Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ચાર કલાકની મેરેથોન બેઠક: 16 રાજ્યો માટે ઉમેદવારોના નામ નક્કી કરવા મથામણ

આજે દિલ્હીમાં તમામ રાજ્યોના ચૂંટણી સંયોજકો સાથે જે.પી.નડ્ડા કરશે બેઠક

લોકસભાની આગામી ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ફરી એકવાર પૂર્ણ બહુમત સાથે કેન્દ્રમાં સરકાર બનાવવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

ગુજરાત સહિત 16 રાજ્યોની લોકસભાની બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપ હાઇકમાન્ડ દ્વારા રાત ઉજાગરા કરવામાં આવ્યા હતા. ગઇકાલે મોડી રાત સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉ5સ્થિતિમાં દિલ્હી ખાતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી. આગામી બે દિવસમાં ભાજપ દ્વારા કોઇપણ ઘડીએ ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. જેમાં ગુજરાતની આઠથી દશ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે.

ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા ઉંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું. બુધવારે દિલ્હી ગયા બાદ ફરી ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સંગઠન મહામંત્રી રત્નાકર ફરી દિલ્હી ગયા હતા. ગઇકાલે મોડી રાત 2:30 કલાક સુધી દિલ્હી ખાતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ હાજર રહ્યા હતા. ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ સહિત 16 રાજ્યોની લોકસભાની બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા ઉંડાણપૂર્વકની ચર્ચાઓ કરવામાં આવી હતી. 100 થી 120 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ થઇ ગયા છે. હવે માત્ર બેઠકના નામની સામે ઉમેદવારનું નામ લખવાનું બાકી રાખવામાં આવ્યું છે. ગુજરાતની 26 બેઠકો વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વચ્ચે ગુપ્ત બેઠક યોજાશે ત્યાર બાદ નામોની જાહેરાત કરી દેવામાં આવશે.

આજે અથવા આવતીકાલે કોઇપણ ઘડીએ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે. જેમાં 100 થી 120 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવશે. ગુજરાતની તમામ 26 બેઠકો માટે ઉમેદવારો હાલ જાહેર કરવામાં આવશે. નહી આઠથી દશ બેઠકો માટે ઉમેદવાર જાહેર કરાશે. રાજ્યની 26 બેઠકો પૈકી 20 બેઠકો પર સિટીંગ સાંસદોની ટિકિટ કાંપી નાંખવામાં આવે અને તેના સ્થાને નવા ચહેરાને તક આપવામાં આવશે. એક-એક બેઠકો માટે અર્ધો ડઝનથી વધુ પ્રબળ દાવેદારો હોવાના કારણે હાઇકમાન્ડ પણ થોડું મુંઝવણમાં મૂકાય ગયા છે. ગુજરાતમાં ભાજપ ખૂબ જ મજબૂત છે. અહીં ગમે તેની ટિકિટ કાંપી નાખવામાં આવે કે ગમે તેને ટિકિટ આપવામાં આવે ભાજપને કોઇ મોટો પડકારનો સામનો કરવો પડે તેમ નથી. આવામાં રાજ્યની અનેક બેઠકો પર સરપ્રાઇઝ નામો આવી શકે તેમ છે.

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ અલગ-અલગ રાજ્યોના ચૂંટણી સંયોજકો અને સહસંયોજકો સાથે બેઠક બોલાવી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ કોઇપણ ઘડીએ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.