાભોર ફળિયાના 28 વર્ષીય પવાભાઈ ભાવસિંગભાઈ પરમાર , તેમની પત્ની લીલાબેન પવાભાઈ પરમાર . ઉંમર વર્ષ 27 , બે બાળકો પૈકી નકુડો પવાભાઈ ઉંમર વર્ષ 10 તેમજ પુત્રી 12 વર્ષીય સેજલ સાથે પોતાના કબજા હેઠળની જી.જે. 20.એ.જે.7221 નંબરની બજાજ પલ્સર ગાડી પર સવાર થઈ થોડાથી જેસાવાડા તરફ જતા તા તે સમયે રસ્તામાં ધાનપુર રોડ પર સામેથી પૂર ઝડપે આવી રહેલી

જી.જે.20.વી.4560 નંબરની બોલેરો ગાડીના ચાલકે   મોટર સાયકલને જોસભેર ટક્કર મારતા સર્જાયેલા ગમખવાર માર્ગ અકસ્માતમાં પલ્સર ગાડી પર સવાર એક જ પરિવારના ચારેય સભ્યો હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતા ગંભીરી ઈજાઓ થઈ હતી.

જે પૈકી વાભાઈ ભાવસિંગભાઈ પરમાર , તેમની પત્ની લીલાબેન પવાભાઈ પરમાર . બે બાળકો પૈકી નકુડો પવાભાઈનું ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી . જ્યારે આ માર્ગ અકસ્માતમાં માતા – પિતાનું છત્ર તેમજ વ્હાલસોયા ભાઈને ગુમાવનાર કમનસીબ સેજલ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સ્થાનિકોએ 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરી હતી જ્યાં હાલ સેજલ જીવણ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે . આ બનાવ ની જાણ જેસાવાડા પોલીસને થતા જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ રામી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જામજોધપુર: ગિંગણી રોડ પર ડિવાઇડર પર બેઠેલા ત્રણ મિત્રો પર આઇસર ફરી વળતાં એક મોત: બે ઘવાયા

જીવલેણ અકસ્માત સર્જનાર આઇસર ચાલકને પોલીસે ઝડપી લીધો

જામજોધપુરમાં ગઈકાલે રાત્રિના ગોજારો અકસ્માત સર્જાયો હતો. ત્રણ જીગરજાન મિત્રો ડિવાઇડર પર બેઠા હતા, ત્યારે યમદુત બની પૂરપાટ વેગે આવી રહેલા આઈશરના ચાલકે ત્રણેય યુવાનો પર ચડાવી દીધું હતું, જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવાનનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, અન્ય બે યુવકોને ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે આઇસર ચાલકને અટકાયતમાં લઈ લીધો છે. અકસ્માતને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે શોક છવાયો છે.આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં બહુચરાજીના મંદિર પાછળ રહેતો અને સહકારી મંડળીમાં નોકરી કરતો વિમલ કાંતિભાઈ ભાલોડીયા તેમજ તેના બે મિત્રો મીત હરેશભાઈ રામોલિયા અને હર્ષિલ રોહિતભાઈ ખાંટ કે જે ત્રણેય ગઈકાલે રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં જામજોધપુરમાં ગીંગણી રોડ પર કોમર્સ કોલેજની સામેના ભાગમાં આવેલા ડિવાઇડર પર બેઠા હતા. તે દરમિયાન ગીંગણી ગામ તરફથી પુરપાટ આવી રહેલા જી.જે.-37-એક્સ 6593 નંબરના આઇસરના ચાલકે પોતાનું વાહન ડિવાઇડર પર ચડાવી દેતા ગોજારો અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ત્રણેય યુવાનો પર આઇશર ફરી વળ્યું હતું. વિમલ ભાલોડીયાને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હોવાથી તેનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેના અન્ય મિત્રો ઘાયલ થયા હોવાથી જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે દાખલ કરાયા છે.

આ બનાવની જાણ પોલીસને થવાથી જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વાય જે વાઘેલા સહિતની પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આઇસર ચાલકને ઝડપી લીધો હતો, જ્યારે ડિવાઇડર પર ચડી ગયેલું તેનું વાહન કબજે કર્યું છે. તેને ત્રણેય યુવાનોને આ ઉપરાંત વીજ પોલ ભાંગી નાખીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જે સમગ્ર મામલે મૃતક વિમલભાઈના કાકા નંદલાલભાઈ માવજીભાઈ ભાલોડીયાએ જામજોધપુર પોલીસ મથકમાં આઈસર ચાલક સામેં ફરિયાદ નોંધાવી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.