Abtak Media Google News
  • ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે: રૂા.1200 કરોડના ખર્ચે થશે આશ્રમનો પુન:વિકાસ, વિશ્ર્વ સ્તરીય સુવિધાઓથી સજ્જ હશે સ્મારક
  • સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો  વિકાસ કરવામાં આવશે

રાજકોટ ન્યૂઝ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ  દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં ’આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન:નિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરશે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે, સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે. ‘આશ્રમભૂમિ વંદના’ ના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ 1917માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આ આશ્રમનો પાયો નાખ્યો હતો. ભારતીય ઇતિહાસના એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે સાબરમતી આશ્રમ આઝાદીની ચળવળનું એક મુખ્ય કેન્દ્ર રહ્યો છે. આ સ્થળની સાદગી અને પવિત્રતાને જોઇને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે અડધી દુનિયા પર રાજ કરનારા અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કરી દેનારા એક સામાન્ય વ્યક્તિએ આ જ સ્થળેથી આઝાદીના અહિંસક આંદોલનની વ્યૂહરચનાઓ બનાવી અને દેશવાસીઓને સ્વાધીનતા માટે જાગૃત કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં મહાત્મા ગાંધી માટે વિશેષ લાગણી અને સન્માનની ભાવના છે. યુદ્ધના આ સમયમાં શાંતિના હિમાયતી તરીકે વડાપ્રધાનની વાતો મહાત્મા ગાંધીની યાદ અપાવે છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે પણ વર્તમાન પેઢીની સાથે-સાથે દેશ અને દુનિયાભરના લોકોને ગાંધીવિચારો સાથે જોડવાની દિશામાં પ્રયત્નો કરતા હતા. ભવિષ્યની પેઢી પણ મહાત્મા ગાંધીના આદર્શો અને સાદગીપૂર્ણ જીવનનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે વડાપ્રધાનશ્રીએ સાબરમતી આશ્રમના પુન:નિર્માણ માટેના આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી.

આવરણ નવું પણ આત્મા એ જ

પૂજ્ય બાપુના દર્શન અને વિચારોને અભિવ્યક્ત કરનારા સાબરમતી આશ્રમને એક નવા સ્વરૂપમાં દુનિયા સમક્ષ પ્રસ્તુત કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે આશ્રમનું ‘આવરણ’ ભલે નવું હોય, પરંતુ તેનો ‘આત્મા’ એ જ રહે.  આ પ્રોજેક્ટમાં મુખ્ય આશ્રમની સાદગી અને અધિકૃત સ્થાપત્યોને જાળવી રાખીને 20 જૂના મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુન:વિકાસ સામેલ છે. તેનો ઉદ્દેશ સાબરમતી આશ્રમની મુલાકાતે આવતા લોકો માટે શુદ્ધ, સ્વચ્છ, શાંતિપૂર્ણ અને હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દુનિયાને સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપનારા મહાત્મા ગાંધીના જીવનની યાદોને સમેટીને રાખનારા આ સાબરમતી આશ્રમના પુન:વિકાસનું કાર્ય પૂર્ણ સંવેદનશીલતા અને ભાવનાત્મકતા સાથે કરવા જઇ રહી છે, કારણકે, સાબરમતી આશ્રમ એક સ્થળ માત્ર જ નથી, પરંતુ સ્વાતંત્ર્ય સેનાનીઓની તપોભૂમિ છે, આત્મખોજનું સ્થળ છે અને જીવનમૂલ્યોની પાઠશાળા છે. અહીંના કણ-કણમાં આજે પણ ગાંધીજીની વિરાસત, સાદગી અને વિચારોની સુગંધ પ્રસરેલી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ગાંધીજીના વિચારોને યુવા પેઢી સુધી પહોંચાડવાની દિશામાં આ પુન:વિકાસ પ્રોજેક્ટ એક માઇલસ્ટોન સાબિત થશે.

રૂ. 1200 કરોડના ખર્ચે તૈયાર થશે આ વિશ્ર્વસ્તરીય સ્મારક

રૂ. 1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો તેમજ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે. આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે.  અહીંયા ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ જોવા મળશે.

આ ઉપરાંત, આ સંકુલ મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે વ્યાખ્યાન કેન્દ્ર તેમજ જાહેર સુવિધાઓ જેવીકે ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ હશે.  અહીંયા એવા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે, જ્યાં મુલાકાતીઓ ગાંધીજીના સાતત્ય અને આત્મનિર્ભરતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના વિચારોનો અનુભવ કરી શકશે તેમજ આશ્રમમાં ગાંધીજીના સમય દરમિયાન બનાવવામાં આવેલ હસ્તકલાઓને પણ નિહાળી શકશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.