Abtak Media Google News

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અન્વયે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા અને મતદાર જાગૃતિ અર્થે ખાસ ઇ.વી.એમ. નિદર્શન વાન ફાળવવામાં આવેલી છે.

રાજકોટ જિલ્લામાં એક તેમજ રાજકોટ શહેરમા એક મળીને કુલ બે રથ ફાળવવામાં આવ્યા છે, જેને કલેક્ટર  દેવ ચૌધરીએ આજરોજ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીની ઉપસ્થિતિમાં ’અવસર લોકશાહીનો’ નિદર્શિત ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

રાજકોટ શહેર તથા ગ્રામ્યમાં એક-એક રથ દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ અર્થે યોજાનાર ઓડિયો વિઝ્યુઅલ માર્ગદર્શન અને વોટીંગ મશીન નિદર્શન

“સ્વીપ” કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર તેમજ જિલ્લામાં મતદાર જાગૃતિ રથ જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય પોઇન્ટ પર લોકોને મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરશે, તેમ જ મતદાન જાગૃતિ અને મતદાનનું મહત્વ પણ સમજાવશે. રાજકોટ શહેરમાં રોજના દસ તેમ જ રાજકોટ ગ્રામ્યમાં રોજના પાંચ પોઈન્ટ પર રથને ઉભો રાખી નિદર્શન તેમજ માર્ગદર્શન પ્રક્રિયા કરવામાં આવશે.

મામલતદાર ઇલેક્શન એમ.ડી. દવેના જણાવ્યા મુજબ યુવા મતદારો, મહિલાઓ તેમજ શ્રમિકો અને ખાસ કરીને પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા મતદાતાઓ સમગ્ર મતદાન પ્રક્રિયા અને મતદાનનું મહત્વ જાણે અને જાત અનુભવ કરી શકે તે માટે આ ઇ.વી.એમ. નિદર્શન વાન ખાસ ઉપયોગી બનશે.  આ તકે ચૂંટણી શાખાના નાયબ મામલતદાર વિક્રમસિંહ ઝાલા તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નિદર્શન વાન પર લગાવેલા જુદા જુદા માહિતીસભર બેનર્સમાં ’”ચાલો ઈ.વી.એમ.ને મળીએ.. જાણકાર બનીએ અને જાગૃત મતદાર બનીએ’” સ્લોગન સાથે લાઈવ ડેમો સાથે “મતદાનનો અનુભવ મેળવીએ” ના આવકાર સાથે “ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તથા વિ.વિ.પેટ દ્વારા આપનો મત કેવી રીતે આપશો?” તેના સ્ક્રીનશોટ દ્વારા એક પછી એક સ્ટેપ સમજાવવામાં આવ્યા છે.

અન્ય બેનરમાં ઇ.વી.એમ. વિશે લોકોમાં રહેલી કેટલીક ગેર માન્યતાઓને દૂર કરવા માટે માહિતી પુરી પાડતા બેનરો રજૂ કરાયો છે, જેમાં ઇ.વી.એમ.માં કોઈપણ પ્રકારના ચેડા શક્ય નથી,  હેક કરી શકાતું નથી, બ્લુટુથ કે વાઇફાઇ સાથે જોડાણ શક્ય નથી વાયર કે વાયરલેસ પ્રકારના કોઈપણ બાહ્ય નેટવર્ક સાથે જોડાણ શક્ય નથી તેમ જ ઇ.વી.એમ.ને મતદાન શરૂ થતા પહેલા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ચકાસવામાં આવે છે તે પ્રકારની માર્ગદર્શિકા પણ જોડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.