Abtak Media Google News
  • બે માસમાં એફઆઈઆર, એરેસ્ટ મેમો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઈન્કવાયરી રિપોર્ટ સહિતના તમામ કાગળો રજૂ કરવા આદેશ

રાજકોટના માલવિયાનગર પોલીસ મથકમાં બનેલી ડબલ કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રાજ્ય પોલીસવડા, રાજ્ય માનવ અધિકાર આયોગના સેક્રેટરી, રાજકોટ જિલ્લા કલેક્ટર અને રાજકોટ પોલીસ કમિશ્નરને નોટીસ ફટકારી છે. બે માસની અંદરમાં ડબલ કસ્ટોડિયલ ડેથ મામલાની એફઆઈઆર, અરેસ્ટ મેમો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઈન્કવાયરી રિપોર્ટ સહિતના તમામ કાગળો રજૂ કરવા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે આદેશ આપ્યા છે.

Advertisement

શહેરના માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં ગત તા. 14 એપ્રિલની રાત્રે પાડોશીઓ વચ્ચે થયેલા ડખ્ખામાં સમાધાન કરવા ગયેલા હમીર ઉર્ફે ગોપાલ રાઠોડ, રાજેશ સોલંકીની પોલીસે અટકાયત કરી હતી. બંનેને પોલીસ મથકે લઇ જઈને માર મારવામાં આવતા તા. 16 એપ્રિલના રોજ હમીર રાઠોડનું મોત નીપજ્યું હતું અને તેના પાંચેક દિવસ બાદ રાજેશ સોલંકીએ પણ સારવાર દરમિયાન દમ તોડતા સમગ્ર મામલો ડબલ કસ્ટોડિયલ ડેથમા રૂપાંતરિત થયો હતો.

મામલામાં માલવિયાનગર પોલીસ મથકના એએસઆઈ અશ્વિન જેઠા કાનગડ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યા બાદ એએસઆઈ ફરાર થઇ ગયો હતો. જો કે, થોડા દિવસો બાદ અશ્વિન કાનગડ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર થતાં માલવિયાનગર પોલીસે એએસઆઈની ધરપકડ કરી હતી. હાલ સમગ્ર મામલાની તપાસ એસીપી બી જે ચૌધરી ચલાવી રહ્યા છે.

ઘટનાને પગલે અમદાવાદની એક એનજીઓ દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, રાજ્ય માનવ અધિકાર આયોગના સેક્રેટરી, રાજકોટ જિલ્લા કલેક્ટર અને રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને નોટીસ ફટકારી છે. માનવ આયોગે એફઆઈઆર, અરેસ્ટ મેમો, અટકાયત બાબતની પરિવારને કરાયેલી જાણ, મરનારનું મેડિકલ લીગલ સર્ટિફિકેટ, પોસ્ટમોર્ટમનું વિડીયો શૂટિંગ, કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ, મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલી ઈન્કવાયરીનો રિપોર્ટ, એફએસએલ અને વિશેરાનો રિપોર્ટ અને ઘટનાસ્થળનો નકશો સહિતના તપાસમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો બે માસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને સર્વગ્રાહે રજૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

માલવિયાનગર પોલીસ મથકમાં બનેલી ડબલ કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં અનેકવાર તપાસમાં ઢીલી નીતિ અંગેનો આક્ષેપ મૃતકના પરિજનો અને દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ પિક્ચરમાં આવતા સમગ્ર મામલે બે માસમાં તપાસને લગતા તમામ કાગળો રજૂ કરવા આદેશ છૂટ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.