Abtak Media Google News

યુવતીની સગાઇ તોડવવામાં નિષ્ફળ શખ્સોએ કાકા-ભત્રીજા પર પાઇપથી હુમલો કરી ઢીમઢાળી દીધું

જસદણ તાલુકાના વિછીંયાની યુવતીની સગાઇ તોડવવા પ્રયાસ કરતા શખ્સો નિષ્ફળ રહેતા યુવતીના કાકા-ભત્રીજા પર દસ જેટલા શખ્સોએ પાઇપ અને લાકડીથી હુમલો કરી પ્રૌઢની હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિછીંયાના હેમુભાઇ સગરામભાઇ વાલાણી તેના ભત્રીજા વનરાજભાઇ વાલાણી સાથે બાઇક લઇને જતા હતા ત્યારે ધર્મેશ નામના શખ્સે ઇરાદા પૂર્વક બાઇક ભટકાડી ઝઘડો કર્યા બાદ મુકેશ કેસા ડાભી, પ્રકાશ મુકેશ અને આઠ જેટલા અજાણ્યા શખ્સોએ પાઇપ અને લાકડીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા હેમુભાઇ વાલાણીનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

વનરાજભાઇ વાલાણીની પિતરાઇ બહેનની કલોરાણા ગામે તાજેતરમાં સગાઇ થઇ હતી તે પ્રકાશ મુકેશને પસંદ ન હોવાથી સગાઇ તોડી નાખવા માટે અવાર નવાર ધાક ધમકી દેતો હતો તેમજ કલોરાણા ગામે ફોન કરીને સગાઇ તોડી નાખવા ધમકાવ્યા હતા. તેમ છતાં સગાઇ ન તોડતા ગઇકાલે વનરાજભાઇ વાલાણી પર હુમલો કર્યો હતો તેને બચાવવા વચ્ચે પડેલા હેમુભાઇનું મોત નીપજ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

હુમલા દરમિયાન ઘવાયેલા વનરાજભાઇ વાલાણીને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે તેની ફરિયાદ પરથી પ્રકાશ મુકેશ ડાભી સહિત દસ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. હુમલા દરમિયાન પ્રકાશ, ધર્મેશ અને મુકેશ ઘવાતા તેઓને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ત્રણેય શખ્સો પર બંદોબસ્ત ગોઠવી દીધો છે તેઓને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ ધરપકડ કરી તેની સાથે હત્યામાં અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.