આજ થી રાજ્યમાં મેઘરાજાની જોર ઘટશે

રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ

ગુજરાતમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસી ગયો: આજથી રાજ્યભરમાં મેઘાનું જોર ઘટશે

રાજ્યમાં મેઘરાજાનું જોર ઘટી ગયુ છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં 118 તાલૂકાઓમાં હળવા ઝાપટાથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસી ગયો છે. આજે સવારથી નવ તાલૂકાઓમાં વરસાદ પડી રહ્યો છે. આજથી એકાદ સપ્તાહ સુધી રાજ્યમાં એકદંરે મેઘ વિરામ જેવો માહોલ જોવા મળશે. રાજ્યમાં બુધવારે સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં ત્રણ ઇંચ જેટલો વરસ્યો હતો. આ ઉપરાંત કપરાડામાં બે ઇંચ, ચૂડામાં પોણા બે ઇંચ, ધંધૂકામાં પોણા બે ઇંચ, રાનપુરમાં દોઢ ઇંચ, નાડોદમાં સવા ઇંચ, ધાનેરામાં સવા ઇંચ, અમદાવાદમાં સવા ઇંચ, વ્યારા, સાત તસાણા, બોટાદ, સોનગઢ, વડાલી, ડેડીયાપાડા, લીંબડી, ભાવનગર અને મહુવામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 69.75 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.46 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 60.96 ટકા, સૌરાષ્ટ્રમાં 61.86 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 82.24 ટકા વરસાદ વરસી ગયો છે.

ન્યારી-1 સહિત સાત ડેમમાં પાણીની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા એકાદ સપ્તાહથી મેઘ વિરામ જેવો માહોલ છે. છતા જળાશયોમાં ધીમી ધારે પાણીની આવક થઇ રહી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ન્યારી-1 ડેમ સહિત સાત જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. આજી-3 ડેમમાં નવુ 0.03 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, વર્તુ-2 ડેમમાં 0.33 ફૂટ, વેરાડી-1 ડેમમાં 0.33 ફૂટ, વેરાડી-2 ડેમમાં 0.16 ફુટ, મીણસાર (વાનાવડ)માં 0.16 ફૂટ અને ત્રિવેણી ઠાંગામાં 0.33 ફૂટ પાણીની આવક થવા પામી છે.