Abtak Media Google News
  • કોસ્ટેબલથી માંડી એએસઆઈ સુધીની બદલીનો આદેશ કરતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

રાજકોટ શહેર પોલીસ બેડામાં લોકસભા ચૂંટણીની આચારસંહિતાને ધ્યાને રાખીને એક જ સ્થળે છેલ્લા 4-5 વર્ષથી ફરજ બજાવતા 287 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ બદલીમાં પોલીસ કોન્સ્ટેબલથી માંડી એએસઆઈ સુધીનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેર પોલીસમાં એક જ સ્થળે કે પોલીસ મથકમાં છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓની બદલીનો ઘાણવો પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ઉતાર્યો છે. જે બદલીમાં મોટાભાગે એક જ પોલીસ મથકમાં છેલ્લા ચાર કે પાંચ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓનો મોટા પાયે સમાવેશ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બદલીના ઘાણવામાં લગભગ તમામ પોલીસ સ્ટેશન અને શાખાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તમામ પોલીસ સ્ટેશનોમાંથી સરરેરાશ 10 જેટલાં કર્મચારીઓની બદલીનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. જે બદલીમાં પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બદલીના લીથામાં એ ડિવિઝન પોલીસ મથકના અંદાજિત 10થી વધુ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની ટ્રાફિક સહીતની શાખાઓ અને પોલીસ મથકમાં આંતરિક બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જયારે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના આશરે 18 જેટલાં કોન્સ્ટેબલ અને હેડકોન્સ્ટેબલોની આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. તાલુકા પોલીસ સ્ટેશનના અંદાજિત 15 જેટલાં કર્મચારીઓની બદલીનો ઓર્ડર કાઢવામાં આવ્યો છે. થોરાળા પોલીસ સ્ટેશનના અંદાજિત 8 જેટલાં કર્મચારીની બદલીનો હુકમ જાહેર કરવામાં આવ્યો હોય તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

હજુ વધુ બદલીના ઓર્ડર પણ જાહેર થઇ શકે : કાઉન્ટ ડાઉન શરૂ

જાણકારોના મત મુજબ હજુ પણ થોકબંધ પોલીસ કર્મચારીઓના બદલીના આદેશ થઇ શકે તેમ છે. લોકસભા ચૂંટણી અનુસંધાને એક જ સ્થળે 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને આચારસંહિતાની જોગવાઈ મુજબ બદલી કરવાની હોય છે ત્યારે આ અનુસંધાને હજુ પણ વધુ બદલીના ઓર્ડર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

ફોજદારોની બદલીનો ઘાણવો પણ ટૂંક સમયમાં ઉતરશે?

મળતી માહિતી મુજબ શહેર પોલીસમાં ફરજ બજાવતા એકાદ ડઝન જેટલાં પીએસઆઈ (ફોજદાર)ની પણ આંતરિક બદલીના હુકમ જાહેર થઇ શકે તેમ છે. જાણકારોના જણાવ્યા અનુસાર એક જ પોલીસ સ્ટેશનમાં 3 વર્ષની આસપાસ ફરજ બજાવી ચૂકેલા એકાદ ડઝન પીએસઆઈની બદલીના હુકમ થઇ શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.