Abtak Media Google News

રાજકોટ શહેરી વિસ્તારમાં લેન્ડગ્રેબિંગની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરે જવાબદારીનું વિકેન્દ્રિકરણ કરી એકને બદલે હવે ત્રણ અધિકારીઓને સ્ક્રુટીનીની જવાબદારી સોંપી છે.

Advertisement

અગાઉના જવાબદારીના ફોર્મેટમાં સુધારો : અત્યાર સુધી શહેરની તમામ અરજીઓની સ્ક્રુટીની સિટી-1 પ્રાંત કરતા હતા, હવેથી પશ્ચિમ વિસ્તારની સિટી-1 પ્રાંત, દક્ષિણ વિસ્તારની જિલ્લા પુરવઠા અધિકારી અને પૂર્વ વિસ્તારની સ્ટેમ્પ ડ્યુટી ડે. કલેકટર સ્ક્રુટીની કરશે

લેન્ડગ્રેબિંગની માટે અગાઉ જે તે વિસ્તારમાંથી અરજી થતી હતી પણ તેના માપદંડ નક્કી કરવા માટે તથા સ્ક્રુટીની કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટરને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ તત્કાલીન કલેકટર દ્વારા આ ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા આ સ્ક્રુટીનીની જવાબદારી સિટી-1 પ્રાંતને સોંપવામાં આવી હતી.

આમ અત્યારે શહેરના તમામ વિસ્તારોમાંથી જે કોઈ લેન્ડગ્રેબિંગની અરજી આવે તો તેના સ્ક્રુટીનીની જવાબદારી સિટી-1 પ્રાંત કે.જી.ચૌધરી સંભાળી રહ્યા હતા. આ ઉપરાંત આ જ કચેરીમાં અશાંતધારાની પણ જવાબદારી હોય કામગીરીનું ભારણ ખૂબ વધુ પ્રમાણમાં હતું.

જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લેન્ડગ્રેબિંગની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે લેન્ડગ્રેબિંગની આંતરિક પ્રક્રિયાના ફોર્મેટમાં સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સિટી-1 પ્રાંત જે શહેરભરની અરજીઓની સ્ક્રુટીની કરતા હતા. તેને બદલે તેઓને હવે માત્ર પશ્ચિમ વિસ્તારની અરજીઓની જ સ્ક્રુટીની કરવાની રહેશે. જ્યારે પૂર્વ વિસ્તારમાંથી આવેલ અરજીઓની સ્ક્રુટીનીની જવાબદારી સ્ટેમ્પ ડ્યુટીના ડેપ્યુટી કલેકટરને સોંપવામાં આવી છે. જ્યારે દક્ષિણ વિસ્તારની અરજીઓની સ્ક્રૂટીનીની જવાબદારી જિલ્લા પુરવઠા અધિકારીને સોંપવામાં આવી છે.

આમ અભિપ્રાય આપવા સહિતની સ્ક્રુટીનીની કામગીરીમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા જવાબદારી વિકેન્દ્રિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવતા હવે લેન્ડગ્રેબિંગની કાર્યવાહીમાં ઝડપ આવશે.

શહેરી વિસ્તારમાંથી દર મહિને  150 અરજીઓનો મારો

લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે અરજદારો દ્વારા દર મહિને શહેરી વિસ્તારમાંથી 150 અરજીઓ કરવામાં આવતી હતી. જેની સ્ક્રુટીનીની કામગીરી એકમાત્ર સિટી-1 પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવતી હતી. આ ઉપરાંત અશાંતધારાની કામગીરી પણ અલગથી કરવાની થતી હતી. જેને પગલે આ કચેરીમાં કામનું સતત ભારણ રહેતું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.