રિલાયન્સ અને અદાણી હવે બાયોગેસ પ્લાન્ટ સ્થાપશે

અદાણીએ વાર્ષિક 40 મિલિયન ટન ગેસના ઉત્પાદન માટે ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં જગ્યા પસંદ કરી, રિલાયન્સ પણ જગ્યાની શોધમાં: 600 કરોડના રોકાણનો અંદાજ

અબતક, નવી દિલ્હી

બિન પરંપરાગત ઉર્જા તરફ વળવાનો હવે સમય આવી ગયો છે. ત્યારે ભવિષ્યના ઇંધણ તરફ અત્યારથી જ ડગલાં માંડવાની શરૂઆત જાયન્ટ કંપનીઓએ શરૂ કરી દીધી છે. દેશની ટોચની કંપનીઓ રિલાયન્સ અને અદાણીએ હવે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કર્યું છે. અદાણીએ વાર્ષિક 40 મિલિયન ટન ગેસના ઉત્પાદન માટે ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં જગ્યા પસંદ કરી છે. જ્યારે રિલાયન્સ પણ જગ્યાની શોધમાં છે.

ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ અને મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બન્ને કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહી છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં વાર્ષિક 40 મિલિયન ટન  પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે, જ્યારે રિલાયન્સ હજુ પણ સમાન ક્ષમતાના બે એકમો માટે જગ્યાની ઔપચારિકતા કરી રહી છે.  આ એકમો બનાવવા માટે કંપનીઓ 600 કરોડ સુધીનું રોકાણ કરશે.

ઓઇલ માર્કેટિંગ કંપનીના વરિષ્ઠ એક્ઝિક્યુટના જણાવ્યા અનુસાર, “અદાણી અને રિલાયન્સ બંને બહુવિધ પ્લાન્ટ્સ સાથે સેગમેન્ટમાં પ્રવેશવાનું આયોજન કરી રહ્યા છે.”  જોકે આ અંગે કોઈએ ટિપ્પણી કરી નથી.  કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટમાં કૃષિ કચરો, શેરડીના પ્રેસ મડ અને મ્યુનિસિપલ કચરાના એનારોબિક વિઘટન દ્વારા ગેસ ઉત્પન્ન થાય છે. ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે અને તેનો ઉપયોગ સ્થાનિક ઉપયોગ માટે પાઇપ્ડ નેચરલ ગેસના રિપ્લેસમેન્ટ તરીકે થઈ શકે છે.

રિટેલ આઉટલેટ્સમાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ અને સીએનજી બંનેને ઓટોમોટિવ ઇંધણ તરીકે વેચવામાં આવશે તેમજ ઘરેલું અને છૂટક ગ્રાહકોને પુરવઠો વધારવા માટે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ ઇન્જેકટ કરી શકે છે

કેવી રીતે ઉત્પન્ન થાય છે કોમ્પ્રેસ્ડ બાયો ગેસ?

ગાયના છાણ, ખાંડના કારખાનાઓનો કચરો અને નેપિયર ઘાસમાંથી બાયો ગેસ બને છે.  પ્રોજેક્ટના બીજા તબક્કામાં આ પ્લાન્ટના કચરામાંથી જૈવિક ખાતર પણ બનાવવામાં આવે છે.  આમાં ઘન અને પ્રવાહી જૈવિક ખાતર બને છે.જેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતી માટે કરી શકાય છે.  પ્રવાહી અને ઘન ખાતરમાંથી ઘણા પ્રકારના અન્ય ખાતરો પણ બની શકે જે વિવિધ પાકોના ઉત્પાદનમાં મદદરૂપ થઇ શકે છે. બાયોગેસ પ્લાન્ટ લગાવીને આપણે પર્યાવરણના પ્રદૂષણને અટકાવીએ છીએ અને તેનાથી કુદરતી ખાતર મળે છે, જે ખેતી માટે સારી ફળદ્રુપ શક્તિ તરીકે કામ કરે છે.  આ ઉપરાંત, બાયો ગેસ પ્લાન્ટ સ્મોકલેસ ગેસનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ એલપીજીની જેમ રસોઈ માટે થાય છે.