Abtak Media Google News

મામલતદાર કચેરીના આઉટ સોર્સના બન્ને કર્મચારી પાસેથી રૂા.9.24 લાખની રોકડ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.ડી.ઝાલાએ કબ્જે કરી

શહેરના પૂર્વ વિભાગના મામલતદાર કચેરીમાં કોન્ટ્રાકટ બેઇઝ બે કર્મચારીઓએ બેન્ક ચલણના બોગસ સિક્કા બનાવી સુચિત સોસાયટી માટે જંત્રી મુજબની રકમ જમા કરાવતી વ્યક્તિની રકમ બારોબાર હડપ કરતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના નવ નિયુકત પી.એસ.આઇ. પી.ડી.ઝાલા સહિતના સ્ટાફે ઝડપી ચાર દિવસના રિમાન્ડ પર લેતા બંને ભેજાબાજે અત્યાર સુધીમાં છ વ્યક્તિઓ સાથે રૂા.15.94 લાખની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે.

Advertisement

જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતા અલ્પેશ મોહન ગડીયેલ અને મોરબી રોડ નવા જકાત નાકા પાસે જમના પાર્કમાં રહેતા વિવેક ઘનશ્યામ રોઠોડ નામના શખ્સો સુચિત સોસાયટીનો પ્લોટ રેગ્યુલાઇઝ કરાવવા આવતી વ્યક્તિને જરૂરી જંત્રીની રકમ ભરવા માટે બહુમાલી ભવનમાં મોકલતા ત્યારે અગાઉથી જ બંને શખ્સોનો મળતીયો ત્યાં ઉપસ્થિત તેમની રકમ સ્વીકારી ચલણમાં બોગસ સિક્કો લગાવી દેતો હોવાની તેમજ આ રકમ સરકારી તિજોરીમાં જમા થઇ ગયાનું વેરીફીકેશન બુધ્ધી પૂર્વક કરી આપતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એ.સી.પી. બી.બી.બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા, પી.આઇ. જે.વી.ધોળા, પીએસઆઇ એ.બી.વોરા, પીએસઆઇ પી.ડી.ઝાલા અને એભલભાઇ સહિતના સ્ટાફે બંને શખ્સોને રેસકોર્ષ રીંગ રોડ પરથી ઝડપી લીધા હતા. તેની પાસેથી રૂા.9.24 લાખ રોકડા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો રબ્બર સ્ટેમ્પ, ટ્રેઝરી ઓફિસનો રબ્બર સ્ટેમ્પ, નાણા ભરવાનું બનાવટી ચલણ કબ્જે કર્યુ હતું.

બંને ભેજાબાજે મનિષભાઇ રાઠોડ પાસેથી રૂા.2.17 લાખ, પ્રસાંત ઘનશ્યામભાઇ દુબલ પાસેથી રૂા.1.70 લાખ, રમણીકભાઇ કાપડીયા પાસેથી રૂા.88 હજાર, રૂગનાથભાઇ છાટબાર પાસેથી રૂા.76 હજાર અને યોગેશભાઇ દવે પાસેથી રૂા.8.67 લાખ મળી રૂા.15.94 લાખની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે. બંને શખ્સો રાજકોટ પૂર્વ વિભાગ મામલતદાર કચેરીના આઉટ સોસ કર્મચારી અલ્પેશ મોહન ગડીયલ અને વિવેક ઘનશ્યામ રાઠોડને ચાર દિવસના રિમાન્ડ પર મેળવી અન્ય કેટલી વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી તે અંગે પૂછપરછ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.