Abtak Media Google News
  • ધુતારાઓની માયાજાળ

સોશિયલ મીડિયા ઉપર યેન કેન પ્રકારે ધુતારાઓએ માયાજાળ ફેલાવી છે. જે યુઝર્સ લાલચમાં આવ્યા એ ગયા સમજો. આમાં એડવર્ટાઇઝમેન્ટ પણ મુખ્ય ભાગ ભજવી રહી છે. નજર સમક્ષ હોવા છતાં એજન્સીઓ આવી એડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂકીને યુઝર્સ ઉપર જોખમ ઉભું કરી રહ્યા છે. ખાસ કરીને લોન આપવાના નામે અનેક યુઝર્સને છેતરવામાં આવી રહ્યા છે.

વધુમાં સોશિયલ મીડિયા ઉપર અત્યારે ગમે તેટલા એલર્ટ યુઝર્સ હોય તેના ઉપર પણ ડેટા લિકનું પૂરેપૂરું જોખમ રહ્યું છે. કોઈ પણ વ્યક્તિને ધ્યાનમાં આવ્યું જ હશે જે જો તે શેરબજારમાં ટ્રેડિંગ કરે છે તો તેને ટ્રેડિંગ એજન્ટોના ફોન આવે છે. અવનવી સ્કીમ આપે છે. આવી જ રીતે જો કોઈ ટ્રાવેલિંગ પેકેજ અંગે સોશિયલ મીડિયામાંથી માહિતી શોધે છે તો તેને ટ્રાવેલ એજન્ટોના પણ કોલ આવે છે. આની પાછળ ડેટા લીક જ કારણભૂત છે. કોઈ પ્લેટફોર્મ ઉપર જ્યારે યુઝર્સ સાઈન ઇન કરે છે. પોતાની વિગતો આપે છે. તે વિગતોનો ડેટા આ પ્લેટફોર્મ બીજા સાથે પણ શેર કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં માત્ર મોબાઈલ નંબરનો જ ડેટા શેર થતો હોય છે.

બીજી તરફ લોનની લાલચ આપી છેતરપીંડી આચારવાના કિસ્સા પણ વધી રહ્યા છે. અમેરિકાની ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે સપ્ટેમ્બર 2022 અને ઓગસ્ટ 2023 વચ્ચે પ્લે સ્ટોર પરથી 2200થી વધુ ફેક લોન એપ્સને દૂર કરી હતી. કેન્દ્ર સરકારે મંગળવારે સંસદને કહ્યું હતું. સરકાર ફેક લોન એપ પર નિયંત્રણ મેળવવા માટે સતત આરબીઆઈ અને અન્ય નિયમનકારો તેમજ હિસ્સેદારો સાથે સતત કામ કરી રહી છે.

રાજ્યકક્ષાના નાણામંત્રી ભાગવત કે. કરાડે જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય પાસેથી મળેલી માહિતી મુજબ એપ્રિલ 2021 થી જુલાઈ 2022 વચ્ચે ગૂગલે તેના પ્લે સ્ટોર પર 3500 થી 4000 લોન એપની સમીક્ષા કરી હતી અને તેમાંથી 2500 ફેક લોન એપ્સને સસ્પેન્ડ કરી હતી અથવા દૂર કરી હતી. એ જ રીતે સપ્ટેમ્બર 2022થી ઑગસ્ટ 2023 દરમિયાન 2200થી વધુ લોન એપ્સ પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી હતી. ગૂગલે પ્લે સ્ટોર પર લોન એપ્સ સંબંધિત નીતિમાં પણ સુધારો કર્યો છે. હવે પ્લે સ્ટોર પર માત્ર રેગ્યુલેટેડ એન્ટીટીસ (આરઈ) દ્વારા પ્રકાશિત અથવા આરઈ સાથે ભાગીદારીમાં કામ કરતી હોય તેવી લોન એપ્સને જ મંજૂરી આપે છે. તેણે ભારતમાં લોન એપ્સ માટે આકરી અમલીકરણ પ્રક્રિયા સાથે વધારાની નીતિ વિષયક જરૂરિયાતો પણ અમલમાં મૂકી છે.

ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ લેન્ડિંગ અંગે નિયમનકારી માર્ગદર્શિકા ઈશ્યુ કરી છે, જેનો આશય ડિજિટલ લેન્ડિંગ માટે નિયમનકારી માળખુ મજબૂત બનાવવાનો તેમજ ગ્રાહકોને સુરક્ષિત રાખવા તથા ડિજિટલ ધિરાણની ઈકોસિસ્ટમને સલામત અને મજબૂત બનાવવાનો છે તેમ તેમણે કહ્યું હતું. વધુમાં નાગરિકોને ગેરકાયદે લોન એપ સહિત સાયબર ગુનાની ઘટનાઓથી સુરક્ષિત રાખવા ગૃહ મંત્રાલયે નેશનલ સાયબરક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ તેમજ નેશનલ સાયબરક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 લોન્ચ કર્યો હતો. સાયબર ગુનાઓ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ કેન્દ્ર સરકાર સમયે સમયે વિવિધ પહેલો કરતી રહે છે.w

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.