રાજકોટ: ઘર પાસે સિગારેટ પીવાની ના પાડતા યુવક વીફર્યો, માતા-પુત્રને પાડોશીએ લમધાર્યા

શહેરના મારામારીના બે બનાવો પ્રકાશિત થયા છે જેમાં પ્રથમ કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે સંતોષ પાર્કમાં રહેતા માતા-પુત્રએ પાડોશીને ઘર પાસે સિગારેટ પીવાની ના પાડતા પાડોશીએ ઝઘડો કરી  મારમારતા  બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જયારે અન્ય બનાવમાં મવડી ચોકડી નજીક હરભોલે પાન પાસે રીક્ષા ચાલકને અજાણ્યા શખ્સે ઝઘડો કરી ધોકાવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ રણુજા મંદિર પાછળ સંતોષ પાર્ક શેરી નં.1માં રહેતા અન્સુયાબેન મુકુંદભાઈ દેવમુરારી (ઉ.51) અને તેના પુત્ર હર્ષ (ઉ.21) આજે સવારે ઘર પાસે હતા ત્યારે પાડોશી મયુર અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ હુમલો કરી માર મારતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાથમિક પુછપરછમાં પાડોશી મયુર ગઈકાલે ઘર પાસે સિગારેટ પીવાની ના પાડતા ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી આજે સવારે મયુર અને તેની સાથેના શાળાઓએ ઝઘડો કરી માર માર્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી.

જ્યારે બીજા બનાવમાં રિક્ષા ચલાવી રખડતુ જીવન જીવતો વિજય પરસોતમભાઈ વાળા (ઉ.42) આજે સવારે મવડી ચોકડી નજીક હરભોલે પાન પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સે ઝઘડો કરી માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.