Abtak Media Google News

ફીનીસિંગ માટે આપેલા રૂ.3.50 લાખના 85 ગ્રામ ઘરેણાં લઈ રફુચક્કર થઈ ગયો

રાજકોટમાં સોની વેપારીઓના ઘરેણાં લઈ બંગાળી કારીગરો ભાગી જતાં હોવાના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં સોની બજારમાં એક વેપારીએ ફિનિશિંગ માટે આપેલા રૂ.3.50 લાખના ઘરેણાં લઇ બંગાળી કારીગર રફુચક્કર થઇ જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.જેમાં એ ડિવિઝન પોલીસ દ્વારા બંગાળી કારીગર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

વિગતો મુજબ પેલેસ રોડ પર રહેતા પ્રતિકભાઇ રાજેશભાઇ પાટડિયા નામના સોની વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની સોની બજાર, કામદાર શેરીમાં આવેલા અંકિત દર્શન એપાર્ટમેન્ટમાં રતન જ્વેલર્સના નામથી સોનાનું ઘાટકામ કરવાની દુકાન ધરાવે છે. ઘરેણાં ઘડવા માટે બે કારીગર હોય અને વધુ એક કારીગરની જરૂરિયાત હોય પરિચિત કારીગરને વાત કરી હતી. જેથી તેને મૂળ પ.બંગાળનો અને રાજકોટમાં રામનાથપરા-5માં ભાડાના મકાનમાં રહેતા નવસાદ અલી સરકાર નામના કારીગર સાથે ઓળખાણ કરાવી હતી.તેની સાથે વાતચીત કર્યા બાદ તેને તા.2-11-2022ના રોજ નોકરીએ રાખ્યો હતો. દરમિયાન તા.18-12ની રાતે રાતપાળીમાં દુકાને કામ ચાલુ હતું. બાદમાં એક વાગ્યા બાદ ત્રણેય કારીગર અને પોતે દુકાન બંધ કરી ઘરે જતા રહ્યાં હતા. આ સમયે નવસાદને સોનાની બાલીનું કામ આપ્યું હોય રૂ.3.50 લાખની કિંમતનું 85 ગ્રામ સોનું તેની પાસે હતું.

સોમવારે કારીગરે દુકાન ખોલી કામકાજ ચાલુ કર્યુ હતું. ત્યારે સોનું ઓછું જણાતા તેને પોતાને ફોન કરી જાણ કરી હતી. જેમાં નવસાદનું સોનું ઓછું હોય તેને ફોન કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ બંધ આવતો હતો. જેથી પોતે તુરંત તેના રામનાથપરામાં ભાડાના મકાને ગયો હતો. જ્યાં તેનો રૂમ પાર્ટનર મળ્યો હતો. તેને નવસાદ અંગે પૂછતા તે ગઇકાલ રાતનો ઘરે નહિ આવ્યાનું અને તેનો મોબાઇલ પણ બંધ આવતો હોવાની વાત કરી હતી. નવસાદની ક્યાંય ભાળ નહિ મળતા અંતે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંગાળી કારીગર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.