સૌરાષ્ટ્ર- તામિલ સંગમને લઈને કાલે મદુરાઈમાં રોડ શો

કલેકટર અરુણ મહેશ બાબુ રોડ શોમાં સામેલ થવા મદુરાઇ જવા રવાના, અનેક નેતાઓ પણ આપશે હાજરી

સૌરાષ્ટ્ર- તામિલ સંગમને લઈને કાલે મદુરાઈમાં રોડ શો યોજાનાર છે. આ રોડ શોમાં સામેલ થવા કલેકટર અરુણ મહેશ બાબુ મદુરાઇ જવા રવાના થયા છે. આ ઉપરાંત અનેક નેતાઓ પણ રોડ શોમાં હાજરી આપવાના છે.

લગભગ 600 થી 1000 વર્ષ પહેલાંના સમયગાળા વચ્ચે થયેલા આક્રમણોને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરીને અનેક લોકો તમિલનાડુના મદુરાઈની આસપાસના જિલ્લાઓમાં સ્થાયી થાય હતા, જે આજે પણ તમિલ સૌરાષ્ટ્રિયન તરીકે ઓળખાય છે. આ લોકોને ફરી પોતાના પૂર્વજોના વતન સાથે રૂબરૂ કરાવવા તેમજ ઉદ્યોગ, હાથ વણાટ, શિક્ષણ, સંસ્કૃતિ અને રમત-ગમતને આવરી લેવા માટે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ સદીઓના અંતરાલ પછી આ લોકોનું સૌરાષ્ટ્ર સાથેનું અનોખું પુન:મિલન હશે, જે એક ઐતિહાસિક ઘટના હશે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત 15 દિવસના આ પ્રવાસમાં વેબસાઇટ પર રજીસ્ટ્રેશન બાદ સિલેક્ટ થયેલા મહેમાનોને સ્પેશ્યલ ટ્રેન વડે ગુજરાતમાં લાવવામાં આવશે. આ મહેમાનો ગુજરાતમાં સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) જેવા સ્થળોની મુલાકાત લેશે. આ કાર્યક્રમના મુખ્ય સ્થળ સોમનાથ ખાતે 15 દિવસ દરમિયાન કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ – વાણિજ્ય, યુવા અને શિક્ષણ સંબંધીત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમને લઈને દક્ષિણના અનેક શહેરોમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામેલ થવા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ પણ બપોર બાદ મદુરાઇ જવા રવાના થયા છે. આ ઉપરાંત રોડ શોમાં ગુજરાતના અનેક નેતાઓ પણ ભાગ લેવાના હોવાનું જાણવા મળ્યું છે.