Abtak Media Google News

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે બજેટ રજૂ કરશે: ચેરમેન પુષ્કર પટેલ સિવાય સ્ટેન્ડિંગના તમામ સભ્યો નવા હોય બજેટના અભ્યાસમાં અઠવાડિયાથી વધુ સમય પસાર થવાની સંભાવના

રાજકોટ મહાનગરપાલિકામાં શાસક વિંગ કાર્યરત થઈ જવા પામી છે. આવતા સપ્તાહે મંગળવારે પેટા સમીતીઓના ચેરમેનની વરણી કરવા માટે નવનિયુક્ત મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. ત્યારે આગામી સોમવારે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા મહાપાલિકાના વર્ષ 2021-22 માટેનું ડ્રાફટ અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવશે. ચેરમેન પુષ્કર પટેલને બાદ કરતા તમામ સભ્યો પ્રથમવાર સ્ટેન્ડિંગમાં આવ્યા હોવાના કારણે અભ્યાસમાં આઠ દિવસથી વધુ સમય વીતી જાય તેવી શકયતા જણાય રહી છે. દરમિયાન હોળી પહેલા બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવશે.

સામાન્ય રીતે નિયમોનુસાર મહાપાલિકાનું બજેટ 20મી ફેબ્રુઆરી સુધીમાં જનરલ બોર્ડમાં મંજૂર કરી રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગને મોકલી દેવાનું હોય છે પરંતુ આ વર્ષે ચૂંટણી હોવાના કારણે શાસક વિંગ અસ્તિત્વમાં જ નહતી અને મહાપાલિકામાં વહીવટદાર શાસન હતું. આવામાં રાજ્ય સરકાર દ્વારા બજેટ મંજૂર કરવા માટે બે મહિનાની મુદત આપવામાં આવી છે અને 20મી એપ્રીલ સુધીમાં બજેટ મંજૂર કરી મોકલવાની છુટ અપાય છે.

ગઈકાલે મહાપાલિકામાં મેયર, ડે.મેયર, સ્ટે.કમીટીના ચેરમેન. શાસક પક્ષના નેતા અને પક્ષના દંડકની નિમણૂંક કરી દેવામાં આવી છે. આગામી મંગળવારે 15 પેટા સમીતીની પણ રચના થઈ જશે. તેના એક દિવસ પહેલા એટલે કે સોમવારે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સ્ડેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે બજેટ રજૂ કરી દેવામાં આવશે. સવારે 11:30 કલાકે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ બજેટ રજૂ કર્યા બાદ કમિશનર દ્વારા પત્રકાર પરિષદમાં બજેટ અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરાશે.

સામાન્ય રીતે મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા ડ્રાફટ બજેટ પર સ્ટેન્ડિંગ કમીટી સતત એક સપ્તાહ સુધી અભ્યાસ કરી બજેટમાં જરૂરી સુધારા વધારા કરી નવી યોજનામાં સમાવેશ કરી બજેટમાં બહાલી આપતી હોય છે  અને આખરી મંજૂરી માટે બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતું હોય છે પરંતુ હાલ મહાપાલિકામાં સ્ટે.કમીટીના જે 12 સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે તેમાં એકમાત્ર પુષ્કરભાઈ પટેલ જ સ્ટેન્ડિંગ કમીટીનો અનુભવ ધરાવે છે. બાકીના તમામ 11 સભ્યો સ્ટેન્ડિંગ કમીટીની કાર્યવાહીથી બિનઅનુભવી છે. આવામાં બજેટના અભ્યાસમાં સ્ટેન્ડિંગ કમીટી એક સપ્તાહથી પણ વધુ સમય લે તેવું હાલ દેખાય રહ્યું છે. બીજી તરફ રાજકોટવાસીઓએ જે પ્રકારનો જનાદેશ આપ્યો છે તેની રીટર્ન ગીફટ આપવા માટે પણ સ્ટેન્ડિંગ કમીટી દ્વારા પ્રયાસ કરવામાં આવશે. આવતા સપ્તાહે બજેટ રજૂ કરાયા બાદ સ્ટેન્ડિંગ કમીટી બજેટને આખરી બહાલી આપી દેશે અને ધુળેટી પહેલા બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરી સરકારમાં મોકલી દેવાશે.

ચાલુ નાણાકીય વર્ષના બજેટનું કદ 2070 કરોડ આસપાસનું હતું. દરમિયાન નવા નાણાકીય વર્ષના બજેટનું કદ 2200 કરોડ આસપાસનું રહે તેવી સંભાવના રહેલી છે. મ્યુનિ.કમિશનર દ્વારા બજેટમાં વેરો વધારવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવી શકયતા જણાય રહી છે જો કે દર વખતેની પરંપરા મુજબ મ્યુનિ કમિશનર કર વધારવાની દરખાસ્ત રજૂ કરવામાં આવે તેને સ્ટેન્ડિંગ દ્વારા ફગાવી દેવામાં આવે છે. આ વખતે રાજકોટવાસીઓએ ભાજપ તરફી પ્રચંડ જનાદેશ આપ્યો હોય શાસકો શહેરીજનો પર એક પણ રૂપિયાનો કરબોજ લાદે તેવી કોઈ જ શકયતા દેખાતી નથી. બજેટમાં આંખોને આંઝી દે તેવી કેટલીક યોજના લાગુ કરાય તેવુ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.