Abtak Media Google News

શપથવિધિમાં આમંત્રીત અનેક દેશોના વડાઓ, વિપક્ષી નેતાઓ સહિતના ૮૦૦૦ મહેમાનોની મહેમાનગતિ માટે રાષ્ટ્રપતિ ભવનમાં તમામ તૈયારીઓ પૂર્ણ!

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ બહુમતિ સાથે વિજય મેળવ્યો હતો. જેથી તેમની વડાપ્રધાન પદે બીજી વખત તાજપોશી આજ સાંજે યોજાનારી છે. રાષ્ટ્રપતિ ભવનમાં ગૌધુલીક સમયના પવિત્ર મનાતા સાંજે સાત વાગ્યાના શુભ મુર્હુતે યોજાનારી આ શપથવિધિમાં ઉપસ્થિત રહેવા માટે દેશ-વિદેશના આઠ હજાર જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement

શપથવિધિ પહેલા ગઈકાલ સાંજે વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે ચાર કલાકની મેરેથોન બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીમંડળના સંભવિત સાંસદોના નામ અંગે ચર્ચા થઈ હતી પરંતુ અમિતભાઈ શાહ મંત્રીમંડળમાં જોડાશે કે કેમ? અને જોડાશે તો કયું મંત્રીપદ તેમને અપાશે તે મુદે સસ્પેશન યથાવત રહેવા પામ્યું છે.

આજે સાંજે થનારી શપથવિધિ પૂર્વે ગઈકાલે આખા દિવસ મધરાત સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહે વિવિધ મુદે લાંબી મંત્રણાઓ અને વિચાર વિમર્શ કર્યા હતા. સરકારમા ભાજપ ઉપરાંત સહયોગી દળો કે જેઓ એ એનડીએને દેશના વિવિધ વિસ્તારોમાંથી જબ્બર જનાધાર અપાવ્યો છે તે તમામને સરકારમાં સામેલ કરવાની ફોર્મ્યુલા બનાવી હોવાનું જાણવા મળ્યું છે.

નવી સરકારની રચના માટે અમિત શાહ અને મોદી સતત હોમવર્કમાં વ્યસ્ત રહ્યા હતા નાણામંત્રી અ‚ણ જેટલીની નાદુરસ્ત તબીયતને કારણે તેમના નિવૃત્તિના નિર્ણય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અ‚ણ જેટલીએ ૧૪મી સંસદમાં ખૂબ સા‚ યોગદાન આપ્યું છે.

ગાંધીનગરની બેઠક પરથી ચૂંટાયેલા અને ભાજપને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમિતશાહને પણ સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે ચાર મહત્વના ખાતાઓ નાણાં,ગૃહ, સંરક્ષણ અથવા તો વિદેશ ખાતા સોપાય તેવી શકયતાઓ દેખાય રહી છે. સહયોગીઓને સરકારના સ્થાન અંગે વડાપ્રધાનનો નિર્ણય આખરી ગણાવાય રહ્યો છે.

ભાજપના વરિષ્ઠ નેતાઓ રાજનાથસિંગ, નિતિન ગડકરી, નિર્મલા સીતારામન, નરેન્દ્ર સિંગ તોમર, પ્રકાશ જાવેડકર, રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન અને કોંગ્રેસ પ્રમુખ રાંહુલ ગાંધીને અમેઠીમાંથી હરાવનાર સ્મૃતિ ઈરાનીને નરેન્દ્ર મોદીની નવી સરકારમાં જોડાવાની શકયતાઓ જોવામાં આવી રહી છે.

રાજનાથસિંગ વડાપ્રધાનને ગઈકાલે મળ્યા હતા અને કેટલીક ચર્ચાઓ કરી હતી તે પૂર્વે મંગળવારે વડાપ્રધાને આખો દિવસ અમિતશાહ સાથે વિવિધ મદે ચર્ચા કરી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આ વખતે નાદુરસ્ત તબીયતને કારણે ચૂંટણી લડયા નથી પરંતુ તેમને સરકારમાં સામેલ કરવાની પક્ષમાં લાગણી પ્રવર્તી રહી છે.

આજે સંભવિત રીતે ૬૦ મંત્રીઓ શપથ લેશે. એવું મનાઈ રહ્યું છે કે એનડીએની અન્ય ઘટક દળોના નેતાઓને પણ મંત્રીપદથી નવાજવામાં આવશે. જો શાહ સરકારમાં જોડાશે તો જેપી નડ્ડા, કે ભુપેન્દ્ર યાદવને પક્ષ પ્રમુખ તરીકે પસંદ કરવાની દિશામાં પક્ષ આગળ વધશે ભાજપના સહયોગી શિવસેના, જનતાદળ યુનાઈટેડ, એઆઈડીએમકે લોકજનશકિત પાર્ટી અકાલીદળ, અપનાદળ, જેવા પક્ષોને પણ સરકારમાં સામેલ કરવામાં આવશે. શિવસેના અને જનતાદળ યુ.ના બબ્બે પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે.

ભાજપ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા, ઉત્તર પૂર્વ અને તેલંગાણા રાજયમાં ચૂંટાયેલ સાંસદોને વધુ મહત્વ આપવા માંગે છે. નવી સરકારની રચનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વ્યકિતગત અભિગમથી કેટલાક આશ્ચર્ય સર્જશે. પુર્વ અધિકારીઓમાંથી ભાજપના નેતા બનેલા આર.કે. સિંઘ અને અરદિપ કુરી જેવા પ્રથમવાર ચૂંટાયેલા સાસંદોને મંત્રાલયમાં સામેલ કરવામાં આવે તેવું જાણવા મળેલ છે. કેટલાક વરિષ્ઠ નેતાઓ એવું માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી હારી ગયેલા મનોજસિંહા જેવા અગાઉની સરકારમાં સા‚ કામ કરનારા મંત્રીઓને પણ તક આપીને આશ્ચર્ય સર્જે તેવું દેખાય રહ્યું છે.

૧૭મી લોકસભાના ગઠન માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહે પરિણામ બાદ સતત કરેલા અધ્યનનનું પરિણામ કેવું આવશે તે આજે સાંજે સ્પષ્ટ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે સરકારના મંત્રી મંડળનું કદ જમ્બો બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. ભાજપ એકલા હાથે સ્પષ્ટ બહુમતી મેળવવામાં સફળ થયું હોવા છતાં એનડીએના ઘટક દળોને સાથે રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌના સાથ સૌના વિકાસનું અભિગમ સિધ્ધ કર્યો છે.

આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ૮૦૦૦ નિમંત્રીતોની ઉપસ્થિતિમાં યોજાનારા શપથવિધિ સમારોહમાં વિવિધ સાથી દેશોના નેતાઓની વિશેષ આમંત્રણ અપાયું છે. પ્રથમવાર પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસામાં મૃત્યુ પામેલા કાર્યકરોનાં પરિવારજનોને ખાસ નિમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથવિધિ પહેલા ગઈકાલે શહીદ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી અને સાથે સાથે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈને અંજલી આપી હતી.

આ શપથવિધિમાં જે વિદેશી મહાનુભાવો ઉપસ્થિત રહેનારા છે. તેમાં બાંગ્લાદેશનાં રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, શ્રી લંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરીસેના, નેપાલના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી, મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ.વીની મીન્ટ, ભુટાનના વડાપ્રધાન લોચ્ચે ત્સેરીંગ થાઈલેન્ડના સરકાર પ્રતિનિધિ તરીકે ગ્રીસદા બોનરાચ, કમીખના રાષ્ટ્રપતિ અને સાંધાઈ કોઓપરેટીવ ઓર્ગેનાઈઝ કમીખના પ્રમુખ સોરેનબે જીનબેકોવ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિણકુમાર જગન્નાથ, સહિતના વિદેશી નેતાઓએ તેમના આગમનની પુષ્ટિ કરી દીધી છે. જયારે ટીએમસીના નેતા અને પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જેડીએસના નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, આપના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના દેશના અનેક વિપક્ષી નેતાઓએ શપથવિધિ માટે આમંત્રીત કરાયા છે.

નવી લોકસભાના અધ્યક્ષ તરીકે સંતોષ ગંગવારનું નામ મોખરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઈનિંગની શરૂઆત આજથી થવા જઈ રહી છે. ત્યારે ૧૭મી લોકસભાના કાર્યકારી સ્પીકર તરીકે સંતોષ ગંગવારનું નામ મોખરે આવ્યું છે. ભાજપના અન્ય નેતામાં મેનકા ગાંધી પણ આ રેસમાં આગળ ચાલી રહ્યા છે. મેનકાગાંધીને નવી સરકામાં મંત્રીપદની જવાબદારી અપાશે તેવુ મનાતું હતુ મેનકાગાંધી સ્પીકરની રેસમાંથી ગંગવાર માટે જગ્યા કરી દેશે ગંગવાર અને મેનકા ગાંધી સત આઠ વખતથી ચૂંટાય આવ્યા છે.

કેરલના કોડિકુનિલના કોંગ્રેસના સાંસદ સુરેશ પણ કાર્યકારી સ્પીકરના પદ માટે નિયુકતીની પસંદગીમાં આગળ છે. ૧૬મી લોકસભામાં કમલનાથની કામ ચલાઉ સ્પીકર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. સામાન્ય રીતે વરિષ્ઠ અને અનુભવી સાંસદોને કાર્યકારી સ્પીકરની જવાબદારી સોંપવામાં આવે છે અને તે નવા અને પ્રથમવાર આવતા સાંસદોને માર્ગદર્શન આપે છે. ગંગવાર ઉત્તરપ્રદેશના બરેલીથી સાંસદ ચૂંટાયા છે. તેમને નવા સ્પીકર બનાવાય તેવું મનાય રહ્યું છે.

૧૪મી લાકેસભામાં કાર્યકારી સ્પીકર તરીકે મુકાયેલા સોમનાથ ચેટર્જી પાછળથી સ્પીકર તરીકે ચૂંટાયા હતા લોકસભાના વરિષ્ઠ સાંસદો અને રાજયસભાના સિનીયર નેતાઓની યાદી તૈયાર કરવામા આવી છે. ભાજપના સભ્યોની યાદીમાં અન્ય સામેલ ચાર નામોમાં કોંગ્રેસના કોડિકોનિલ, ભાજપના વિરેન્દ્રકુમાર, સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ યાદવ અને અપક્ષ મોહનભાઈ ડેલકર પણ છે. કે જેઓ સાતમી વખત ચૂંટાયા છે. સામાન્ય રીતે એક સરખી સંખ્યામાં ચૂંટાયેલા સાંસદોને કાર્યકારી સ્પીકરના નામની યાદીમાં મૂકવામાં આવે છે.

કેરલના માવેલીકારના સાંસદ સુરેશ સાત ટર્મથી ચૂંટાઈ આવ્યા છે. તેમનું નામ પણ મોખરે ચાલી રહ્યું છે. સામાન્ય રીતે સ્પીકર માટે વરિષ્ઠ સાંસદોની શાસકપક્ષમાંથી નિમણુંક કરવામાં આવે છે. કયારેક અપવાદ પણ થાય છે. છઠ્ઠી લોકસભામાં કેએસ હેગડે અને સાતમી લોકસભામાં બલરામ જાખડ પ્રથમ વખત ચૂંટાતાની સાથે જ સ્પીકર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ. આજે થનારી શપથવિધિ પહેલા કાર્યકારી સ્પીકર તરીકે વરિષ્ઠ સાંસદ સંતોષ ગંગવારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.