Abtak Media Google News

રિસર્ચથી સારવારની પધ્ધતિમાં બદલાવ લાવી સારૂ પરિણામ લાવી શકાશે ફોરેન્સિક નિષ્ણાંત ડો.હેતલ કિયાડા

પોસ્ટમોર્ટમ કરનાર તબીબ વાયરસથી બચે તેની તકેદારી રખાશે

પોસ્ટમોર્ટમ માટે તૈયાર કરાયેલા ઓટોપ્સી બ્લોકની આરોગ્ય સચિવ જયંતિ રવિ અને ડો.રાહુલ ગુપ્તાએ મુલાકાત લીધી

ભોપાલની એઇમ્સમાં એક પોસ્ટમોર્ટમ બાદ રાજકોટની મેડિકલ કોલેજમાં જુદી જુદી ઉંમરના કોરોનાગ્રસ્ત મૃતકના પોસ્ટમોર્ટમ કરવા ખાસ વ્યવસ્થા કરાઇ

સમગ્ર વિશ્વ કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા રિસર્ચ કરી રહ્યા છે. ત્યારે રાજકોટની મેડિકલ કોલેજમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં કયાં પાર્ટ પર શુ અસર કરે છે તે અંગેની જાણકારી મેળવવા માટે મેડિકલ કોલેજમાં જુદી જુદી ઉમરના મૃતક ૨૦ કોરોનાગ્રસ્ત દર્દીના પોસ્ટમોર્ટમ કરવા રિસર્ચ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોરોના પોઝિટીવ મૃતકના પોસ્ટમોર્ટમ માટે તૈયાર કરાયેલા ઓટોપ્સી બ્લોકની આરોગ્ય સચિવ જંયતી રવિ અને નોડલ ઓફિસર ડો.રાહુલ ગુપ્તા દ્વારા મુલાકાત કરવામાં આવી છે. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના વડા હેતલ કિયાડાના વડપણ હેઠળ રિસર્ચ કરવામાં આવશે રિસર્ચ બાદ કોરોના દર્દીને કેવા પ્રકારની શુ સારવાર આપી શકાય તે જાણી કોરોના સામેની લડાઇમાં મહત્વની સફતા મળી રહેશે તેમ જણાવ્યું છે.

કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા તથા સંક્રમણ અટકાવવા માટે સમગ્ર વિશ્વ એકજુથ થઈને લડી રહ્યું છે. ભારત અને ગુજરાતમાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ માટે ખૂબ જ સારા સમાચાર છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો છે. આ રિસર્ચ દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યા-ક્યાં આંતરીક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે ? તે જાણી શકાશે. જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તે મુજબ તેની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરીને કોરોના સામેની લડાઈમાં વિજ્ય હાંસલ કરી શકાશે. રાજકોટને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની વિસ્તૃત વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથાકોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડા જણાવે છે કે, કોવિડ- ૧૯ એક નવા પ્રકારની બિમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે ? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે, તેનું શબ પરિક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવશે. જેના દ્વારા જાણી શકાશે કે માનવ શરીર પર થતી અસરો તથા તેને અટકાવવાના ઉપાયો જાણી શકાશે. આ ઉપાયો વડે અન્ય દર્દીની સારવાર માટેના પગલાં વધુ સુદ્ઢ બનાવી શકાશે. કોરોના મહામારીને રોકવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તેના માટે આ મંજુરી માઈલસ્ટોન સાબિત થશે.

કોવિડ – ૧૯ મહામારીના કારણે જેનું મૃત્યુ થયુ છે, તેના સગા સબંધીઓની સંમતી વિના આ કાર્ય શક્ય નથી. તેમ જણાવતાં ડો. હેતલ ક્યાડા ઉમેરે છે કે, જે પરિવાર આ માટે આગળ આવશે તેમના સ્વજનના કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેના પરિક્ષણ બાદ તે મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાઈ નહી તે માટે સરકારની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ભારતભરમાં સંભવત: એઈમ્સ ભોપાલ ખાતે માત્ર એક જ મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સી કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટને મંજુરી આપવામાં આવી છે. કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચમાં કોરોનાના ચેપ સિવાય અન્ય કોઈ ગંભીર બિમારી ન હોય તેવા તમામ ઉમરના લોકો તથા હોસ્પિટલમાં ઓછામાં ઓછા પાંચ દિવસ કે તેથી વધારે દિવસ સારવાર લીધા બાદ મૃત્યુ થયુ હોય તેનો સમાવેશ કરવામાં આવશે. આ રિસર્ચમાં કોરોનાના ચેપ સિવાય અન્ય કોઈ ગંભીર બિમારી હોય અને એવા લોકો કે જેનું વાયરસના સંક્રમણના કારણે ટુંકાગાળામાં મૃત્યુ નિપજ્યુ હોય તેનો સમાવેશ કરવામાં નહી આવે. જેનું ટુંકાગાળામાં મૃત્યુ નિપજ્યુ હોય તેવા શરીરમાં વાયરસનું પ્રમાણ વધારે હોવાથી તેની ઓટોપ્સી જોખમી બની શકે છે.

રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથાકોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડાના નેતૃત્વમાં તૈયાર કરાયેલા આ ઓટોપ્સી બ્લોક (પોર્ટમોર્ટમ રૂમ)ની અગ્ર સચિવ જયંતી રવી તથા નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા દ્વારા રૂબરૂ મુલાકાત લઈને જરૂરી સુચનો કર્યા હતા. તે સમયે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને સિવીલ સુપ્રીટેન્ડન્ટ  પંકજ બુચ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, આ રિસર્ચમાં રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજનો ફોરેન્સિક વિભાગ, પેથોલોજી વિભાગ તેમજ દર્દીની સારવારમાં મહત્વની કામગીરી કરતો મેડીસીન વિભાગ તથા અતિ સુક્ષ્મ અને બારીક સંશોધનો કરવામાં અગ્રેસર એવો માઈક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટ મહત્વનો ભાગ બની રહેશે તેમ ફોરેન્સિક નિષ્ણાંત ડો. હેતલ કયાડાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.