Abtak Media Google News

પ્રૌઢે સારવારમાં દમ તોડતા પરિવારમાં માતમ: આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથધરી

પરિવારજનોએ આરોપીની અટકાયત ન કરે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની દીધી ચીમકી

શહેરના પોપટપરા સેન્ટ્રલ જેલની પાછળ આવેલા નકલંગપરામાં રહેતા પ્રૌઢે પત્ની,સાળા અને નિવૃત પોલીસમેનના ત્રાસ અને ધમકીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું. પોલીસે પ્રૌઢ પાસેથી સ્યુસાઇડ નોટ કબજે કરી પત્ની અને નિવૃત પોલીસમેન સહિતના શખ્સો સામે આપઘાતની ફરજનો ગુનો નોંધી તજવીજ આદરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સેન્ટ્રલ જેલ પાછળ રૂખડીયા પરા પાસે નકલંગપરામાં રહેતા અયુબભાઈ યુસુફભાઈ કુરેશી ઉ.વ.45 એ પોતાના ઘરે કપાસમાં છાટવાની ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેમને સારવારમાં દમ તોડતા પરિવારમાં માતમ છવાયો છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યાત્રાની બસના ડ્રાયવર તરીકે નોકરી કરતા અયુબભાઈના લગ્ન 25 વર્ષ પહેલા રૂકસાના સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્નીનું સંયુક્ત બેંક ખાતું હોય, અયુબભાઈ પોતાની કમાણીના પૈસા સંયુક્ત ખાતામાં જમા કરાવતા હતા જેમાંથી પત્નીએ કટકે-કટકે સાડા નવ લાખ તેના ભાઈ ઇમરાન બેલીમને ધંધો કરવા માટે આપી દીધા હતા.

પાંચેક વર્ષ પહેલા અયુબભાઇએ પોતાના સાળા અને પત્ની પાસે પૈસાની માંગણી કરતા ઘરમાં ઝઘડા થવા લાગ્યા હતા. જેના કારણે પત્ની માવતરે રીસામણે જતી રહી હતી અને મોરબીના નિવૃત પોલીસમેન આમદ હુસેન બેલીમ, સાળા ઇમરાન બેલીમ અને હનીફ બેલીમ સહિતના ચારેય શખ્શોએ અયુબભાઈ સામે મહિલા પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનોમાં ખોટી ફરિયાદ અરજી કરી હેરાન કરતા હતા અને પૈસા પાછા નહિ મળે તેવી ધમકી આપતા હતા. ઉલટાનું પત્નીને પરત જોતી હોઈ તો અમને એક લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી સાળા સહિતના શખ્શો ધમકાવતા હતા.માવતરે ગયેલી પત્ની પરત આવતી ન હોય અયુબભાઇએ થોડા સમય પહેલા બીજા લગ્ન કરી લીધા હતા. જેના કારણે પ્રથમ પત્નીના પેટમાં તેલ રેડાતા બીજી ઘરવાળીને છુટાછેડા આપી દે તો હું પરત આવું તેમ કહી અયુબભાઇને મનાવી લીધા હતા. પ્રથમ પત્નીની વાતોમાં આવી જઈ અયુબભાઈએ બીજી પત્નીને તલાક આપી દીધા હતા.

ત્યારબાદ પ્રથમ પત્ની પરત આવવાને બદલે ફરી પૈસા આપો તો જ પરત આવું તેવો આલાપ છેડવા લાગ્યા હતા અને ફરી ધાકધમકી અને પોલીસ ફરિયાદની ધમકી આપવા લાગતા અંતે ચારેય શખ્સોના ત્રાસથી કંટાળી જઈ અયુબભાઇએ સ્યુસાઇડ નોટ લખી ઝેરી દવા પી લીધી હતી. આ બનાવની પ્ર.નગર પોલીસના પીઆઇ ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ કનુંભાઈ માલવીયા અને સ્ટાફે ચારેય શખ્સો સામે આપઘાતની ફરજનો ગુનો નોંધવા તજવીજ આદરી છે. એક સમયે અયુબભાઈના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા માટે ઇન્કાર કરી રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.