Abtak Media Google News

સરકારી બાબુ અને પંચાંગકર્તાઓ વચ્ચે સંકલનના અભાવ ચેટીચાંદની માફક રામનવમીની રજા પણ ફેરવવી પડે તેવી સ્થિતિ

રામનવમી તા.૪ એપ્રિલનાં રોજ છે કે તા.૫ એપ્રિલે/ તે અંગે વિવાદ જોવા મળી રહ્યો છે. સરકારી રજા તા.૪ એપ્રિલ, ૨૦૧૭નાં રોજ છે જ્યારે શાસ્ત્રો અનુસાર તા.૫ એપ્રિલે રજા છે અને મંદિરોમાં પણ તા.૫ એપ્રિલનાં રોજ રામજન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રજ્ઞાતા માની રહ્યાં છે કે ખોટી તિથિમાં પર્વ-તહેવારની ઉજવણી કરવાથી રાજ્ય ઉપર અશાંતિનાં વાદળો ઘેરાઇ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા દોઢેક દાયકાથી હિન્દુઓનાં તહેવારોની જાહેર રજાઓ જાહેર કરવામાં સરકારી બાબુઓ અને પંચાંગકર્તાઓ વચ્ચે સંકલનનો અભાવ વરતાય છે. જેને કારણે પર્વ-તિથિઓની રજાઓમાં વારંવાર ફેરફાર કરવાની ફરજ પડે છે અને સરકારને યુ ટર્ન લેવો પડે છે. ઉલ્લેખનીય છે કે વિક્રમ સંવત-૨૦૭૨માં હોળી અંગે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. જેમાં સરકારે હોળીનાં દિવસે રજા ન આપતાં રાજ્યમાં બે હોળી થઇ હતી અને છત્રભંગની સ્થિતિ પણ સર્જાઇ હતી. મહાગુજરાત પંચાંગ વિદ્વદ્ પરિષદનાં અધ્યક્ષ, જ્યોતિષાચાર્ય રઘુનાથભાઇ દવેએ જણાવ્યું કે શાસ્ત્ર આજ્ઞા અનુસાર જ પર્વ, તિથિની ઉજવણી થવી જોઇએ. જે રાજકર્તા માટે પણ હિતાવહ છે. યોગ્ય તિથિ મુજબ પર્વ-તહેવારની ઉજવણી ન કરવામાં આવે તો જે-તે પ્રદેશમાં અશાંતિનાં વાદળો પણ ઘેરાઇ શકે છે. આ સ્થિતિમાં પાંચ એપ્રિલે રામનવમીની ઉજવણી કરવી જ ઉચિત છે. એટલું જ નહીં, અયોધ્યા, નાથદ્વારા, જગન્નાથપુરી વગેરે ખાતે પણ તા.૫ એપ્રિલનાં રોજ રામનવમીની ઉજવણી કરવામાં આવનાર છે. તેમણે જણાવ્યું કે શાસ્ત્રો અંતર્ગત બંને દિવસોમાં મધ્યાહ્ન વ્યાપ્તિ હોય અથવા ન હોય તો પહેલે દિવસે પુનર્વસુ નક્ષત્રવાળીને પણ છોડી દઇને પરાજ લેવી. માધવીયમાં અગત્સ્ય સંહિતાના વચનથી કહ્યું છે કે વૈષ્ણવોએ અષ્ટમીવિદ્ધા નવમીનો ત્યાગ કરવો. નવમીમાં ઉપવાસ કરવો અને દશમીમાં પારણું કરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.