હવે રેલવેના કોચની ખરીદી કરી શકાશે: ભારતીય રેલવે દ્વારા યોજના જાહેર 

૫ વર્ષના સમયગાળા માટે કોચ ભાડા કરારથી પણ અપાશે!!!

ભારતીય રેલવે તરફથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે ખાનગી વ્યક્તિઓ કે સંસ્થાઓ ભારતીય રેલવેના કોચ લિઝથી ભાડે અથવા વેંચાતા લઇ શકશે.

રેલવેએ શનિવારે એક જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરી હતી.  રેલવે મંત્રાલય દ્વારા પ્રોજેક્ટની રૂપરેખા અને નિયમો-શરતો ઘડવા માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લેવલની કમિટીની રચના કરવામાં આવી છે.  ભાડા પર ટ્રેન મેળવ્યા પછી કંપની સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય પ્રકારની થીમ પર ટ્રેનો ડિઝાઇન કરી શકશે.

ભારતીય રેલવે વતી એવું કહેવામાં આવ્યું હતું કે, કોચિંગ સ્ટોક ભાડે આપીને લોકોમાં રેલ આધારિત પર્યટન ફેલાવવાની યોજના છે જે ખાનગી પાર્ટીઓને થીમ આધારિત સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય પ્રવાસી સર્કિટ ટ્રેન તરીકે ચલાવવા માટે છે.  પીટીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, યોજના એવી છે કે રસ ધરાવતા પક્ષોએ ઓછામાં ઓછી ૧૬ કોચવાળી ટ્રેન ખરીદવી અથવા ભાડે આપવી પડશે.  જે પછી રેલવેની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે તે કોચ તૈયાર કરી શકશે.

રેલવે દ્વારા કોચમાં મોટા ફેરફાર કરવા માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં.  કંપનીઓ માત્ર થોડો ફેરફાર કરીને તેને વધુ આકર્ષક બનાવવા માટે કામ કરશે.  કંપનીઓને ઓછામાં ઓછા ૫ વર્ષ માટે લીઝિંગ સોંપવામાં આવશે.  રસ ધરાવનાર સંસ્થા રેલવે સાથે તેનું બિઝનેસ મોડલ રજૂ કરશે.  આ પછી તેમની યોજના જોયા પછી રેલવે નક્કી કરશે કે કઈ કંપનીને કોચ અથવા ટ્રેન ભાડે આપવી જોઈએ.  કંપનીએ ટ્રેનમાં જેટલા કોચ હોય તેટલા કોચ ભાડે લેવા પડશે.