Abtak Media Google News

કોઈ પણ પ્રક્રિયા વગર બે કર્મચારીઓના નામના સીધા ભરતીના ઓર્ડર નીકળી ગયા, સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા એક રોજમદારે પોતે કૌભાંડ આચર્યું હોવાની કબૂલાત આપી દીધી, કોઈ પોલીસ ફરિયાદ નહિ કોઈ ખાતાકીય કાર્યવાહી પણ નહીં

મોરબીની પાણી પુરવઠા કચેરીમાં ભરતી કૌભાંડ થયો હોવાનું રાજકોટના નામાંકિત બિલ્ડર વિજયસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો છે. કોઈ પણ પ્રક્રિયા વગર બે કર્મચારીઓના નામના સીધા ભરતીના ઓર્ડર નીકળી ગયા, સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા એક રોજમદારે પોતે કૌભાંડ આચર્યું હોવાની કબૂલાત પણ આપી દીધી હોવાનું તેઓએ જણાવ્યું છે.

રાજકોટના બિલ્ડર વિજયસિંહ ઝાલાના જણાવ્યા મુજબ મોરબીમાં પાણી પુરવઠા બોર્ડના ભરતીના કૌભાંડનો તેઓએ પર્દાફાશ કર્યો છે. મોરબી પેટા કચેરી વિભાગ 1 માં ગેકાયદેસર ભરતી થઈ છે .2 વ્યક્તિની અલગ અલગ સમયે ભરતી કરવામાં આવી હતી. જેમાં જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે 14 જૂન 2021ના પાર્થ રાઠોડની ભરતી કરવામાં આવી હતી. જ્યારે 22 જુલાઈ 2021ના રોજ જયદીપ પોપટની ભરતી કરવામાં આવી હતી.

વિજયસિંહ ઝાલાએ જણાવ્યું કે તેઓને એક નનામી ચિઠી મળી હતી. જેને પગલે તેઓએ આરટીઇ કરતા આ સમગ્ર કૌભાંડ ખુલ્યું હતું. જો કે આ કૌભાંડ ખુલ્લું પડતા જ વિષ્ણુ પ્રસાદ દેરાસરી નામના એક રોજમદાર કર્મચારીએ કબૂલાત પણ આપી હતી કે તેને આર્થિક લાભ માટે ભરતીનું કૌભાંડ કર્યું હતું. જોકે એક નાનો કર્મચારી આ પ્રકારનું કૌભાંડ આચરી શકે તેવી વાતમાં તથ્ય ન હોવાનું વિજયસિંહ ઝાલા જણાવી રહ્યા છે.

આ મામલે વિજયસિંહ ઝાલા જણાવે છે કે પાર્થ રાઠોડ અને જયદીપ પોપટ નામના આ બે કર્મચારીની કોઈ પણ સરકારી પ્રક્રિયા વગર જ ભરતી કરી દેવામાં આવી હતી. કૌભાંડ ખુલ્યા બાદ એક કર્મચારીએ સામે આવીને પોતે માથે ઓઢી લેવું પણ કોઈ મોટા માથાની સંડોવણી હોવાનું દર્શાવે છે.

કર્મચારીએ કૌભાંડ આચર્યાની કબૂલાત કરી છતાં કોઈ કાર્યવાહી નહિ

વિજયસિંહ ઝાલા જણાવે છે એક રોજમદાર કર્મચારીએ કૌભાંડ આચર્યાની કબૂલાત આપી છે. છતાં પણ આ કૌભાંડ મામલે કોઇ ફરિયાદ નોંધાઇ નથી. ઉપરાંત આ રોજમદાર કર્મચારી પણ હાલ સુધી ફરજ ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ કૌભાંડ સામે આવ્યા બાદ દેખીતી કાર્યવાહી પણ કરવામાં આવી નથી.

મોટામાથાઓની સંડોવણીની પ્રબળ શકયતા

આ કૌભાંડ ઉજાગર થયા બાદ એક રોજમદાર કર્મચારીએ બધા આરોપો પોતાના માથે લઈ લીધા હતા. જો કે આ રોજમદાર કર્મચારી એકલા હાથે કઈ રીતે કોઈ બે વ્યક્તિઓની સિધી ભરતી કરાવી શકે તે પણ પ્રશ્ન સર્જાયો છે. આ કૌભાંડમાં દેખીતી રીતે કોઈ મોટામાથાનો હાથ હોવાની પ્રબળ શક્યતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.