Abtak Media Google News

ક્રિસ્ટલ મોલમાં આવેલા રેસ્ટોરન્ટનમાં લુખ્ખાગીરી કરતા ચાર સામે નોંધાતો ગુનો

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ મારામારી અને લૂંટના બનાવો દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં આવેલા એશિયા નામના રેસ્ટોરન્ટમાં કાલે રાત્રીના ચાર લુખ્ખાઓએ મફતમાં પાર્સલ લઈ જઈ ત્યાંના મેનેજરને છરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેને પોલીસ ફરિયાદ કરતા પોલીસે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

વિગતો મુજબ વૃંદાવન સોસાયટીમાં રહેતા અને ક્રિસ્ટલ મોલમાં આવેલા રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતાં ધર્મેશભાઇ છગનલાલ ખટીકે (ઉ.વ.32) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાગર, દિવ્યેશ, મહેશ અને પરેશના નામ આપ્યા હતા.ધર્મેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.2ના સવારે પોતે રેસ્ટોરન્ટમાં હતા ત્યારે બે શખ્સો આવ્યા હતા અને તેમણે ફ્રેન્ચ ફ્રાય અને ચિકન ફ્રાયના ઓર્ડર આપ્યા હતા, બંને વસ્તુ તૈયાર થઇ જતાં તેનું પાર્સલ કરી આપતા તે બંને પાર્સલ લઇને ચાલતા થયા હતા, મેનેજર ધર્મેશભાઇએ પાર્સલના રૂ.250 માગતા તે બંનેએ અહિયા મફતમાં જ લઇએ છીએ, તું બદલી કરાવીને જતો રહેજે, અમારી વિરૂધ્ધ ફરિયાદ કરીશ તો એટ્રોસીટીના કેસમાં ફિટ કરાવી દઇશું અને પૈસા ચૂકવ્યા વગર જતા રહ્યા હતા તે બંને વાતો કરતા હતા ત્યારે તેમના નામ સાગર અને દિવ્યેશ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ પાંચ દિવસ પૂર્વે મહેશ અને પરેશના નામના શખ્સ આવ્યા હતા અને તેમણે પણ રૂ.400ની કિંમતની અલગ અલગ વસ્તુનું પાર્સલ કરાવીને ચાલતી પકડી હતી અને તેના પૈસા માગતા તેણે રેસ્ટોરન્ટની બહાર નીકળવું છે ને બહાર નીકળીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી અને પેટમાં છરી મારવાનો ઇશારો કર્યો હતો. અંતે આ મામલે ધર્મેશભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.