Abtak Media Google News
  • 53 કરોડના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું: જીએસટી અલગથી ચૂકવાશે: ઓનલાઇન ટેન્ડર સબમિશનની છેલ્લી અવધી 4 માર્ચ, 11મીએ પ્રિબીડ ઓપન કરાશે

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલો અંગ્રેજના જમાનાના સાંઢીયા પુલનું આયુષ્ય પૂર્ણ થઇ ગયું હોય અહિં કરોડો રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જીએસટી સાથે રૂ.62.60 કરોડના ટેન્ડરમાં એલ-1 પાર્ટીએ 20 ટકા ઓનની માંગણી કરતા રિ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે નવા નિયમ મુજબ જીએસટી અલગથી ચુકવવાનો હોય 53 કરોડની ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હયાત સાંઢીયા પુલની જગ્યાએ નવો ફોર લેન બ્રિજ બનાવવામાં આવશે. જેની પ્રોજેક્ટ કોસ્ટ જીએસટી સહિત રૂ.62.60 કરોડ જેવી થવા પામે છે. સેન્ટ્રલ સ્પાનની લંબાઇ 36 મીટર છે. જ્યારે સિવિલ હોસ્પિટલ તરફની લંબાઇ 298 મીટર અને જામનગર રોડ તરફની લંબાઇ 268 મીટરની રહેશે. રેલવેના પાટાથી 6.25 મીટરની ઉંચાઇએ બ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. રાજકોટમાં આ પહેલો એવો બ્રિજ હશે કે જેમાં હયાત બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાનું થાય છે. જેના કારણે બ્રિજ નિર્માણની સમય અવધિ 24 મહિનાની રાખવામાં આવી છે.

જીએસટી સાથે 62.60 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ એજન્સીઓ ટેન્ડર ઉપાડ્યા હતા. એલ-1 એજન્સીએ 20 ટકા ઓન સાથે ઓફર આપી હતી. નેગોશિયેશનમાં પણ ઓનમાં ઘટાડો કરવાની તૈયારી દાખવવામાં આવી ન હતી. જેના કારણે કોર્પોરેશન દ્વારા રિ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે. હવે 53 કરોડનું ટેન્ડર કોસ્ટ રાખવામાં આવી છે. જ્યારે 18 ટકા જીએસટી અલગથી ચૂકવવામાં આવશે. ટેન્ડરના ઓનલાઇન સબમિશનની અંતિમ અવધિ ચાર માર્ચ છે. 11મી માર્ચે પ્રિબીડ ઓપન કરવામાં આવશે. જેમાં ઓન આવશે તો આખરી નિર્ણય મ્યુનિ.કમિશનર પર છોડી દેવામાં આવે તેવી શક્યતા પણ જણાઇ રહી છે. બીજી તરફ બ્રિજ નિર્માણ માટે ડાયવર્ઝનનો પ્રશ્ર્ન હલ થઇ ગયો છે.

સર્વેશ્વર ચોકમાં 4.75 કરોડના ખર્ચે બનશે નવો વોંકળો: ટેન્ડર પ્રસિધ્ધ

શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં ગણેશ મહોત્સવ દરમિયાન શિવમ કોમ્પ્લેક્સ પાસે વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક વૃદ્વાનો મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ કોર્પોરેશન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે અહિં વર્ષો જૂનો વોંકળો તોડી પાડી તેના સ્થાને આરસીસી બોક્સ કલ્વર્ટ બનાવવામાં આવશે. રૂ.4.75 કરોડના ખર્ચે નવો વોંકળો બનાવવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. સર્વેશ્ર્વર ચોકમાં મેહુલ્સ કિચનથી લઇ યાજ્ઞિક રોડ ક્રોસ કરી રાજકોટ નાગરિક બેંક સુધીના 100 મીટર વિસ્તારમાં વોંકળો બનાવવામાં આવશે. જેની પહોળાઇ 9 મીટરની રહેશે. આ કામ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.