Abtak Media Google News

ગરીબોના હકમાં અન્નનો દાણો છીનવનાર સામે તંત્ર કાર્યવાહી કરશે ?

અંકુરપાર્કના પરવાનેદાર ગોપાલ અમૃતિયાએ છેલ્લા ત્રણેક મહિનાથી અડધો અડધ રાશનકાર્ડધારકોને અનાજનો જથ્થો જ નથી આપ્યો, અનાજ લેવા આવતા જરૂરિયાતમંદ લોકોને ફોસલાવી સમજાવીને દર વખતે પરત મોકલી દેવાય છે

શહેરના અંકુર પાર્કમાં સસ્તા અનાજના દુકાનદારે રાશન કાર્ડ ધારકો પાસેથી ફિંગરપ્રિન્ટ લઈને છેલ્લા ત્રણેક મહીનાથી માલ ન આપી કૌભાંડ આચર્યું હોવાની ફરીયાદો ઉઠી રહી છે. જો કે આ ફરિયાદો બાદ હવે તંત્ર જાગે છે કે કેમ તે જોવું રહ્યું!

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના સ્વામિનારાયણ ચોક પાસે આવેલ અંકુર પાર્ક વિસ્તારમાં ગોપાલ અમૃતિયા નામનો સસ્તા અનાજનો પરવાનેદાર છે. જે અગાઉ પણ ગરીબોના અનાજમાં ગેરરીતિ આચરવામાં કુખ્યાત છે. આવા દુકાનદાર ઉપર સમયાંતરે ચેકીંગ ન કરવાના લીધે તેને ફરી ગેરરીતિ આચરવાનો મોકો આપવામાં આવી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ દુકાનના રાશનકાર્ડ ધારકો આક્ષેપ કરી રહ્યા છે કે તેઓને છેલ્લા ત્રણેક મહિનાથી અનાજ જ મળ્યું નથી. જ્યારે આ દુકાને તેઓ જાય છે ત્યારે પ્રતાપ નામનો શખ્સ ડરાવી ધમકાવીને અનાજ અમને ગોડાઉનમાંથી મળ્યું જ નથી. તેવું જણાવે છે. જો કે આ શખ્સ રાશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ લઈ લ્યે છે પણ અનાજ ન આપતો હોવાની રાવ ઉઠી છે.

બીજી તરફ મળતી માહિતી મુજબ અમુક રાશન કાર્ડ ધારકોને એક મહિને ઘઉં આપવામાં આવે છે તો બીજા મહિને ચોખા આપવામાં આવે છે. આમ તમામ જથ્થો આપવામાં આવતો નથી. છેલ્લા ઘણા સમયથી આ દુકાનદાર રાશનકાર્ડ ધારકોને ફોસલાવી કે ધમકાવીને બે દિવસ પછી આવજો એવું કહીને પરત મોકલી દયે છે. જો કે આજે રાશનકાર્ડ ધારકોએ ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોબાળો મચાવ્યો હતો.

પુરવઠાના ગોડાઉન ઉપર પણ શંકાની સોય  અધિકારીઓની લોલમલોલ સામે તપાસ જરૂરી

ચોખાનો જથ્થો સડેલો, ગોડાઉનમાં પણ ગડબડની આશંકા

ગોપાલ અમૃતિયા નામના દુકાનદારને ત્યાં ચોખાનો જે જથ્થો હતો તે સડેલો હતો. રાશનકાર્ડધારકોએ એવું કહ્યું હતું કે કાયમી આ દુકાનમાંથી મોટાભાગનો જથ્થો સડેલા જેવો જ આપવામાં આવે છે. જો કે દુકાનદારે એવું કહ્યું કે ગોડાઉનમાંથી જ આવો જથ્થો આવે છે. એટલે પુરવઠાના ગોડાઉનમાં પણ લોલમલોલ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે.

અગાઉ પણ આ જ વેપારીને ત્યાં ગોડાઉનમાંથી જ  ઘઉંનો સડેલો જથ્થો ઠાલવાયો ’તો

અગાઉ થોડા મહિના પૂર્વે આ દુકાનદારને ત્યાં પુરવઠા ગોડાઉનમાંથી જ સડેલો ઘઉંનો જથ્થો આપવામા આવ્યો હતો. ત્યારે એક અરજદાર તો આ સડેલા ઘઉ લઈને સીધા પુરવઠા અધિકારી પાસે રજુઆત કરવા દોડી આવ્યા હતા. તે સમયે પુરવઠા અધિકારી પણ આ ઘઉં જોઈને ચોકી ઉઠ્યા હતા અને તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. પણ તે સમયે જાણે ભીનું સંકેલાય ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો.

ત્રણ- ચાર મહિનાથી જ્યારે અનાજ લેવા આવી ત્યારે કહે છે પુરૂ થઈ ગયું : કાર્ડ ધારક

કાર્ડ ધારકે જણાવ્યું કે છેલ્લાં 4-5 મહિનાથી માલ નથી મળ્યો. જયારે માલ લેવા આવી ત્યારે કહેવામાં આવે કે આવતા મહિને આવજો માલ પૂરો થયો ગયો. દર વખતે ધક્કા ખાવા પડે છે. આવતા મહિનાનો માલ લેવા માટે અગાઉ ફિંગર પ્રિન્ટ લેવામાં આવે  છે. ત્યાર બાદ જ્યારે માલ લેવા આવીએ તો માલ નથી તેમ કહી આવતા મહિને આવજો તેવું સંચાલક દ્વારા કહેવામાં આવે છે.

દુકાનદાર હલકી ગુણવતાવાળા ચોખા આપી દયે છે : કાર્ડ ધારક

કાર્ડ ધારકે જણાવ્યું કે દર મહિને 3-4 ધક્કા ખાવા પડે છે. એક મહિનાનો પૂરો માલ નથી આપતા. એક વખત ઘઉ આપે ત્યારબાદ આવતા મહિને ચોખા લેવા જવું પડે છે. 5 રૂ. ફિંગરના લઇ છે તેની પહોંચ પણ નથી આપતા. ચાલુ મહિનાનો માલ આવતા મહિને આપે છે. દર મહિને પૂરો માલ આપતા નથી. અગાઉના મહીને હલકી ગુણવત્તાના ચોખા આપ્યા હતા. જે ખાવાથી મારી તબિયત બગડી હતી. સાવ નિમ્ન કક્ષાનાં ચોખા આપવામાં આવે છે.

દુકાનદાર અને તંત્રની એક-બીજા ઉપર ખો!!

મારે 450 કાર્ડ છે, માલ 300નો જ મળે છે : દુકાનદાર

દુકાનદાર ગોપાલ અમૃતિયાએ જણાવ્યું કે પૂરતો માલ ન મળવાના કારણે કાર્ડ ધારકોને માલ આપી શકાય તેમ નથી. આ બાબતે વહીવટી તંત્રને જાણ કરી છે. છતાં પણ ત્યાંથી કોઈ પ્રત્યુતર આપવામાં આવતો નથી.  મામલતદાર કચેરી અને નિગમમાંથી સચોટ જવાબ આપવામાં આવતો નથી. 450 કાર્ડ ધારક છે જેમાંથી  300 કાર્ડ ધારકોનો માલ આપવામાં આવે છે. જેનાં કારણે પૂરતો માલ આપી શકતા નથી.

પરમીટ મુજબ માલ તો 21 તારીખે મોકલી દેવાયો : નિગમ મામલતદાર

આ મામલે પુરવઠા નિગમના મામલતદાર ગોહિકનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે ગોપાલ અમૃતિયા નામના દુકાનદારને પરમીટ મુજબ 21 તારીખે જ માલ આપી દેવામાં આવ્યો છે. પણ તેઓએ કેટલો માલ આપવામાં આવ્યો તે અંગે કોઈ ખોલ ન પાડી. આ અંગે તેઓએ એવું કહ્યું કે કેટલો માલ ગયો તે પુરવઠા વિભાગને ખ્યાલ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.