Abtak Media Google News

રાજુલા તાલુકામાં ગામડાઓમાં થયેલ ગેરકાયદેસરના દબાણો દુર કરાવવા માટે તાલુકાના રહિશો દ્વારા આંદોલન કરવામાં આવેલ હતું. જેમાં તાલુકામાં આવેલ વિવિધ કંપની અને જીંગા ફાર્મો દ્વારા અને ભુમાફીયાઓ દ્વારા હજારો હેકટર જમીનોનું ગેરકાયદેસર રીતે કરેલ દબાણ તાત્કાલિક ધોરણે દુર કરવા માટે માંગણી કરવામાં આવી હતી.

જે સંદર્ભે રાજુલામાં નાયબ કલેકટર દ્વારા તા.૭/૭/૨૦૧૮ના પત્ર નં.જમન/વશી/૨૧૭૪/૨૦૧૮ થી જણાવાયું હતું કે, ગેરકાયદેસરના દબાણો એક અઠવાડિયામાં દુર કરવામાં આવશે પરંતુ એક માસ વિતી જવા છતાં આ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી અને ગેરકાયદેસરના દબાણોને હટાવાયા નથી.

આ ઉપરાંત તેઓએ પત્રમાં એમ પણ જણાવેલ હતું કે, આ વિસ્તારમાં આવેલ જી.એચ.સી.એલ કંપનીનો જમીન લીઝનો કરાર પૂર્ણ થઈ ગયેલ હોય ડીઆઈએલઆર માંથી નકશા મેળવી જીએચસીએલમાં થયેલ દબાણ પણ દુર કરવામાં આવશે પરંતુ ૧ માસ જેટલો સમય પસાર થવા છતાં ગેરકાયદેસરના દબાણો દુર થયા નથી.

આ અંગે રાજુલા નાયબ કલેકટર સાથે થયેલ ટેલીફોનિક વાતચીતમાં તેઓએ એવું જણાવેલ છે કે, માપણી થયા બાદ દબાણો ૮ દિવસમાં દુર કરવામાં આવશે પરંતુ આ બાબતે તેઓના પત્રમાં જણાવાયું છે કે, જીએચસીએલ કંપનીની માપણી શીટ આવ્યા પછી દબાણને દુર કરવા કાર્યવાહી થશે પણ જીંગા ફાર્મ કે અન્ય દબાણોનું શું ? આ સાથે લોકમુખે એવી ચર્ચાઓ થાય છે કે, મોટા શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં ગેર કાયદેસરના દબાણો તાત્કાલિક દુર થઈ રહ્યા છે તો આ ગામડાઓમાં હજારો હેકટર જમીનમાં થયેલા ગેરકાયદેસરના દબાણો દુર કરવામાં કોની શેહ રાખવામાં આવે છે ?

સરકાર દ્વારા ગરીબ લોકોની કેબીનો અને નાના-નાના દબાણો દુર કરવામાં સરકાર ગૌરવ અનુભવે છે. જયારે હજારો એકર જમીનોમાં સરકારની છાતી ઉપર ચડીને જગજાહેર દબાણો હટાવવા માટે લોકો આંદોલનો કરે, રેલીઓ કાઢે છતા શા માટે દુર કરવામાં આવતા નથી ? તેવો વૈદ્યક સવાલ લોકોમાંથી ઉઠવા પામેલ છે અને આગામી સમયમાં જો આવા દબાણો તાત્કાલિક દુર કરવામાં નહીં આવે તો ફરીથી આંદોલન શરૂ કરવામાં આવનાર હોવાનું અને હાઈકોર્ટનો આશરો લેવાનું જાણવા મળેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.