Abtak Media Google News

18 વર્ષ પહેલા કમિશનર મુકેશકુમારને પાણી પ્રશ્ર્ને રજુઆત વેળાએ તોડફોડ કરી ફરજમાં રૂકાવટ કરવામાં કોંગીના 6 કોર્પોરેટરો સહિત 13 સામે ગુનો નોંધાયો હતો

રાજકોટ મહાપાલિકામાં 18 વર્ષ પહેલા કમિશનરને પાણી પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા ત્યારે ચેમ્બરમાં તોડફોડ કરી ફરજમાં રૂકાવટ કરવાના ગુનાનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને કોંગ્રેસ આગેવાનો સહિત 10 શખ્સોને છોડી મુકવાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ રાજકોટ મ્યુ.કમિશનર મુકેશકુમારને પાણી પ્રશ્ને વર્ષ-2004માં શહેર કોંગ્રેસના આગેવાનો અને નગરસેવકો રજૂઆત કરવા ગયેલા ત્યારે વાતાવરણ ઉગ્ર બનતા કમિશનરની ચેમ્બરમાં તોડફોડ કરી, કમિશનરના ચશ્મા તોડી, સરકારી કાગળો ફાડી નાખી નુકશાન કરી તેમજ ફરજમાં રૂકાવટ કર્યાની એ.ડીવીઝન પોલીસ મથકમાં વિજીલન્સ શાખાના પી.આઈ. જાડેજાએ ફરીયાદ નોંધાવી હતી.પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કોર્પોરેટર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, નિતીન નથવાણી, શકીલ રફાઈ, સતુભા જાડેજા, બહાદુર સિંધવ, વિજય ચૌહાણ અને કોંગી અગ્રણી પ્રવિણ સોરાણી, ગોવિંદ સભાયા, જગદીશ પુરબીયા અને જયંત ઠાકર સામે ગુનો નોઘ્યો હતો. પોલીસ સ્ટાફે તમામની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યુ હતુ. જે કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા સરકાર તરફે કમિશનર મુકેશકુમાર, તપાસનીસ અને ફરીયાદીને તપાસવામાં આવેલા હતા.

તેમજ કેસની સુનાવણી દરમ્યાન ત્રણ શખ્સોના મૃત્યુ નિપજ્યા હોવાથી તેઓને એબેટ કરવામાં આવ્યા હતા.જ્યારે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત-મૌખિક દલીલમાં તત્કાલીન મ્યુનિ.કમિશનર મુકેશકુમારની જુબાની જોતા કોઈ પણ વ્યકિત સામે નામજોગ જુબાની આપેલ નથી. તેમજ આરોપીઓએ કોઈ પણ પ્રકારની ચોક્કસ ભૂમિકા ભજવેલ ન હોય બનાવ અંગે તમામ સાહેદોમાં વિરોધાભાષ નિવેદનો છે. હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ટાકેલા ચુકાદાઓ અને બચાવ પક્ષની દલીલ ઘ્યાને લઈ એડી.ચીફ.જયુડી.મેજીસ્ટ્રેટે તમામ શખ્સોને છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસમાં પ્રવિણ સોરાણી વતી એડવોકેટ તરીકે દિપક ત્રિવેદી, પથીક દફતરી, ભાવીન દફતરી, નુપુર દફતરી, નેહા દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, હાર્દિક મહેતા, વિક્રાંત વ્યાસ, પાર્થ જાની, હસમુખભાઈ પરમાર અને પરેશ કુકાવા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.