Abtak Media Google News

છોલેલુ શ્રીફળ વેંચનાર વેપારીઓ પણ દંડાશે: નવા નિયમની આજથી જ અમલવારી શરૂ : નવા ટ્રસ્ટી મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયની વોટ્સએપ પર જ જાણ કરી દેdવાય: ભાવિકોમાં ભભૂકતો રોષ

શક્તિપીઠ એવા અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણય સામે રાજ્યભરમાં માઇભક્તોમાં ભારોભાર રોષ ફાટી નિકળ્યો છે. છેલ્લા દશેક દિવસથી ઠેર-ઠેર આ નિર્ણયનો વિરોધ થઇ રહ્યો છે. દરમિયાન આજે પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરના ટ્રસ્ટ દ્વારા એક વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ મંદિરમાં આજથી છોલેલુ શ્રીફળ લાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નવા ટ્રસ્ટી મંડળ દ્વારા લેવાયેલા આ નિર્ણયની વોટ્સઅપ પર જાણ કરી દેવામાં આવી છે.

Advertisement

ગુજરાતમાં પવિત્ર મંદિરોના ટ્રસ્ટીઓ દ્વારા જાણે માઇભક્તોની લાગણી સાથે રાજ રમત શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પવિત્ર તિર્થધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરે 900 વર્ષથી ભાવિકોને અપાતો મોહનથાળનો પરંપરાગત પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યભરમાં ભાવિકોમાં રોષ ફાટી નિકળ્યો છે. દરમિયાન પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે એક તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભાવિકોએ છોલેલુ નાળીયેર લાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. માઇભક્તોએ આખુ નાળીયેર ધરવાનું રહેશે. મહાકાળી માતાજીને શ્રીફળ ધર્યા બાદ આખુ શ્રીફળ પ્રસાદરૂપે પોતાની સાથે લઇ જવાનું રહેશે. દરમિયાન જો કોઇ વેપારી છોલેલુ નાળીયેર વેંચશે તો તેની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટના નવા ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયની જાણ ભાવિકોને વોટ્સએપ પર કરી દેવામાં આવી છે. દરમિયાન આજથી આ નિર્ણયની અમલવારી શરૂ કરી દેવામાં આવતા માઇભક્તો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિર બાદ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ભક્તોની લાગણી દુભાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.