• થોડા દિવસ સબ સલામત રહ્યા બાદ પરિસ્થિતિ ફરી જૈસે થે : બપોર બાદ મામલતદાર સ્થળ વિઝીટ લેશે

શહેરની મધ્યમાં આવેલ શાસ્ત્રી મેદાનની અંદર ખાનગી બસો અને નાસ્તાવાળાઓનો અડ્ડો જામ્યો છે. ત્યારે આ મામલે કલેકટર તંત્ર પણ હરકતમાં આવ્યું છે. મામલતદાર દ્વારા આજે બપોર બાદ સ્થળ વિઝીટ પણ કરવમાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

કલેકટર કચેરી સંચાલિત શાસ્ત્રી મેદાનને ફરતે નવી દીવાલ અને ગેઇટ બનાવીને સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં સિક્યુરિટી ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે. પરંતુ આ સિક્યુરિટી ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. થોડા દિવસ સબ સલામત રહ્યા બાદ અહીં ફરી ખાનગી બસ અને નાસ્તાની લારીઓનો અડ્ડો જામ્યો છે. જાણે આ મેદાન ફ્રી પાર્કિંગની અને હોકર્સ ઝોનની સવલત પુરી પાડતું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

મેદાનની અંદર નાસ્તાની લારીઓ ગોઠવાય ગયા બાદ આજથી નાસ્તાવાળાઓએ બહાર રોડ ઉપર લારીઓ રાખી ધંધો શરૂ કર્યો છે. પરંતુ મેદાનની અંદર બંધ લારીઓના ખડકલા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઠંડા પીણાવાળા બેરોકટોક મેદાનની અંદર ધંધો કરી રહ્યા છે. આ સાથે શાસ્ત્રી મેદાનની નજીક અનેક ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો આવેલ હોય, આ ટ્રાવેલ્સ સંચાલકો શાસ્ત્રી મેદાનનો ઉપયોગ ફ્રી પાર્કિંગ તરીકે કરી રહ્યા છે. અંદર અનેક બસોને પાર્ક કરવામાં આવી છે. જો કે શાસ્ત્રી મેદાન અંગે ફરિયાદો મળ્યા બાદ આજે બપોરે 3 વાગ્યા આસપાસ પશ્ચિમ મામલતદાર દ્વારા ત્યાં સ્થળ વિઝીટ પણ કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે શાસ્ત્રી મેદાનએ રાજકોટના ભવ્ય ઇતિહાસ સાથે જોડાયેલ છે. અહીં ભૂતકાળમાં અનેક પ્રસંગો યોજાયા છે. લોકમેળો પણ ભૂતકાળમાં આ જ સ્થળે યોજાતો હતો. આ ઉપરાંત હાલની તકે પણ અહીં ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો મોટા પ્રમાણમાં યોજાઈ છે.

તત્કાલીન કલેકટર રેમ્યા મોહન દ્વારા શાસ્ત્રી મેદાનના ડેવલપમેન્ટ અંગેનો મોટો પ્રોજેકટ લાવવાની વિચારણા હાથ ધરી હતી. અંદર શુ શુ બનાવવું તે મામલે આયોજન પણ હાથ ધર્યું હતું. પણ બાદમાં આ પ્રોજેકટ પડતો મૂકી દેવામાં આવ્યો હતો. બાદમાં માત્ર ફરતે દીવાલ અને ગેઇટ મુકવાનું જ નક્કી કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.