Abtak Media Google News
  • પતિના વિરહમાં પત્નીએ ઝેર પી આયખું ટૂંકાવી લીધું: માસૂમ પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ શહેરના મહીકા રોડ, માધવ વાટિકા સોસાયટીમાં રહેતા યુવકે લગ્નના પખવાડિયા પૂર્વે ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લેતાં મૃતકના પરિવારમાં ઘેરો કલ્પાંત વ્યાપી ઉઠ્યો છે. જ્યારે ગોકુલ હોસ્પિટલ મેઇન રોડ નજીક રહેતા પરિણીતાએ પતિના દુ:ખમાં ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજ્યું છે. મૃતકની એકની એક પુત્રીએ પિતાના મૃત્યુ બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી છે.પોલીસે તપાસની ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મહીકા રોડ આજીડેમ ચોકડી નજીક માધવવાટિકા સોસાયટી શેરી નં. 5 માં રહેતા નારણભાઈ લાલદાસભાઇ દાણીધારીયા નામના 23 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં ચાલુ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના મામા બલરામભાઇએ પોલીસ સમક્ષ જણાવ્યા અનુસાર નારણભાઈ દાણીધારીયાના 15 દિવસ બાદ લગ્ન થવાના હતા. યુવકનું પાંચ માસ પૂર્વે જસદણની યુવતી સાથે સગપણ થયું હતું. પરિવારના સભ્યો સાથે જમી લીધા બાદ યુવકે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી આ પગલું ભર્યું હતું. પરિવારને એમ હતું કે યુવક તેની ભાવિ પત્ની સાથે વાતો કરતો હશે પરંતુ એકાએક રૂમમાં ખડભડાટ થયાનો અવાજ આવતા યુવકની બહેન છતનાં રસ્તા મારફતે નવેરામાંથી રૂમમાં પ્રવેશ કરતા નાના ભાઈને આ સ્થિતિમાં જોઈ સ્તબ્ધ રહી ચૂકી હતી. બાદમાં પરિવારના સભ્યોએ એમ્બ્યુલન્સને જાણ કરી પરંતુ ઇએમટી ટીમના તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કલ્પાંત વ્યાપ્યો છે. યુવક આજીડેમ ચોકડીએ આવેલા સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતો અને બે બહેનોનું એકનો એક ભાઈ હતો.

જ્યારે ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ નજીક રહેતા વર્ષાબેન ભાવેશભાઈ ઝરીયા નામની 28 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પરણીતાના પતિ ભાવેશભાઈ ઝરીયાએ એક માસ પૂર્વે આર્થિકભીંસના કારણે આપઘાત કર્યો હતો. પતિના મૃત્યુ બાદ તેના વિરહમાં પત્નીએ પણ આ પગલું ભર્યું છે.મૃતક દંપતીને સંતાનમાં એક પુત્રી છે.

જ્યારે ભગવતીપરા સુખસાગર હોલ નજીક રહેતા મહમદ રફીક મહમદ નાઝીજ નામના 23 વર્ષીય યુવકે અગમને કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે. પોલીસે બનાવની તપાસરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.