Abtak Media Google News

ઉત્પાદન કેન્દ્ર અને ગોડાઉનમાં ચેકીંગ, ઉત્પાદન અને એક્સપાયર ડેઇટ વિનાની કોલ્ડ કોકો, મસાલા છાશ, કેસર ડ્રાયફ્રૂટ લસ્સી, બેરી’સ ક્વીન લસ્સી, ફ્રેશ પાઇનેપલ લસ્સી, મલાઇ મિશ્રી લસ્સી, મસ્કા ખારી લસ્સી, ચોકો લસ્સી, રોઝ લસ્સીનો 343 લીટર અને વિવિધ ફ્લેવરના ગોલાના સિરપનો 400 લીટરનો અખાદ્ય જથ્થો પકડાયો: નમૂના પણ લેવાયા

Advertisement

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઇન્દીરા સર્કલ પાસે આવેલા કુબેર ફૂડ્ઝના (લસ્સીવાલા-ગોલાવાલા) ઉત્પાદન સ્થળ જ્યારે એરપોર્ટ રોડ પર મારૂતિનગર-2માં આવેલા કંપનીના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ચેકીંગ દરમિયાન 743 લીટર અખાદ્ય લસ્સી અને ગોલાના સીરપનો જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર નાશ કરીને નોટિસ ફટકારી નમૂના લેવામાં આવ્યા હતા. આજે આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી અને ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતા સહિતનો કાફલો શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઇન્દીરા સર્કલ પાસે આવેલા ક્રિષ્નબંધન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં હેમાંગભાઇ દાવડાની માલિકીની પેઢી કુબેર ફૂડ્ઝમાં ત્રાટક્યા હતા.

પેઢીના ઉત્પાદન સ્થળ પર હાજર રહેલા સંચાલક પ્રદિપ આહુજાએ એવું જણાવ્યું હતું કે તેઓ શહેરમાં 6 ફ્રેન્ચાઇઝીમાં ફ્લેવર્ડ લસ્સી, મસાલા છાશ, ફ્લેવર્ડ મિલ્ક વગેરેનું સપ્લાય કરે છે. ચેકીંગ દરમિયાન કોલ્ડરૂમ અને ફ્રિઝમાં સંગ્રહ કરેલી 200 નંગ કોલ્ડ કોકો, 70 નંગ મસાલા છાશ, 52 નંગ કેસર ડ્રાયફ્રુટ લસ્સી, 20 નંગ બેરી’સ ક્વીન લસ્સી, 120 નંગ ફ્રેશ પાઇનેપલ લસ્સી, 120 મલાઇ મિશ્રી લસ્સી, 72 મસ્કા ખારી લસ્સી, 120 નંગ ચોકલેટ લસ્સી, 120 રોઝ લસ્સી, 120 મેંગો લસ્સી, 40 બટરસ્કોચ લસ્સી, 80 નંગ રાજભોગ લસ્સી, 40 નંગ કાજુ ગુલકંદ લસ્સી અને 20 નંગ ડ્રાયફ્રૂટ લોડેડ લસ્સીની ચકાસણી કરવામાં આવી હતી.

તમામ પર કોઇપણ પ્રકારની ઉત્પાદનની તારીખ કે એક્સપાયરી ડેટ લખવામાં આવી ન હોય આશરે 343 લીટરનો જથ્થો જે માનવ આહાર માટે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય તેનો ટીપર વાનમાં સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થામાંથી બેરી’સ ક્વીન લસ્સી અને ફ્રેશ પાઇનેપલ લસ્સીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્પોરેશનની આરોગ્ય શાખાનો કાફલો કુબેર ફૂડ્ઝ પેઢીના એરપોર્ટ રોડ પર મારૂતિ નગર-2માં આવેલા ગોડાઉન પર ત્રાટક્યો હતો. અહિં આઇસ ગોલામાં ઉપયોગમાં લેવાતા ફ્લેવર્ડ સીરપ, સુગર ફ્રી સીરપ, માવા મલાઇ વગેરેનું ઉત્પાદન કરી લસ્સીવાલા અને ગોલાવાલા નામથી બ્રાન્ડ ફ્રેન્ચાઇઝીમાં સપ્લાય કરે છે.

સ્થળ પર તપાસ કરતા સુગર ફ્રી સીરપ બનાવવા માટે સેકરીન પાવડર તેમજ અલગ-અલગ ફ્લેવર્ડ જેવા કે નવરંગ, ફાલસા, સ્ટ્રોબેરી, રાજભોગ, રોજપેટલ્સ, કોલારસ, ઓરિયો, બ્લૂ બેરી, રોઝ, બટરસ્કોચ, ચીકુ, ઓરેંજ, કેટબરી, કાલાખટ્ટા વગેરે ફ્લેવરના સુગર ફ્રી સીરપ તથા કાચી કેરી સુગર ફ્રી સીરપની પાંચ લીટરની 80 બોટલ પર ઉત્પાદન કે એક્સપાયરી ડેઇટ દર્શાવવામાં આવી ન હોય 400 લીટર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સેકરીન આઇસ ગોલાનું કાચી કેરી ફ્લેવર્ડ, સુગર ફ્રી સીરપ અને માવા મલાઇનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

મોહીની સિઝન સ્ટોર્સ અને મંગલમ્ ડ્રગ્સ હાઉસ સહિત 6ને નોટિસ

આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના એસ્ટ્રોન ચોકથી મહાકાળી મંદિર સુધીના વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ચેકીંગ અંતર્ગત આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા મોહિની સિઝન સ્ટોર્સ, મંગલમ ડ્રગ્સ હાઉસ, શ્રીનાથજી મેડીકલ સ્ટોર્સ, એ ટુ ઝેડ પાન શોપ, કુમાર જનરલ સ્ટોર અને જલારામ પાન સેન્ટરને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 25 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અફઘાન, માવા બદામ આઇસ્ક્રીમ અને સુગર ફ્રી સિરપનો નમૂનો લેવાયો

આજે આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ આઠ સ્થળે ખાદ્ય સામગ્રી નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં કુબેર ફૂડઝમાંથી લસ્સીવાલા બેરી’સ ક્વીન લસ્સી, ફ્રેશ પાઇનેપલ લસ્સી, લૂઝ સેકરીન, આઇસ ગોલાનું કાચી કેરી ફ્લેવર્ડ સુગર ફ્રી સિરપ, માવા મલાઇના નમૂના લેવાયા હતા. જ્યારે અંબિકા ટાઉનશીપમાં જીવરાજ પાર્ક મેઇન રોડ પર ભાગ્યશ્રી ફાસ્ટ ફૂડ એન્ડ કોઠી આઇસ્ક્રીમ લૂઝ અફઘાની મેવા કોઠી આઇસ્ક્રીમ, શ્રીજી આઇસ્ક્રીમમાંથી લૂઝ માવા બદામ આઇસ્ક્રીમ જ્યારે બોલબાલા માર્ગ પર શ્રીરામ ગોલા એન્ડ સિઝન સ્ટોર્સમાંથી આઇસ ગોલાનું કેટબરી ફ્લેવર સિરપનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.