Abtak Media Google News

જમીન કૌભાંડમાં તંત્ર રસ લઈને ઊંડું ઉતરે તો ચોંકાવનારા કારસાઓ થશે ઉજાગર

અત્યાર સુધી બહાર આવ્યું તે માત્ર ટ્રેલર જ, સમગ્ર કૌભાંડ સામે આવશે તો ખુદ અધિકારીઓ પણ ચોંકી જશે : વિવાદાસ્પદ જમીન ઉપર તંત્રએ ઝુંબેશરૂપી કાર્યવાહી કરવાની જરૂર

અબતક, રાજકોટ : રાજકોટની વાવડી સર્વે નં.149ની અબજોની કિંમતની જમીનને ખાનગી ઠેરવવાના કારસ્તાનમાં સમયાંતરે સરકાર દ્વારા કાર્યવાહી થઈ રહી છે. પણ આ પ્રકરણ તંત્ર વિચારે તેનાથી ઘણું ઊંડું છે. જો આ પ્રકરણમાં તટસ્થ રીતે તપાસ આદરવામાં આવે તો ચોંકાવનારા કારસ્તાન બહાર આવી શકે છે. આ કેસ હાલ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. તંત્ર માત્રને માત્ર જે ફરિયાદ આવે તેના ઉપરથી જ તપાસ આદરવાની નીતિ પ્રમાણે કામ કરી રહી છે. જો અંગત રસ લઈને આ પ્રકરણમાં તપાસ આદરવામાં આવે તો આ પ્રકરણ રાજ્યનું સૌથી ભયાનક પ્રકરણ બનશે તે નક્કી છે.

રાજકોટના વાવડી ગામની કરોડો રૂપીયાની બે સરકારી જમીન ખાનગી ઠેરવવાના કારસાને સરકારે બ્રેક લગાવી દેતા જમીન ખરીદનાર આસામીઓને જોરદાર લપડાક મળી છે. મહેસૂલ સચિવ (વિવાદે) રાજકોટ કલેકટરે આપેલ ચૂકાદાને કાયમ રાખતો હોવાનો હુકમ કરતા જમીનના ધંધાર્થીઓમાંઆ ચૂકાદો ચર્ચાસ્પદ બન્યો છે.

વાવડી સર્વે નં.149ની 10 હજાર ચો.મી. જમીન તા.2.3.49ના કોઠારીયાના ગીરાસદારે અઘાટની જમીન ચુનીલાલ કેશવલાલ સાંગાણીને વેચાણ દસ્તાવેજથી આપેલ હતી તે પછી ઉતરોતર વેચાણથી જમીન વેચવામાં આવી હતી આ જમીન રેતુલ ચંદ્રકાંત શાહ અને નૈમિષ મનુભાઈ જોશીએ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી. આ જમીન સરકારી હોવા છતાં તત્કાલીન મામલતદાર અને ડે. કલેકટરે ગામના હકકપત્રકે નોંધ 8848 અને 8851 દાખલ કરી હતી.

40 વર્ષથી સરકારી જમીન ખાનગી ઠેરવી દેતા કલેકટરે આ હુકમને સુઓમોટો કરી રીવીઝનમાં લીધેલ અને ડે. કલકેટરે કરેલ હુકમને રદ કરી જમીન સરકારી હોવાનો ચૂકાદો આપેલ હતો. કલેકટરના આ ચૂકાદા સામે અરજદારોએ મહેસૂલ સચિવ વિવાદ સમક્ષ અપીલ કરી હતી આ કેસ ચાલી જતા 10000 ચો.મી. જમીન સરકારી હોવાના કલેકટરના ચૂકાદાને કાયમ રાખ્યો હતો.

બીજા કેસમાં વાવડી સર્વે નં. 149ની 1500 ચો.મી. જમીન કોઠારીયાના ગીરાસદાર તેજુભા જાડેજાએ શેઠ જમનાદાસ પ્રભાશંકરને વેચાણથી આપેલ અને આ જમીન 1993માં કિશોર જમનાદાસ શેઠે જયંતિ જીવરાજ ગજજર અને રમેશચંદ્ર સુદરજી વડગામાને દસ્તાવેજથી વહેચી હતી. યુએલસીની જમીન હોવા છતાં સરકારી જમીનનું ટાઈટલ તત્કાલીન મામલતદાર અને ડે. કલેકટરે ખાનગી કરતો હુકમ કરતા કલેકટરે રીવીઝનમાં લઈ જમીન સરકારી હોવાનો ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદા સામે અરજદારોએ મહેસુલ સચિવને અપીલ કરી હતી અને મહેસુ સચિવે કલેકટરના હુકમને ગ્રાહ્ય રાખ્યો હતો.

બાબા આદમના જમાનાના વીલના આધારે 2018માં પ્રોબેટ કરવાયુ, તે પણ મુંબઈ હાઇકોર્ટમાંથી!!

આ પ્રકરણમાં ગુલાબબેન ચુનીલાલ સંઘાણીનું તા.8 માર્ચ 1968ના રોજ તેમજ ચુનીલાલ કેશવજીભાઈ સંઘાણીનું 28 માર્ચ 1973ના રોજ અવસાન થયેલ હતું. તેમની વર્ષ 1965ની વિલના આધારે બાબુભાઈ શેઠે મુંબઈ હાઇકોર્ટમાંથી વર્ષ 2018માં પ્રોબેટ મેળવ્યું હતું. અને તે પ્રોબેટના આધારે સર્વે નં. 149 પૈકીની 10 હજાર ચો.મી. જમીન ઉપર પોતાનો દાવો માંડ્યો હતો. અને આ જમીન પોતાના હસ્તક કરી લીધી હતી. આ પ્રકરણમાં કૌભાંડનો મુખ્ય મુદ્દો પ્રોબેટ છે. જેને તંત્રએ હાલ સુધી ધ્યાનમાં જ લીધો નથી. એક તો પ્રોબેટ વર્ષો બાદ મેળવવામાં આવ્યું છે. ઉપરાંત પ્રોબેટ મુંબઈ હાઇકોર્ટમાંથી મેળવવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે મુંબઈ હાઇકોર્ટનું પ્રોબેટ અહીં માન્ય કઈ રીતે રાખવામાં આવ્યું છે. આમ આ પ્રકરણમાં તંત્રનો કૌભાંડ આચરવામાં પૂરેપૂરો સહયોગ કૌભાંડકારીઓને મળ્યો છે.

1949ના અનેક દસ્તાવેજો શંકાના દાયરામાં !!

વર્ષ 1949ના અનેક દસ્તાવેજો શંકાના દાયરામાં છે. તંત્રએ અંગત રસ લઈને આ મામલે તટસ્થ તપાસ કરવાની જરૂર જણાય રહી છે. ચર્ચાતી વિગત મુજબ કોઠારીયા સ્ટેટને પાવર ન હોવા છતાં દસ્તાવેજ કરવામાં આવ્યા છે. માટે હાલ અનેક જમીનો વિવાદમાં સપડાઈ ગઈ છે. આ પ્રકરણમાં તંત્ર ઝુંબેશ રૂપે કાર્યવાહી હાથ ધરે તો ઘણું તથ્ય બહાર આવી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.