Abtak Media Google News

સિટી બસના 20 સ્ટોપ પર જાહેરાતનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવા સુચના

ત્રિકોણબાગ પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરવા તાકીદ

રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને બીઆરટીસી બસની સેવા વિશે માહિતી મેળવવા આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ કંટ્રોલ રૂમ,  ત્રિકોણ બાગ, ઈ-બસ ચાર્જીંગ ડેપો, અમુલ સર્કલ અને સિટી બસ માટે બનાવેલ સ્માર્ટ બસ સ્ટોપની રૂબરૂ વિઝિટ કરી હતી.

Advertisement

ત્રિકોણ બાગ ખાતેના કંટ્રોલ રૂમની મુલાકત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ સ્માર્ટ બસ સ્ટોપના ડિજિટલ ડિસ્પ્લે બોર્ડમાં રૂટ પર રહેલી બસની વાસ્તવિક સ્થિતિ દર્શિત થાય તે મુજબ ઇન્ટીગ્રેશન કરવા, તેમજ હોસ્પિટલ ચોક બ્રિજના કારણે ડાયવર્ટ કરવામાં આવેલ બસ રૂટની વિગત અપડેટ કરવા, કામગીરી પૂર્ણ થયેલ છે તેવા 20 બસ સ્ટોપ તેમજ કામગીરી બાકી છે તેવા 20 બસ સ્ટોપ પર જાહેરાતના હક્કો આપવા સુચના મુજબ ટેન્ડર પ્રસિધ્ધ કરવા, કંટ્રોલ રૂમ ખાતે બસ રૂટના ડિજિટલ ટાઈમ ટેબલ ડિસ્પ્લે થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

કમિશનરે ઇ-બસ ચાર્જીંગ ડેપો ખાતેની મુલાકાત દરમ્યાન મેનપાવર અને અન્ય રિસોર્સ વધારી બસ ચાર્જીંગ ડેપોની કામગીરી ઝડપી પૂર્ણ કરવા અને ત્રિકોણ બાગ ચોક ખાતે કંટ્રોલ રૂમ પાસે વરસાદી પાણીના કાયમી નિકાલ માટેની કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર સુચના આપી હતી તેમજ આગામી ટૂંક સમયમાં ઇ-બસની બેટરી, બસની સ્પીડ, કુલિંગ વિગેરે પરફોર્મન્સની મ્યુનિ. કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.